ચૂંટણી:દિવ્યાંગ અને 80 વર્ષથી ઉપરના વૃદ્ધ 1260 મતદારો કરશે ઘરબેઠા મતદાન

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 22થી 26 નવેમ્બર સુધીમાં બેલેટ પેપરથી મતદાનની કામગીરી આટોપાશે

કચ્છમાં 47,023 દિવ્યાંગ અને 80 વર્ષથી વધુ ઉંમરવાળા મતદારો છે, જેમાંથી જે મતદારો મતદાન મથક સુધી ન પહોંચી શકે તેવા 1260 મતદારો ઘરબેઠા બેલેટ પેપરથી મતદાન કરશે અને અા કામગીરી 22થી 26 નવેમ્બર દરમ્યાન અાટોપી લેવામાં અાવશે.વિધાનસભાની સામાન્ય ચૂંટણીને લઇને કચ્છની 6 બેઠકો પર મતદાન થવાનું છે, જેને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જિલ્લાના 47,023 દિવ્યાંગ અને 80 વર્ષથી વધુ ઉંમરના મતદારોમાંથી 1260 લોકો ઘરબેઠા મતદાન કરશે.

મતદાન મથકે મત અાપવા માટે ન જઇ શકે તેવા મતદારોઅે અગાઉથી જ નિયત કરાયેલા સમય દરમ્યાન અરજી કરવાની હતી, જે પ્રક્રિયા સંપન્ન થઇ ગઇ છે. કચ્છમાં 13,730 દિવ્યાંગ અને 80 વર્ષથી ઉપરના 33,293 મતદારો નોંધાયેલા છે, જેમાંથી 1260 દિવ્યાંગ અને 80 વર્ષથી વધુ વયના ઉમેદવારો ઘરબેઠા બેલેટ પેપરથી મતદાન કરશે.

ઘરબેઠા મતદાન કરનારા દિવ્યાંગ અને 80 વર્ષથી વધુ વયના મતદારોમાં સાૈથી વધુ અબડાસા મત વિસ્તારમાં 543 તેમજ માંડવીમાં 218, ભુજ 199, રાપર 133, અંજારમાં 87 અને ગાંધીધામ મત ક્ષેત્રમાં 80 મતદારો છે. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી બી.કે. પટેલે જણાવ્યું હતું કે, ઘરબેઠા બેલેટ પેપરથી મતદાન માટે વિધાનસભાવાર અલગ-અલગ તારીખ નક્કી કરાઇ છે અને અા કામગીરી તા.22થી 26 નવેમ્બર સુધીમાં અાટોપી લેવામાં અાવશે.

વિધાનસભાની ચૂંટણીમાં સાૈપ્રથમ વખત બ્રેઇલ લીપીમાં અપાશે મતદાર સ્લીપ
2019ની લોકસભાની ચૂંટણી વખતે કચ્છમાં સાૈપ્રથમ વખત બ્રેઇલ લીપીમાં તૈયાર કરાયેલી મતદાર સ્લીપ પ્રજ્ઞાચક્ષુ મતદારોને અપાઇ હતી અને હવે વિધાનસભાની ચૂંટણીમાં પણ સાૈપ્રથમ વખત અા મતદાર સ્લીપ સંબંધિત પ્રજ્ઞાચક્ષુ મતદારોને અપાશે. પ્રજ્ઞાચક્ષુ મતદારો પણ વાંચી શકે અને મતદાન મથક વગેરેની માહિતી મેળવી શકે તે માટે માધાપર નજીક અાવેલી નવચેતન અંધજન મંડળ સંસ્થા દ્વારા બ્રેઇલ લીપીમાં મતદાર સ્લીપ તૈયાર કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...