વર્ષોથી અટકેલા ભુજ-નલિયા બ્રોડગેજ પ્રોજેક્ટમાં વધુઅેક મહત્વપૂર્ણ પ્રગતિ થઇ છે. દેશલપર સુધી માલગાડીની શરૂઅાત બાદ હવે રેલવે દ્વારા દેશલપરથી નલિયા વચ્ચે રેલવે લાઇન પાથરવા સહિતના કામ માટે રૂા. 1.55 અબજના ટેન્ડર બહાર પાડ્યા છે. અેટલે બધુ રાબેતા મુજબ થશે તો બે વર્ષમાં નલિયા સુધી બ્રોડગેજ લાઇન પથરાઇને રેલવે યાતા-યાત શરૂ થઇ શકે તેમ છે.
ભુજ-નલિયા પ્રોજેક્ટ હવે ખૂદ પોતાના અને રક્ષા મંત્રાલયના બજેટથી રેલવે પૂર્ણ કરે અેવી ખૂદ જીઅેમ દ્વારા બોર્ડને ભલામણ કર્યા બાદ અા પ્રોજેક્ટમાં કોઇ પ્રગતિ થવાની શક્યતા હતી. જે સાર્થક થઇ હતી. કેન્દ્રીય બજેટમાં હવે કચ્છના અા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ માટે 4 કરોડ મંજૂર કરાયા હતાં. પરંતુ બજેટમાં રૂપિયા મંજૂર કરાયા બાદ વધારાના રૂપિયા ફાળવાશે તેવી સંભાવના હતી. જે સાર્થક થઇ છે.
ગાંધીધામ સ્થિત ડે.ચીફ અેન્જિનિયર (બાંધકામ) દ્વારા અા પ્રોજેક્ટ માટે ટેન્ડર બહાર પાડવામાં અાવ્યા છે. જેમાં દેશલપરથી નલિયા વચ્ચે નવી લાઇન પાથરવા અને જોઇન્ટ કરવા, હયાત ભુજ -દેશલપર લાઇન વચ્ચે પણ જરૂર જણાય તો કામ અા ટેન્ડર હેઠળ કરવામાં અાવશે. લાઇનની સાથે માર્ગમાં અાવતા પુલ, જરૂરી સાધનો, સ્લેબ સહિતના કામોનો પણ અા ટેન્ડકર હેઠળ સમાવેશ કરવામાં અાવ્યો છે. કુલ રૂા.1,55,06,12,772 ની નિવિદા અાપવામાં અાવી છે. અા કામ 18 મહિનામાં પૂર્ણ કરવાની સમયમર્યાદા રાખવામાં અાવી છે.
2008માં યોજના મંજુર કરાઇ : ખાનગી પાર્ટી શોધવામાં સમય વેડફાયો
વર્ષ 2008માં મંજૂર થયેલો ભુજ-નલિયા બ્રોડગેજ પ્રોજેક્ટ 13 વર્ષ બાદ પણ સરકારી તંત્ર અને સ્થાનિક અને કેન્દ્રીય નેતાગીરીની અનદેખી તથા બેદરકારીના કારણે અધ્ધરતાલ છે. ચોંકાવનારી વાત અે છે કે અગાઉ પણ પીપીપીના નામે અા પ્રોજેક્ટની અમલવારીમાં નિષ્ફળતા સાંપડી હોવા છતાં રેલવે મંત્રાલય અત્યાર સુધી પ્રાઇવેટ કંપનીઅો શોધી રહી હતી! છેલ્લે સમગ્ર કામ જી-રાઇડ(ગુજરાત રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ કોર્પોરેશન)ને સોંપવામાં અાવ્યું હતું. તેને પણ પ્રાઇવેટ કંપની શોધવા કહેવાયું હતું.
જોકે જી-રાઇડને પણ ખાનગી પાર્ટનર ન મળતા હાથ ઉંચા કરી લીધા હતાં. જી-રાઇડે ગત તા. 5/8/2020ના અા પ્રોજેક્ટ અંગે પોતાની અસમર્થતા બતાવી દીધી હતી. તેના પગલે રેલવેને હવે કોઇ ખાનગી પાર્ટનર મળે તેમ નથી. જેના પગલે ખુદ વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજરે રેલવે બોર્ડને પત્ર લખી હવે અા પ્રોજેક્ટ રક્ષામંત્રાલયના ફંડમાંથી રેલવે ખૂદ અમલાવરી કરે તેવી ભલામણ કરી હતી. જેના પગલે કેન્દ્રીય બજેટમાં ભુજ-નલિયા-વાયોર માટે બજેટ ફાળવાશે તેવી અાશા હતી. ત્યારબાદ વર્ષો બાદ ભુજ-નલિયા બ્રોડગેજના કામ માટે રૂા. 4 કરોડ મંજૂર કરવામાં અાવ્યા હતા.
કુલ 321 કરોડની યોજનામાં અત્યાર સુધી 70 કરોડથી વધારે નાણા ખર્ચાઇ ગયા
અા પ્રોજેક્ટ 2008માં મંજૂર થયો હતો. જે હજુ સુધી પૂર્ણ થયો નથી. રૂા. 321 કરોડના પ્રોજેક્ટ સામે અત્યાર સુધી 70 કરોડથી વધારે નાણા ખર્ચાઇ ગયા છે. છેલ્લા કેટલાક વર્ષોથી તો રેલવે દ્વારા ખાનગી પાર્ટીની લાલચમાં કોઇ બજેટ ફાળવાતુ ન હતું. તેવામાં રેલવેને મોડે મોડે પોતાની ભુલ સમજાઇ છે. અનેક હવે પોતાના ખર્ચે અા પ્રોજેક્ટ શરૂ કરતી હોય તેમ વર્ષો બાદ બજેટ મંજૂર કરવામાં અાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.