પાટણના મુજપુર ખાતે મેડીકલ ઓફિસર અને શંખેશ્વર ઇન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસર સાથે દીકરીને ભાવનગર મેડીકલ કોલેજમાં એડમિશન આપવાનું કહી ઓરીસ્સાના ચીટરે રૂપિયા 15 લાખની ઠગાઈ કરતા સાયબર પોલીસ સ્ટેશન બોર્ડર રેન્જ ભુજ ખાતે ફરિયાદ નોધાઇ છે.
પ્રાપ્ત વિગતો મુજબ પાટણ રોયલ પેલેસ સોસાયટીમાં રહેતા અને મુજપુર ખાતે મેડીકલ ઓફિસર અને શંખેશ્વર ઇન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવતા પ્રદીપભાઈ બેચરભાઈ પરમારે ઓરીસ્સાના રાયગઢના આરોપી સંતોષકુમાર હરીચંદ્ર પાનીગ્રહી અને પ્રીયાન્સી નામની મહિલા વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ નોધાવી છે. આરોપીઓએ ફરિયાદીને મેસેજ કરી એમ.બી.બી.એસમાં એડમીશન માટે જણાવ્યું હતું. ફરિયાદીની દીકરી કુલસુમને ભાવનગર મેડીકલ કોલેજમાં એડમિશન અપાવવા માટે આરોપીઓએ વિશ્વાસમાં લીધા હતા.
ફરિયાદીને કોરોના વોરિયર સર્ટીફીકેટ પર માત્ર 15 લાખમાં સરકારી ક્વોટામાં એડમીશન મળી જાશે તેવું કહ્યું હતું. ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ મંગાવી અલગઅલગ બહાને કુલ રૂ.15 લાખ બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા.ત્યારબાદ આરોપીઓના ફોન બંધ આવ્યા હતા અને ત્યારબાદ એમસીસીનું રીઝલ્ટ આવતા ફરિયાદીની દીકરીનું નામ તેમાં ન હોતા પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું જાણવા મળ્યું હતું.બનાવને પગલે સાયબર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.