છેતરપીંડી:મુંબઈમાં કચ્છી હમવતનીઓના 14 કરોડ ઓળવી જનારો ચીટર પકડાયો, ગોરેગાંવમાંથી મૂળ મુન્દ્રાના બગડાના દીપેનને ઝડપી લેવાયો

ભુજ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

મુંબઈમાં જેમ હું કરોડપતિ થયો છું, ઠીક એવીજ રીતે જો તમને પણ કરોડપતિ થવુ હોય તો મારી બન્ને કંપનીઓમાં બહુમોટા પાયે રોકાણ કરો અને નફો મેળવો એવા આશ્વાસનો આપી કચ્છી જૈન સમાજના ધાર્મિક કાર્યક્રમમાં ઉપદેશો આપનારા દીપેન ધનસુખલાલ ચંદુઆએ કચ્છી જૈન સમાજના અનેક રોકાણકારોની સાથે 14 કરોડથી વધુ રકમની છેતરપીંડી કરી હતી .

છેલ્લા 2 વર્ષથી મુંબઈની ક્રાઈમ બ્રાંચ સાથે સંતાકુકડી રમનાર મૂળ મુન્દ્રા તાલુકાના બગડાના વતની એવા દિપેનની મુંબઈની ક્રાઈમ બ્રાંચે બુધવારના ગોરેગાવથી ધરપકડ કરી હોવાનું કચ્છ લડાયક મંચના પ્રમુખ રમેશભાઈ જોશીએ જણાવ્યું છે. મુંબઈમાં રહેતા અને કચ્છી જૈન સમાજ પર પોતે ધાર્મિક હોવાનો પ્રભાવ નાખીને ધાર્મિક કાર્યક્રમોમાં વ્યાખ્યાનો આપી કચ્છી જૈન સમાજનો વિશ્વાસ સંપાદિત કરીને મૂળ મુન્દ્રા તાલુકાના વતની એવા દીપેન ચંદુઆએ પોતાની કંપનીઓમાં રોકાણ કરવા માટે અનેક કચ્છીઓને લાલચ આપીને પોતાની માયાજાળમાં ફસાવ્યા હતા.

મુન્દ્રા તાલુકાના હેમલ મનસુખલાલ શાહ અને નાણા દલાલ ચેતન વિસરિયા મારફતે કચ્છી જૈન સમાજના સેંકડો રોકાણકારોએ દીપેન ચંદુઆની કંપનીમાં 14 કરોડથી વધુ રકમનું રોકાણ વર્ષ 2017 થી કર્યું હતું અને રોકાણકારોને 2019માં નફા સહિતની રકમ પરત આપવામાં આવશે તેવું જણાવ્યું હતું.પરંતુ આરોપી દીપેન રોકાણકારોને રૂપિયા આપવાના બદલે તેઓના નાણા લઈને મુંબઈથી ફરાર થઈ ગયો હતો.

જેથી રોકાણકારો વતી કચ્છ લડાયક મંચ દ્વારા મુંબઈની આર્થિક ગુના નિવારણ શાખાના જોઈન્ટ પોલીસ કમિશનર સમક્ષ 3 એપ્રિલ 2019 ના આધાર પુરાવા સાથે ફરિયાદ અપાઈ હતી.જે સાચી હોવાનું સામે આવતા વર્ષ 2021માં તેની સામે ફરિયાદ થઈ હતી દરમ્યાન ધરપકડથી બચવા તેણે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી.પરંતુ કોર્ટે 28 જુલાઈ 2022ના તેની આગોતરા અરજી નામંજૂર કરી હતી.

દરમ્યાન કચ્છી ચિટરની ધરપકડ કરવાની માંગ મંચના સ્થાપક પ્રમુખ રમેશભાઈ જોશી, પ્રમુખ, આર.કે. ભાનુશાલી, ખજાનચી ઉમરશીભાઈ દામા અને હેમરાજભાઈએ મુંબઈના આર્થિક ગુના નિવારણ શાખાના પોલિસ સહ આયુકત પ્રવિણ પડવળ અને ડેપ્યુટી પોલિસ કમિશ્નર પ્રવિણ જાધવ પાસે કરી હતી.જેથી ક્રાઈમ બ્રાંચના પોલિસ ઇન્સ્પેકટર કિરણ પવારની ટીમે દિપેનની ગોરેગાવમાથી ધરપકડ કરીને તેને જેલમાં ધકેલી દીધો છે,જેથી કચ્છી જૈન સમાજના રોકાણકારોએ રાહતનો શ્વાસ લીધો છે.

અન્ય સમાચારો પણ છે...