છેતરપિંડી:પદ્ધર સબ સ્ટેશનમાંથી 12.56 લાખના એલ્યુમિનીયમ વાયરો ઉપાડી જવાયા

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મમુઆરા સબસ્ટેશનની લાઈન માટે અપાયા હતા વાયર
  • કંપનીના માલિકના નામે ખોટો ફોન કરાવી ઠગબાજો વાયરના ડ્રમ ક્રેનથી ટ્રકમાં ભરી ગયા

તાલુકાના પધ્ધર 66 કેવી સબ સ્ટેશનમાં રહેલા 7 ટન એલ્યુમિનિયમ વાયર અજાણ્યા ઈસમો ખોટો ફોન કરાવીને ટ્રકમાં ભરીને રવાના થઈ જતા પધ્ધર પોલીસમાં ઠગાઈની કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગોંડલના ગીરવાનસિંહ મયુરસિંહ ગોહિલે પદ્ધર પોલીસમાં જણાવ્યું કે,તેઓ જેસંગ ગગજી મકવાણા પાવરકોન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે અને કંપનીના માલીક વિજયસિંહ જેસંગ મકવાણા છે.

તેઓની કંપનીને ગેટકો કચ્છ તરફથી મમુઆરા,હાજીપીર,બાયઠ વિજ સબ સ્ટેશનમાં 66 કેવી વિજલાઈન નાખવાનું કામ મળ્યું છે. જે માટેની સામગ્રી ગેટકો દ્વારા અપાય છે. કંપની દ્વારા ફિટિંગની કામગીરી કરવામાં આવે છે.જે અન્વયે મમુઆરા 66 કેવી વીજ સબ સ્ટેશનની વીજ લાઈન નાખવા માટે અંજાર ગેટકો તરફથી 10 કિમિ વિજલાઈનના નવા એલ્યુમિનિયમ વાયરો 10 ટન માલ,કુલ 5 ડ્રમ મમુઆરા વીજ સબ સ્ટેશન ખાતે ચાર્જ કરવા માટે 18 ફેબ્રુઆરીના અપાયા હતા.

જે માલ પદ્ધર 66 કેવી વિજ સબસ્ટેશનમાં રાખવામાં આવ્યો હતો. દરમ્યાન ફરિયાદી ગોંડલ હતા ત્યારે 30 એપ્રિલના એક ટ્રક, લાલ કલરની ફોર વહીલર કાર અને હાઇડ્રા ક્રેઇન લઈને અજાણ્યા ઈસમો આવ્યા હતા અને કંપનીના હેલ્પર સાહિલભાઈ આયરને કહ્યું કે,અમો જે.જી.પાવરક્રોન કંપનીમાંથી આવ્યા છીએ અને આ ડ્રમનો માલ ભરવાનો છે જેથી સાહિલે વાત કરાવવાનું કહેતા આરોપીઓએ કંપનીના માલીક તરીકે પોતાની ઓળખ આપનાર વિજયસિંહ સાથે વાત કરાવી હતી અને તેઓએ કહ્યું કે, આ માણસોને માલ ભરવા દયો.

જેથી તેઓ સામાન ટ્રકમાં ભરી ચાલી ગયા હતા દરમ્યાન ફરિયાદીએ પદ્ધર સબ સ્ટેશનમાં રહેલો સામાન હેમખેમ છે કે કેમ ? તે ચકાસવા કોલ કરતા આ વાત ધ્યાને આવી અને માલિક વિજયસિંહથી વાત કરતા તેમણે આવો કોઈ ફોન ન કર્યાનું જણાઈ આવતા કોઈ ઠગબાજ ઈસમો દ્વારા ખોટો ફોન કરીને પદ્ધર સબ સ્ટેશનમાં રહેલા એલ્યુમિનિયમ વાયર 7 ટન, કિંમત રૂ.1.80 લાખ મળી કુલ રૂ.12.56 લાખની છેતરપિંડી કરી ગયા હોવાનું જણાઈ આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...