20 કરોડ ઇ-સિગારેટ કેસ:માલ મંગાવનારા કુલ 5 ઉદ્યોગપતિઓ કચ્છ સાથે જ કનેકશન ધરાવતા હોવાની કડી ખુલી, 4 ઝોનની DRI તપાસમાં જોડાઈ

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મુન્દ્રા બંદરે અટકાવાયેલા કન્ટેઇનરની ચેકિંગ દરમિયાન ઇલેક્ટ્રીક ઉપકરણો મળી આવતા મિસડિકલેરેશનની કાર્યવાહીની તજવીજ

ચાઈનાથી મુન્દ્રા બંદરે આયાત થયેલા કન્ટેઇનરમાં રમકડાંની આડમાંથી રૂ 20 કરોડની ઇ-સિગારેટ મળી આવવાના કેસમાં હવે 4 ઝોનની ડીઆરઆઈ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.અત્યારસુધી આ કેસમાં જેના લાયસન્સ પરથી માલ મંગાવવામાં આવ્યો તે ભુજવાસી શખ્સ કે અન્ય કોઈ ઈમ્પોર્ટરની અટકાયત થઈ નથી.તપાસ પૂર્ણ થયા બાદ આ કેસમાં કડાકા ભડાકા થવાની વકી સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તાજેતરમાં સૂરત ડીઆરઆઇની ટીમે બાતમીના આધારે પલસાણા હાઇવે પરથી 20 કરોડની ઈ સિગારેટ ઝડપી પાડી હતી.

ઉદ્યોગપતિઓની ધરપકડના ચક્રો ગતિમાન
ડીઆરઆઇએ ઝડપી પાડેલાં રૂપિયા 20 કરોડની ઇ-સિગારેટના કેસમાં મુંબઇ કનેક્શન સામે આવ્યા બાદ ત્યાં પણ તપાસ કરીને સમગ્ર જથ્થો મંગાવનારા ઉદ્યોગપતિઓની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે પરંતુ હાલ તેઓ ફરાર છે.બીજી તરફ ઇમ્પોર્ટેડ ઇ-સિગારેટ વેચનારાઓને પણ ડીઆરઆઇ સાણસામાં લે એવી સંભાવના દેખાઇ રહી છે.માહિતીગાર સૂત્રોએ જણાવ્યું કે,આ કેસમાં કુલ 4 ઝોનની ડીઆરઆઈ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

એકસંપ થઈને આ માલ ચાઈનાથી આયાત કરવામાં આવ્યો
જેમાં સૂરત પાસેથી જથ્થો પકડાયો અને આ માલ મુંબઈ જતો હોવાથી આ બંને ઝોન દ્વારા તો તપાસ કરવામાં આવી જ રહી છે આ ઉપરાંત ગાંધીધામ ડીઆરઆઈ દ્વારા ભુજમાં ઈમ્પોર્ટરના ઘરે તપાસ કરવામાં આવી હતી.આ સિવાય બેંગ્લોરની કડી ખુલી હોવાથી બેંગ્લોર ડીઆરઆઈ પણ તપાસ કરી રહી છે.જે ખૂબ મહત્વપૂર્ણ બાબત છે.દરમ્યાન એ પણ સામે આવ્યું છે કે,માલ એક વ્યક્તિ દ્વારા મંગાવવામાં નથી આવ્યો કુલ 5 ઉદ્યોગપતિ દ્વારા એકસંપ થઈને આ માલ ચાઈનાથી આયાત કરવામાં આવ્યો છે જે તમામ કચ્છ સાથે સંકળાયેલા છે જેમાંથી એકના ઘરે ભુજમાં મહેદી કોલોનીમાં રેડ કરવામાં આવી હતી.

હજી એકપણ ઇમ્પોર્ટરની અટકાયત કરવામાં આવી નથી
​​​​​​​
હજી સુધી આ કેસમાં એકપણ ઇમ્પોર્ટરની અટકાયત કરવામાં આવી નથી.તેમજ મુન્દ્રા બંદરે આવેલા કુલ 18 કન્ટેઇનરમાં ઇ-સિગરેટ હોવાની બાતમીના આધારે આ કન્ટેઇનર રોકાવી તલાશી કરવામાં આવી હતી.જેમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને અન્ય ગેજેટ્સ મળી આવ્યા હતા.જેથી મિસ ડિકલેરેશન અને અંડર વેલ્યુએશનની કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી પણ સૂત્રો મારફતે જાણવા મળી છે.

DRIએ ભુજમાં ધામાં નાખ્યા બાદ સંબંધીઓ ગાંધીધામ મામલો પતાવવા પહોંચ્યા,રાજકારણીને મળ્યા પણ ઉપજ્યું કઈ નહીં !
ચાઈનાથી રમકડાંની આડમાં ઇ-સિગરેટ મંગાવાઇ હતી.તેમાં જે લાયસન્સનો ઉપયોગ થયો તે વ્યક્તિ ભુજમાં રહેતો હોઇ ડીઆરઆઈની એક ટીમ દ્વારા બુધવારે બપોરે 5 કલાક સુધી મહેંદી કોલોની અને સુમરા ડેલી વિસ્તારમાં તપાસ કરાઇ હતી.પણ લાયન્સસધારક હાજર ન મળી આવતા તેના પિતા સહિતના પરિવારજનોના નિવેદન લેવામાં આવ્યા હતા અને તપાસઅર્થે મોબાઈલ અને લેપટોપ પણ લઈ જવાયું હતું.દરમ્યાન તેના સબંધીઓ મામલો પતાવવા માટે ગાંધીધામ ડીઆરઆઈની કચેરીએ પહોંચી ગયા હતા અને પોતાનો પક્ષ રજૂ કર્યો હતો સાથે જ અહીના એક સ્થાનીક રાજકારણીની મદદ લેવાઇ હતી.જોકે અધિકારીઓ તાબે ન થયા અને વધુ કન્ટેઇનર મુંદ્રા પોર્ટ પર અટકાવી દેવાયા હતા.

મોડી રાત્રે ભુજમાંથી એક વ્યક્તિને ઉઠાવાયો
દરમ્યાન માહિતીગાર સુત્રોએ માહિતી આપતા જણાવ્યું કે ઇ-સિગારેટના ચર્ચાસ્પદ કેસમાં ડીઆરઆઇની એક ટીમે ભુજમાંથી એક વ્યક્તિને મોડી રાત્રે ઉઠાવ્યો હતો. જેની પુછપરછ કરવામાં આવી રહી છે. તપાસ ચાલુમાં હોઇ એજન્સી તરફથી વધુ વિગતો સાંપડી શકી નથી.

અન્ય સમાચારો પણ છે...