માર્ચ મહિનો ચાલી રહ્યો છે તેવામાં અનેક વીજ ગ્રાહકોના બાકી લેણાની રકમ વસૂલવા એકબાજુ પીજીવીસીએલ દ્વારા ઝુંબેશ છેડાઇ રહી છે તેવામાં રાજકોટથી આવેલી વિજિલન્સની ટીમોએ ભુજ, ખાવડા અને દેશલપરના વિવિધ વિસ્તારોમાં સપાટો બોલાવીને 20.47 લાખની વીજ ચોરી પકડી પાડી હતી. આ કાર્યવાહીના પગલે વીજચોરોમાં ફફડાટ ફેલાયો હતો.ભુજ શહેર-2, ખાવડા તેમજ દેશલપરની પેટા વિભાગીય વીજ કચેરી તળે આવતા વિસ્તારોમાં સવારથી ઝુંબેશ હાથ ધરાઇ હતી જે દરમિયાન ઘર વપરાશના 521, કોમર્શિયલ 15 તેમજ ખેતીવાડીના 7 સાથે કુલ્લ 543 વીજ જોડાણની ચકાસણી કરાઇ હતી.
આ પૈકી ઘરવપરાશના 50, વાણિજ્યિક હેતુના 2 અને એક ખેતીવાડી મળી 53 કનેક્શનમાં ગેરરીતિ કે ચોરી સાથે વીજ વપરાશ થતો હોવાનું બહાર આવતાં 20.47 લાખના દંડ સહિતના બિલ ફટકારવામાં આવ્યા હતા. 16 ગ્રાહકને ગેરરીતિની કલમ 126 તળે અને 37 ઉપભોક્તાને ચોરીની કલમ 135 હેઠળ વીજ બિલ આપવામાં આવ્યા હતા. ચેકિંગ દરમિયાન 30 જેટલા કનેકશન બારોબાર લેવાયા હોવાનું પકડાતાં સ્થળ પર જ કાપી નાખવામાં આવ્યા હતા. બાકી રહેતા વીજ બિલના નાણા તાકીદે ભરવા પશ્ચિમ કચ્છના વીજ વડા અમૃત ગુરવા અને ભુજના કાર્યપાલક ઇજનેર એચ. યુ. ગુસાઇ દ્વરા અનુરોધ કરાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.