ખનન પ્રવૃતિનો પર્દાફાશ:ભાડરામાં ગેરકાયદે ખનન કરીને 12.52 લાખના બોક્સાઇટની ચોરી

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભુજમાં મળેલી ટ્રકની તપાસમાં ખનન પ્રવૃતિનો પર્દાફાશ
  • ગાંધીનગરથી ખનીજનો રિપોર્ટ આવ્યા બાદ ફરિયાદ

ગત મહિને એલસીબીએ ભુજના જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાસે કાર્યવાહી કરીને ખનીજ ભરેલું ટ્રક ઝડપી પાડ્યું હતું.જે કેસમાં ખાણ ખનીજ વિભાગે ચાલકને સાથે રાખીને માલ ક્યાંથી ભરવામાં આવ્યો તે સહિતના મુદ્દે તપાસ કરતા ભાડરા ગામની સીમમાંથી બોક્સાઇટ ખનીજની ચોરી થઈ હોવાનું ફલિત થતા આરોપીઓ સામે દયાપર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ખનીજતંત્રની ધાક બેસાડતી કાર્યવાહીથી ખનીજચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ભૂસ્તરશાસ્ત્રીની કચેરી ભુજ ખાતે માઈન્સ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા શંકરભાઈ હીરાભાઈ માતાએ દયાપર પોલીસમાં જણાવ્યું કે, ગત તારીખ 20 જૂનના એલસીબી દ્વારા ભુજ-માધાપર બાયપાસ રોડ પર વાલ્મિકીનગર લોટસ કોલોની પાસેથી ટ્રક નંબર જીજે 36 ટી 5477માં ગેરકાયદે રીતે ખનીજ ભરેલું હોઈ ઝડપી પડાયું હતું.

ચાલક પાસે કોઈ આધાર પુરાવા કે રોયલ્ટી પાસ ના મળી આવતા બી ડિવિઝન પોલીસમાં જાણવાજોગ દાખલ કરીને આ ખનીજ કઈ જગ્યાએથી ભરવામાં આવ્યું છે તે બાબતે ચાલક મેરામણ કરમુરની પૂછપરછ કરવામાં આવતા તેણે ભાવીકભાઇના કહેવાથી લખપત તાલુકાના ભાડરા ગામની સીમમાંથી જેસીબીની મદદથી જામનગરના રામભાઈ આહીરના માલિકીના વાહનમાં આ ખનીજ ભરવામાં આવ્યું હોવાનું કહ્યું હતું.

જેથી કચેરીના સર્વેયર દ્વારા ચાલકને સાથે રાખીને તપાસ કરવામાં આવતા તપાસ અહીં ખાડો મળી આવ્યો હતો.જેથી ખનીજના સેમ્પલો એનાલીસીસ કરવા માટે ગાંધીનગર ખાતેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.રિપોર્ટમાં સામે આવ્યું કે આ ખનીજ બોક્સાઈટ છે જેથી માપણી સીટના આધારે નાના ભાડરા ગામના સર્વે નંબર 105 પૈકીની જમીનમાં 934.775 મેટ્રિક ટન બોક્સાઇટ ખનીજનું ગેરકાયદે રીતે ખોદકામ કરવામાં આવ્યું હોવાનું જણાઇ આવ્યું હતું.

ટ્રકમાં 42.080 મેટ્રિક ટન બોક્સાઇટ મળી આવ્યો હતો.જેથી ખનિજની કિંમત અને પર્યાવરણ નુકશાની વળતર અને દંડ મળી રૂ.12.52 લાખની ખનીજચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ દયાપર પોલીસમાં દાખલ કરવામાં આવી છે. આરોપીઓમાં ભાવિકભાઈ તેમજ ટ્રકના માલિક જામનગરના રામભાઈ આહીર અને ડ્રાઇવર પોરબંદર રાણાવાવના મેરામણ રામદેવ કરમુર સામે ગુનો દાખલ કરાયો છે.

કેસની તપાસ પીએસઆઈ મહાવીરસિંહ જાડેજા સંભાળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે,ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજચોરી અને તેના ગેરકાયદે વહન પર ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવી રહી હોવાથી ખનીજચોરોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...