નખત્રાણા તાલુકાના મથલ પાસે આવેલો પૂલ જર્જરિત થતાં નવા પૂલના નિર્માણ માટે એક વર્ષ પહેલાં 18 કરોડ મંજૂર કરાયા હતા તેનું કામ હજુ સુધી ચાલુ નથી થયું. નવો પૂલ તો બનતો બનશે પણ જર્જરિત પૂલને તોડાતો ન હોવાથી ખરેખર કામ ક્યારે શરૂ થશે તેવો સવાલ લોકો કરી રહ્યા છે.
પૂલ જોખમી બની જતાં તંત્ર દ્વારા ગત ઓક્ટોબર માસમાં તંત્ર દ્વારા ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ લાદીને જૂના ડેમ માર્ગેથી આવન-જાવન કરવા આદેશ કરાયો હતો. એસટી સહિતના વાહનોને કોટડા જડોદર, કાદિયા, ટોડિયા માર્ગે દોડાવાની વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરાઇ હતી પણ આ રસ્તો સાંકડો હોતાં વાહનો સામસામે આવી જવાની સમસ્યા ઉભી થઇ હતી જેનો હલ લાવવા જર્જરિત પૂલની બાજુમાં લાખોના ખર્ચે ડાયવર્ઝન બનાવાયું.
આ તકે તંત્રને ચોમાસામાં નદીમાં પૂર આવશે ત્યારે માર્ગ બંધ થઇ જશે તેવો વિચાર ન આવ્યો પણ મોડેથી બ્રહ્મ જ્ઞાન લાધું હોય તેમ ગત મે મહિનામાં ડાયવર્ઝન વાળા રોડ પર કામચલાઉ રીતે પાકો પૂલ બનાવ્યો હતો. ગત ચોમાસે આ પૂલ પર નદીના પાણી ફરી વળતાં આગળના ભાગે બેસી ગયો હતો અને વરસાદ બંધ થતાં તેનું મરંમત કામ હાથ ધરાયું હતું. આગામી ચોમાસામાં પણ ફરી આ સમસ્યા સર્જાશે તેવી ભીતિ લોકો વ્યક્ત કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, અબડાસાના ધારાસભ્યે એક વર્ષ પહેલાં નવા પૂલના નિર્માણ માટે 18 કરોડ મંજૂર કરાયા હોવાની વાત કરી હતી.
વર્ષ પૂર્વે સ્ટ્રક્ચરલ ડિઝાઇન બને છે તેમ કહેવાયું હતું
પૂલના નવ નિર્માણ બાબતે ગત વર્ષે છઠ્ઠી એપ્રિલે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર વી. એન. વાઘેલાએ જણાવ્યું હતું કે, સ્ટ્રક્ચરલ ડિઝાઇન અંતિમ તબક્કામાં છે અને આવતા ત્રણ માસમાં કામ શરૂ થઇ જશે. આ વાતને એક વર્ષ જેટલો સમય થવા આવ્યો પણ જર્જરિત પૂલને તોડવાની કામગીરી શરૂ નથી થઇ તેને જોતાં નવો પૂલ બનતાં હજુ કેટલો સમય લાગી જશે તે એક સવાલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.