2001 માં ધરતીકંપ આવ્યો તેમાં સૌથી વધુ જાનહાની અને મિલકત ધરાશાયી થયા હોય તો તે ભુજમાં. જે તે સમયે ગુજરાત સરકારે શહેરને ફરીથી બેઠું કરવા માટે વિવિધ પેકેજ જાહેર કર્યા અને ભાડા કચેરી શરૂ કરી જે જમીનને લગતા તમામ પ્રશ્નો ઉકેલે. ભુજમાં અંદાજે 200 થી વધુ એપાર્ટમેન્ટ હતા જે ગ્રાઉન્ડ+3 થી કરીને 8 માળ સુધીના હતા. તેમાંથી 100 જેટલા એપાર્ટમેન્ટ યા તો ધરાશાયી થયા અથવા તો G-5 કેટેગરીમાં આવતા તોડી પાડવામાં આવ્યા. આ બધા એપાર્ટમેન્ટમાં કુલ 1300 જેટલા ફ્લેટ હોવાનો અંદાજ આંકવામાં આવે છે.
નાયબ કલેકટર-ભૂકંપ, ભાડા અને સુધરાઈ ત્રણેય જગ્યાએથી કોઈપણ સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ નથી. તે ફ્લેટના માલિકને 100 ચોરસ મીટર જમીન અને તેના પર બાંધકામ માટે 1.5 લાખ આર્થિક સહાય આપવામાં આવી એટલે આજે કોઈપણ ભૂકંપ પીડિત ઘર વગરનું નથી, પરંતુ તેના ફ્લેટના હક્કો આબાધિત છે કે નથી તે હજી સુધી સ્પષ્ટ નથી.
nગુજરાત રાજ્ય સરકાર દ્વારા તેમજ ભાડાએ ફ્લેટના કે તે એપાર્ટમેન્ટની જમીન માલિકી બાબતે કોઈ સ્પષ્ટીકરણ કર્યું નથી જો તે બાબતે સ્પષ્ટતા કરવામાં આવે તો હજારો મીટર જમીન ત્રિશંકુ જેવી સ્થિતિમાંથી મુક્ત થાય.
આવા ખુલ્લા પ્લોટ પર મંજૂરી આપી શકાય કે નહિ તે અસ્પષ્ટ
ભુજમાં જો સો એપાર્ટમેન્ટ પણ ધરતીકંપમાં ધ્વસ્ત થયા હોય અથવા તો G-5 માં આવતા તોડી પાડવામાં આવ્યા હોય તો ઘણી મોટી જગ્યા ખુલ્લી થઈ છે. અલબત્ત દુકાનો બનતા બાકીની જે જમીન ખુલ્લી છે તેની માલિકી બાબતે હજી પણ સ્પષ્ટતા નથી થઈ.
આ જમીન જે તે બિલ્ડર કે જેણે એપાર્ટમેન્ટ બનાવ્યુ હોય તેની, ફ્લેટ ધારકોની કે સરકારી પ્લોટ અને આર્થિક સહાય મળી જતા તેમનો માલિકી હક્ક જવાથી સરકારની તે હજી સુધી નક્કી થયું નથી. સમાધાનકારી વલણ અપનાવવામાં આવે તો બે દાયકાથી ખુલ્લી પડેલી જમીનનો નિકાલ આવી શકે.
દુકાન માલિકો માટે જમીનના કોઈ પેકેજ જાહેર ન થયા
ધરતીકંપ બાદ સરકાર દ્વારા ઘર બનાવવા માટે સો ચોરસ મીટરનો પ્લોટ અને આર્થિક સહાય જાહેર થઈ, પરંતુ જે દુકાન માલિકોની દુકાનો જમીન દોસ્ત થઈ ગઈ તેમના માટે જમીન આપવાની કોઈ જ પ્રાધાન્ય આપવામાં ન આવ્યું.
તે જ કારણથી એપાર્ટમેન્ટની બધી દુકાનો તે જ જગ્યાએ ઊભી થઈ ગઈ. સરકારે તે વખતે વેપાર ધંધા માટે 60:40 ની સ્કીમ દ્વારા આર્થિક પેકેજ જાહેર કર્યું પરંતુ દુકાન બનાવવા જમીન ન ફાળવી. અલબત્ત ત્રણેય રિલોકેશન સાઈટ પર ભાડાએ બનાવેલા કોમ્પ્લેક્સમાં ધરતીકંપના લાભાર્થીને પ્રાથમિકતા આપવી તેવું જાહેર કરવામાં આવ્યું હતું.
એપાર્ટમેન્ટની ખુલ્લી જગ્યા પર 80% દુકાનો થઈ ગઈ
ભુજમાં અનેક એવા રોડટચ એપાર્ટમેન્ટ હતા કે, જેનો ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાન અથવા તો ઓફિસ બનાવવામાં આવી હતી. ધરતીકંપમાં ધ્વસ્ત થયેલી બિલ્ડીંગોમાં ફ્લેટ તો ન બની શકે પણ 80% થી વધુ જગ્યાએ દુકાનો ફરીથી શરૂ થઈ ગઈ. પ્લોટની માલિકી સંયુક્ત હોવા છતાં જમીન પરનો જે તે વખતે કબજો હોવાથી તેઓ દુકાન ટેમ્પરરી શેડ સ્વરૂપે પણ શરૂ કરી શક્યા. જે જો કે, આજે પણ કાયદેસર છે કે નહીં તે પ્રશ્ન છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.