ધરપકડ:હનીટ્રેપ કેસના મુખ્ય આરોપી સહિત 2 અમદાવાદથી પકડાયા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક ગુના શોધક શાખાએ જયંતી ઠક્કર અને કુશલ(લાલો)ને અદાણી શાંતિગ્રામથી ઝડપી લીધા

આદિપુરના ફાઈનાન્સરને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા 10 કરોડની કથિત ખંડણી માંગવામાં આવી એ ચકચારી હનીટ્રેપ કેસમાં મુખ્ય સુત્રધાર મનાતા મુખ્ય આરોપી સહિત બે આરોપીઓને અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર આવેલ શાંતીગ્રામ ટાઉનશીપથી એલસીબીએ ઝડપી લેતા ત્રણ જણ પોલીસ સકંજામાં આવી ચૂક્યા છે. પશ્ચિમ કચ્છ એલસીબીએ હનીટ્રેપ કેસમાં ફરાર હિરાણીનગર,નવાવાસ,માધાપર નિવાસી આરોપી જયંતી જેઠાલાલ ઠક્કર અને પ્રમુખસ્વામીનગર, ભુજ નિવાસી કુશલ ઉર્ફે લાલો મુકેશભાઈ ઠક્કરને અમદાવાદ-ગાંધીનગર હાઇવે પર આવેલ શાંતીગ્રામ ટાઉનશીપથી ઝડપી લીધા છે.

મૂળ ડુમરા નિવાસી જયંતિ ઠક્કરે આગોતરા જામીન માટે અરજી કરી હતી.કોર્ટે કેસની ગંભીરતા જોઈ હનીટ્રેપ કેસમાં ફરિયાદી સાથે સીધો સંપર્ક ધરાવતા જયંતી ઠક્કરના આગોતરા જામીન નામંજૂર કર્યા હતા.બહુચર્ચિત હનીટ્રેપ કેસમાં આદિપુરના ફાઈનાન્સર અનંત ઠક્કરે ભુજ બી ડીવીઝન પોલીસ મથકે કુલ આઠ આરોપીઓ સામે નોધાવી હતી. આરોપીઓએ ફરિયાદી પાસે મામલો પતાવવા માટે રૂપિયા 10 કરોડની ખંડણી માંગી હતી.હનીટ્રેપ કેસના મુખ્ય સુત્રધાર ગણાતા જયંતિ ઠક્કર સહીત બે આરોપીઓને એલસીબીએ ઝડપી લેતા બહુચર્ચિત કેસમાં વધુ ખુલાસા બહાર આવી શકે છે.

જયંતી ઠક્કર, ધારાસભ્ય જયંતિ ભાનુશાલી હત્યામાં પણ આરોપી છે. ગુનાહિત ઈતિહાસ પણ ધરાવે છે.જેની વિરુધ્ધ ગાંધીધામ રેલ્વે પોલીસ સ્ટેશન,ભચાઉ પોલીસ સ્ટેશન અને સીઆઇડી ક્રાઈમ બોર્ડર ઝોન ભુજ પોલીસ સ્ટેશન સહિત બી ડીવીઝન પોલીસ મથકે ગુનાઓ નોધાયેલા છે.જયારે અન્ય આરોપી કુશલ ઠક્કર વિરુધ્ધ સિઆઇડી ક્રાઈમ બોર્ડર જોન ભુજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોધાયેલ છે.આ પ્રકરણમાં સૌ પ્રથમ વિનય રેલોન ઉર્ફે લાલો નામના ડેવલોપર્સની પોલીસે દિવાળી પહેલા જ ધરપકડ કરી લીધી છે.

અન્ય સમાચારો પણ છે...