બેઠક:કચ્છમાં તાલુકા દીઠ 17 કલેકશન સેન્ટર, 12 સારવાર કેન્દ્ર કાર્યરત થશે

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કરૂણા અભિયાનના અમલીકરણ માટે ભુજમાં કલેક્ટરની સમીક્ષા બેઠક
  • 10થી 20 જાન્યુઅારી સુધી પતંગના દોરાથી ઘાયલ પક્ષીઓની સુશ્રૂષા કરાશે

મકરસંક્રાંતિના સપરમાં દિવસોઅે પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઅો મોતને ન ભેટે અને તેમની તાત્કાલિક સારવાર થાય તે માટે કચ્છમાં વહીવટી તંત્ર દ્વારા તા.10થી 20 જાન્યુઅારી સુધી કરૂણા અભિયાન ચલાવાશે અને ઘાયલ પક્ષીઓની સુશ્રૂષા માટે તાલુકા દીઠ 17 કલેકશન સેન્ટર, 12 સારવાર કેન્દ્ર કાર્યરત કરાશે. અા કાર્યમાં 12 સામાજિક સંસ્થાઅો, યુવાનો પણ તંત્રને સહયોગ અાપશે.

મકરસંક્રાતિ નજીક આવી રહી છે ત્યારે અત્યારથી જ આકાશમાં પતંગ ઉડતા નજરે પડી રહ્યા છે. પતંગની દોરીથી ઘાયલ થતાં પક્ષીઓને સમયસર સારવાર મળી રહે અને તેમને બચાવી શકાય તે માટે કચ્છમાં તા.10થી 20 જાન્યુઅારી સુધી કરૂણા અભિયાન ચલાવાશે, જેની સમીક્ષા માટે કલેકટર દિલીપ રાણાઅે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે બેઠક કરી હતી, જેમાં થનારી કામગીરી અને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. જિલ્લામાં ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે દરેક તાલુકા મથકોએ કંટ્રોલ રૂમ શરૂ કરાશે.

કંટ્રોલ રૂમના હેલ્પલાઇન નંબર વિવિધ માધ્યમથી લોકો સુધી પહોંચાડવામાં આવશે. ખાસ કરીને ચાઇનીઝ માંજાનો ઉપયોગ થતો અટકાવવા માટે વન વિભાગ તથા પોલીસ વિભાગ દ્વારા સંયુકત ટીમ બનાવી કોમ્બિંગ કરીને વેપારીઓને સમજ અપાશે તેમજ કાયેદસરની કાર્યવાહી પણ કરાશે.

પશ્ચિમ કચ્છ વન વિભાગના નાયબ વન સંરક્ષક યુવરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, તાલુકા દીઠ 17 ઘાયલ પક્ષી કલેકશન સેન્ટર શરૂ કરાશે. ભુજમાં ચાર સ્થળે કલેકશન સેન્ટર રહેશે, જેમાં રામધુન, પશુ દવાખાનું - મુંદરા રોડ, ઇન્દ્રાબાઇ પાર્કની સામે, પશુ દવાખાનું - છઠ્ઠી બારી પાસે, ભચાઉમાં નોર્મલ રેન્જ, ભચાઉ-ગાંધીધામ હાઇવે, ગાંધીધામમાં ઝંડા ચોક, અંજારમાં બે સેન્ટર રહેશે જેમાં નોર્મલ રેન્જ કચેરી , વિસ્તરણ રેન્જ-સવાસર નાકા પાસે, મુન્દ્રામાં નોર્મલ રેન્જ કચેરી, માંડવીમાં વન ચેતના કેન્દ્ર, અબડાસામાં નોર્મલ રેન્જ નલિયા, નખત્રાણામાં નોર્મલ રેન્જ કચેરી, લખપતમાં નોર્મલ રેન્જ દયાપર, આડેસરમાં નોર્મલ રેન્જ આડેસર, રાપરમાં વિસ્તરણ રેન્જ કચેરી ખાતે ઘાયલ પક્ષીનું કલેકશન કરાશે.

આ વર્ષે ધોરડો-સફેદ રણ ખાતે પણ 1 કલેકશન સેન્ટર શરૂ કરાશે. 12 સારવાર કેન્દ્રોમાં ભુજમાં સુપાશ્વ જૈન સંસ્થા સંચાલિત પશુ દવાખાનું, સરકારી પશુ દવાખાનું ભુજ તેમજ મુન્દ્રા, અંજાર, ગાંધીધામ, નખત્રાણા, લખપત, માંડવી, નલિયા, ભચાઉ, રાપર તથા ભીમાસરના સરકારી પશુ દવાખાનામાં સારવાર અપાશે.

કલેકશન સેન્ટર પર વન વિભાગના સ્ટાફને ફરજ સોંપાશે. ઉપરાંત નાયબ પશુપાલન નિયામક દ્વારા તાલુકા કક્ષાએ કુલ 14 પશુ ચિકિત્સક અધિકારીઓ તથા 12 બિન સરકારી સંસ્થાઓના 215 જેટલા સ્વયંસેવક દ્વારા સેવા અપાશે. અભિયાન અંગે લોકોમાં તથા વિદ્યાર્થીઓમાં જાગૃતતા આવે તે માટે પ્રચાર માટે તંત્ર દ્વારા સાહિત્યનું વિતરણ, જાહેર સ્થળોએ બેનર લગાવવા તથા શાળા કક્ષાએ બાળકોને સમજ અપાશે. રાજયના તમામ પક્ષી સારવાર કેન્દ્રો દર્શાવતા ઓનલાઇન મેપની લીંક સ્વયં સંચાલિત વાઇલ્ડલાઇફ હેલ્પલાઇન નંબર 8320002000માં વોટસએપ મેસેજમાં “કરૂણા” મેસેજથી મળી શકશે.

તાલુકા દીઠ હેલ્પલાઇન નંબર
વન વિભાગ દ્વારા દરેક તાલુકામાં કંટ્રોલ રૂમ ઉભો કરાશે, જેના હેલ્પલાઇન નંબરમાં ભુજ માટે 02832-227657, 02832-230303, 02832-296912, લખપત માટે 02839-233304, માંડવીમાં 02834-223607, અંજારમાં 02836-242489, ગાંધીધામ 9723540325 અને મુન્દ્રા માટે 9898334949 રહેશે.

અન્ય સમાચારો પણ છે...