દીન દયાળ પોર્ટના વેસ્ટ ગેટ નંબર- 3 પાસે ધોળા દિવસે બાઇક પર આવેલા બે ઇસમોએ છરીની અણીએ યુવાન પાસેથી મોબાઇલ અને રોકડ ઝૂંટવી 37 હજારની લૂંટને અંજામ આપ્યો હોવાની ઘટનામાં ગણતરીના કલાકોમાં કંડલા મરિન પોલીસે બે આરોપીઓને પકડી બાઇક સહિત 57 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પીઆઇ એચ.કે.હુંબલે વિગતો આપતાં જણાવ્યું હતું કે, તુણા રહેતા અને શારદા ગુડ્સ કેરિયર નામની ટ્રાન્સપોર્ટમાં કંડલા ખાતે લોડિંગ માટે આવતી ગાડીઓના ગેટપાસ બનાવી પોર્ટમાં ઇન અને આઉટની કામગીરી કરતા 29 વર્ષીય અલ્તાફ તૈયબ બાપડાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, શુક્રવારે તેઓ તેઓ તેમની કંપનીની કોલસો ભરવા માટે આવતી ગાડીઓના ગેટ પાસ બનાવવાની કામગીરી કરી રહ્યા હતા. દોઢેક વાગ્યે તેમની કંપનીના ટ્રેઇલર ચાલક અર્જુનલાલ પ્રભુલાલ ગુજ્જરનો આઉટપાસ બનાવવા દીન દયાળ પોર્ટના વેસ્ટ ગેટ નંબર-3 પાસે ઉભા હતા.
તે દરમિયાન બે વાગ્યાના અરસામાં બાઇક પર બે ઇસમો આવ્યા હતા અને છરી બતાવી તેમના ખિસ્સામાંથી રૂ.1,000 રોકડા, ટ્રેઇલર ચાલક અર્જુનલાલના ખિસ્સામાંથી રૂ.35,999 ની કિંમતનો મોબાઇલ ફોન મળી કુલ રૂ.36,999 ની લૂંટ કરી ભાગી ગયા હતા. આ ફરિયાદ નોંધાયા બાદ ગણતરીના કલાકોમાં આ લૂંટને અંજામ આપનાર નવા કંડલાના સર્વા ઝૂંપડામાં રહેતા હાજી દાઉદભાઇ સાયચા અને ઇમરાન અલીમામદ પઠાણને પકડી લઇ લૂંટમાં ગયેલો મોબાઇલ, રોકડ તેમજ ઉપયોગમાં લેવાયેલી બાઇક સહિત કુલ રૂ.56,999 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.