કાર્યવાહી:ઢોરીમાં યુવકને ફસાવીને 93 હજારની મતા લૂંટ ચલાવનારા 2 શખ્સ ઝડપાયા

ભુજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અજાણી યુવતીએ બોલાવ્યો અને યુવક મળવા ગયો ત્યારે ઘટના બની
  • સ્ત્રીપાત્રની ભૂમિકા અંગે રિમાન્ડમાં હકીકત ખુલશે,આરોપીની GF હોવાની વકી

તાલુકાના ઢોરી ગામે રહેતા યુવકને મળવા માટે બોલાવી રાતના અંધારામાં 70 હજારની ચેઈન અને 23 હજારનો મોબાઈલ ફોન મળી 93 હજારની માલમતા લૂંટી લેવાઇ હતી.જે કેસમાં અઠવાડિયા પછી એલસીબીએ 2 શખ્સોની અટકાયત કરી છે.જોકે સ્ત્રીપાત્રની ભૂમિકા હજી સ્પષ્ટ થઈ નથી.

લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ઢોરીના ચતુર હરીભાઈ ગાગલ અને તેના સાગરીત વિજય વિનોદ રાણા (મૂળ રહે. જોધપુર, રાજસ્થાન. હાલે રહે. નવાગામ, ભચાઉ)ને ઝડપી લીધા છે.બંને આરોપી આ ચેન વાણિયાવાડ બજારમાં વેચવા આવતા હોવાની બાતમીના આધારે ધરપકડ કરવામાં આવી છે.તપાસમાં સામે આવ્યું કે,આરોપીએ યુવતીની મદદથી ગામના મનીષ રૂપાભાઈ ચાડને ફોન પર મેસેજ મોકલી વાતોમાં ભોળવી દવાખાના નજીક ઝાડી-ઝાંખરાવાળી જગ્યામાં બોલાવ્યો હતો આ દરમ્યાન યુવતી તો ન મળી પણ બે જણાએ આવીને ચેન અને મોબાઈલ લૂંટી લીધો હતો.

જેથી માધાપર પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.આ ગુનામાં મુખ્ય આરોપી ચતુર છે અને તે ગામનો છે તેમજ અજાણી યુવતી તેની સ્ત્રીમિત્ર હોવાનું સામે આવ્યું છે.એલસીબી પીઆઇ એસ.એન.ચુડાસમાએ જણાવ્યું કે,આરોપી પાસેથી સોનાની ચેઇન રિકવર કરી માધાપર પોલીસને કબ્જો આપવામાં આવ્યો છે.માધાપર પીઆઇ એ.જી.પરમારથી વાત કરતા તેમણે બંનેને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેમજ સ્ત્રીપાત્રની ભુમિકા વિશે પૂછપરછ કરી ધરપકડ સહિતની કાર્યવાહી કરવામાં આવશે તેવું કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...