કચ્છમાં વરસાદનુું જોર ઘટ્યું:અબડાસામાં વધુ 2થી 6 ઇંચ ખાબક્યો, મુન્દ્રામાં અઢી, નખત્રાણા, માંડવીમાં એક-એક અને ભુજમાં અડધો ઇંચ

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શનિવારે બપોર બાદ મેઘરાજાએ ખાધો પોરો

છેલ્લા 9 દિવસથી મેઘરાજાના કચ્છમાં મુકામ બાદ 10મા દિવસે શનિવારના વરસાદનું જોર ઘટ્યું હતું. જો કે, અબડાસા તાલુકામાં શુક્રવારના રાત્રિથી લઇને શનિવારના બપોર સુધીમાં ભારે વરસાદથી વધુ 2થી 6 ઇંચ પાણી પડ્યું હતું. ઝાપટાંથી મુન્દ્રામાં અઢી, નખત્રાણા, માંડવીમાં 1-1, ભુજમાં અડધો વરસાદ વરસી ગયો હતો.મેઘરાજાઅે અબડાસા તાલુકામાં સતત ચોથા દિવસે અનરાધાર મેઘકૃપા વરસાવી હતી. શુક્રવારની રાત્રિથી લઇને શનિવારના બપોર સુધી વરસાદ વરસવો ચાલુ રહેતાં તાલુકામાં 2થી 6 ઇંચ મેઘ મહેર થઇ હતી. તાલુકા મથક નલિયામાં 1 ઇંચ કાચું સોનું વરસ્યું હતું.

તાલુકાના સણોસરામાં ભારે વરસાદથી નદીમાં પુર અાવી જતાં ગામનો રસ્તો બંધ થઇ ગયો હતો. વધુમાં વીજપોલ ધરાશાયી થતાં શુક્રવારની રાત્રિથી લઇને શનિવારના પણ વીજ પુરવઠો ચાલુ થયો ન હોવાનું ગામના રજાક વજીરે જણાવ્યું હતું.તાલુકાના કોઠારા, ખિરસરા, ખુઅડા, સુથરી, નારાણપર, ડુમરા, વિઝાણ સહિતના વિસ્તારોમાં 2થી 6 ઇંચ વરસાદ વરસી ગયો હતો. વિંઝાણના ખેતરો તળાવમાં ફેરવાઇ ગયા હોવાનું ખેડૂત મહાવીરસિંહ કે. જાડેજાઅે જણાવ્યું હતું. લાલા, બુડિયા, સિંધોડી, રાપરગઢ, પિંગલેશ્વર પંથકમાં 4થી 6 ઇંચ મેઘ મહેર વરસી હતી.

બુડિયાનો રસ્તો સતત બીજા દિવસે બંધ રહ્યો હતો. લાલા-બુડિયા વિસ્તારમાં કપાસની અાગોતરી વાવણી કરાઇ હતી, જે નિષ્ફળ ગઇ હોવાનું લાલાના અામદ સંગારે જણાવ્યું હતું.ગરડા વિસ્તારના વાયોર, વાગોઠ, ફુલાય, ખારાઇ, ઉકીર, બેર નાની-મોટી, હોથીયાય, સાંઘીપુરમ, ભગોડી વાંઢ, નવાવાસ, અકરી, રામવાડા સહિતના ગામોમાં 2થી 4 ઇંચ જેટલો વરસાદ પડી ગયો હોવાનું તાલુકા પંચાયત પ્રમુખ જૈતબાઇ લાખા કેરે જણાવ્યું હતું.

વાગોઠથી સાંઘીપુરમ રસ્તો બંધ થયો હતો. રામવાડા અને બેર ગામની નદી અાવી જતાં સિમેન્ટ પરિવહન તેમજ બેર સહિતના ગામોનો માર્ગ બંધ થયો હતો. ગોલાય ગામમાં બે ફૂટ પાણી ભરાયા હતા, જો કે, વરસાદ અોછો થતાં પાણી અોસરી ગયાનું ગામના અલીભાઇ કેરે જણાવ્યું હતું. તાલુકાના વાડાપધ્ધર, કોઠારા, હાજાપર, ખુઅડા, બાલાચોડ, નરેડી, બુડિયાા, ભવાનીપર સહિતના ગામોમાં તળાવો અોગની ગયા હતા.

ઉપરાંત નખત્રાણા અને માંડવીમાં પણ 1-1 ઇંચ કાચું સોનું વરસ્યું હતું. જિલ્લા મથક ભુજમાં સવારે અેક બાજુ તડકો નીકળ્યો હતો અને તે વચ્ચે ઝાંપટા ચાલુ રહ્યા હતા અને 11 મીમી વરસાદ નોંધાયો હતો. શુક્રવારે લખપત તાલુકામાં સાંબેલાધાર 13 ઇંચ ખાબકી ગયા બાદ શનિવારે મેઘરાજાઅે પોરો ખાધો હતો અને માત્ર 8 મીમી વરસાદ નોંધાયો હતો. અંજાર, ગાંધીધામમાં પણ ઝરમરથી માર્ગો ભીના થયા હતા.

આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા જખૌમાં ટીમ ઊભી કરાઇ છેવાડાના જખાૈમાં અંદાજિત 10 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે અને ગામના ઐતિહાસિક મુખ્ય બે તળાવ લાખાસર અને જહાંગીરામાં 80% પાણી આવ્યું છે. જખાૈ સહિત અાસપાસના કાંઠાળ પટ્ટાના ગામોમાં આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા જેસીબી, હિટાચી મશીન સહિતના સાધનોની સાથે આપાતકાલીન ટીમ ઉભી કરવામાં આવી છે. ભારે વરસાદની અાગાહી વચ્ચે તંત્ર અેલર્ટ છે. જખાૈમાં જયાં પાણી ભારાયા છે ત્યાં જેસીબી મશીન દ્વારા અડચણો દુર કરી પાણીનો નિકાલ કરવામાં અાવી રહ્યો હોવાનું સરપંચ પ્રતિનિધિ અલીભાઈ કોરેજાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, પંચાયત હેઠળના કોઈપણ ગામોના લોકોને સલામત સ્થળે ખસેડવા માટે વાહનોની વ્યવસ્થા ઉભી કરાઇ રહી છે.

તાલુકા મથકે નોંધાયેલો મોસમનો કુલ વરસાદ

અંજાર159 મીમી
અબડાસા238 મીમી
ગાંધીધામ114 મીમી
નખત્રાણા350 મીમી
ભચાઉ38 મીમી
ભુજ289 મીમી
મુન્દ્રા408 મીમી
માંડવી436 મીમી
રાપર37 મીમી
લખપત446 મીમી

ગુરૂવાર સુધી જિલ્લાના અમુક સ્થળે ભારે વરસાદની અાગાહી
હવામાન વિભાગે કચ્છમાં હજુ તા.14-7 સુધી ભારે વરસાદની અાગાહી કરી છે. જિલ્લાના અમુક સ્થળે રવિવારે ભારેથી અતિભારે, સોમવારે ભારે, મંગળવારે હળવાથી મધ્યમ, બુધવારે ભારે અને ગુરૂવારે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે.

1994 બાદ લખપત તાલુકામાં 24 કલાકમાં 15 ઇંચ ખાબક્યો
લખપત તાલુકામાં 1994 માં આવેલા ભારે વરસાદ દરમ્યાન માત્ર બાર કલાકમાં જ એકસાથે 25 ઇંચ કરતાં વધુ વરસાદ પડી ગયો હતો. ત્યારબાદ સૌથી વરસાદ પડ્યો નથી અને આ વર્ષે 2022 માં છેલ્લા 24 કલાકમાં જ 15 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. કચ્છમાં અત્યાર સુધી મોસમના સૌથી વધુ વરસાદમાં લખપત તાલુકો 446મીમી સાથે મોખરે છે જ્યારે સૌથી ઓછો વરસાદ અંજારમાં 17મીમી પડ્યો છે.

મુન્દ્રા પંથકમાં પાંચમા દિવસે ધીમીધારે અઢી ઇંચ વરસાદ વરસ્યો
મુન્દ્રા | મુન્દ્રા-મધ્યે સતત પાંચમા દિવસે અવિરતપણે જારી રહેતાં 2.5 ઇંચ પાણી વરસી ગયું હતું.મુન્દ્રા મામલતદાર કચેરીએ રાત્રીના 12 થી સાંજે 6 વાગ્યા સુધી 67 તથા સીઝનનો કુલ્લ 404 મિમી વરસાદ નોંધાયો હતો.પાંચ દિવસથી સમયાંતરે વરસાદનો રાઉન્ડ જારી રહેતાં નગરના સોસાયટી વિસ્તારોમાં ચોમેર જળ ભરાવ જોવા મળતાં રહીશો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા.વિશેષમાં કાયમ જર્જરિત હાલતમાં રહેતા બસ સ્ટેન્ડ થી તાલુકા પંચાયત સુધી નો માર્ગ વધુ ઉબડખાબડ બન્યો હતો.ગ્રામ્ય વિસ્તારોમાંથી પ્રાપ્ત અહેવાલ મુજબ ત્યાં પણ ગત મંગળવાર થી છૂટી છવાઈ મેઘમહેર જારી રહ્યા ઉપરાંત આજે સરેરાશ 1 થી 1.50 વરસાદ પડ્યો હોવાના વાવડ મળ્યા હતા.

​​​​​​​
​​​​​​​

અન્ય સમાચારો પણ છે...