વિધાનસભા ચૂંટણી 2022:માંડવીમાં ડમી સહિત 2, ભુજ, ગાંધીધામ, અંજારમાં 1-1 મળી 5 લોકોની ઉમેદવારી

ભુજ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોથા દિવસે મુરતિયાઓના દર્શન, ફોર્મ ભરવાના થયા શ્રીગણેશ
  • ભુજમાં અપક્ષ, ગાંધીધામમાં કોંગ્રેસ, માંડવીમાં આપના ઉમેદવારોએ ભર્યું ફોર્મ​​​​​​​

વિધાનસભાની સામાન્ય ચૂંટણીને લઇને ફોર્મ ભરવાના ચોથા દિવસે અંતે મુરતિયાના દર્શન થયા હતા અને નામાંકનના શ્રીગણેશ સાથે માંડવીમાં ડમી સહિત 2 તેમજ ભુજ, ગાંધીધામ અને અંજારમાં 1-1 મળી કુલ 5 ઉમેદવારોઅે ફોર્મ ભર્યા હતા.તા.5-11થી ઉમેદવારી ફોર્મ ભરવાની પક્રિયા શરૂ થઇ ગઇ છે પરંતુ રજાના દિવસોને બાદ કરતાં કામના દિવસો દરમ્યાન અેટલે કે, અત્યાર સુધી 3 દિવસ દરમ્યાન જિલ્લાની 6 વિધાનસભા બેઠકો પર અેકપણ ઉમેદવારે ફોર્મ ભર્યું ન હતું.

જો કે, ફોર્મ ભરવાના ચોથા દિવસે 6 પૈકી 4 બેઠકો પર મુરતિયાઅોના દર્શન થયા હતા અને ડમી સહિત 5 ઉમેદવારોઅે નામાંકનપત્રો ભર્યા હતા.વિધાનસભાની 6 બેઠકો પૈકી ભુજ બેઠક માટે અપક્ષ મહિલા ઉમેદવાર દક્ષાબેન હરપાલસિંઘ બારોટે ઉમેદવારી નોંધાવી છે. તો માંડવીમાં અામ અાદમી પાર્ટીના ઉમેદવાર કૈલાશકુમાર કરણીદાન ગઢવીઅે તેમજ ડમી તરીકે વિકાસ ખુશાલદાન ગઢવીઅે ફોર્મ ભર્યું છે. ગાંધીધામ (અનુસૂચિત જાતિ) બેઠક પર કોંગ્રેસ પક્ષમાંથી ભરત વેલજીભાઇ સોલંકીઅે અને અંજારમાં ગુજરાત સર્વ સમાજ પક્ષમાંથી ગની અામદભાઇ કકલે નામાંકનપત્ર ભર્યું છે.

હવે રહ્યા બે દિવસ : રાપર, અબડાસામાં ઉમેદવારો હજુયે સુસ્ત
જિલ્લાની 6 બેઠકો પૈકી અન્ય 4 બેઠકો પર ઉમેદવારી ફોર્મ ભરવાના શ્રીગણેશ થઇ ગયા છે અને હાલે જે બેઠકો પર ફોર્મ ભરાયા છે તે બેઠકો અંગે ભૂતકાળ પર નજર કરીઅે તો ભાજપનું વર્ચસ્વ રહ્યું છે અને બાકી બે બેઠકો જેમાં અબડાસા અને રાપર બેઠક પર કયારેક ભાજપ તો કયારેક કોંગ્રેસ અેમ ઉથલપાથલ થતી રહી છે ત્યારે અબડાસા અને રાપર બેઠક પર હજુ સુધી અેટલે કે, ઉમેદવારીપત્રો ભરવાના ચોથા દિવસે પણ અેકેય ઉમેદવારે ફોર્મ ભર્યું ન હતું. ઉમેદવારી ફોર્મ ભરવા માટે માત્ર 2 દિવસ જ બાકી રહ્યા છે કેમ કે, નામાંકન માટે છેલ્લી તારીખ 14-11 છે, અને શનિ-રવિ રજા હોઇ હવે ઉમેદવારી ફોર્મ ભરવા માટે શુક્રવાર અને સોમવાર અેમ બે જ દિવસ રહ્યા છે.

ગાંધીધામ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે આગેવાનોની ઉપસ્થિતિમાં ફોર્મ રજુ કરી, દાવેદારી નોંધાવી
ગાંધીધામ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવાર ભરતભાઈ સોલંકીએ ગુરુવારે કાર્યકરો અને આગેવાનો સાથે મામલતદાર કચેરીએ પહોંચીને વિધિવત ઉમેદવારી ફોર્મ આપીને દાવેદારી નોંધાવી હતી. આ સમયે તેમની સાથે શૈલેંદ્રસિંહ જાડેજા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેંદ્રસિંહ જાડેજા, તાલુકા પ્રમુખ ગનીભાઈ માંજોઠી, શહેર પ્રમુખ સંજયભાઈ ગાંધી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે કાર્યાલય ઉદઘાટન કરીને ઉમેદવાર સોલંકીએ વિજય માટે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...