ભુજ નગરપાલિકાઅાજે શનિવારે સામાન્ય સભાનું અાયોજન કરાયું છે, જેમાં હિસાબી વર્ષ 2023/24નું 1 અબજ 46 કરોડ 25 લાખ 29 હજાર 53 રૂપિયાનું બજેટ રજુ કરવામાં અાવશે. અંદાજપત્રમાં 1 અબજ 15 કરોડ 63 લાખ 35 હજાર કુલ ખર્ચ બતાવાયો છે અને 30 કરોડ 61 લાખ 94 હજાર 53 રૂપિયા પુરાંત બતાવાઈ છે. જોકે, વિપક્ષે બજેટની ચર્ચામાં વાંધા વચકા કાઢવા માટે હિસાબો ફંફોસવાનું શરૂ કરી દીધું છે.
બજેટ પહેલા 2022ના વર્ષના અોકટોબર અને ડિસેમ્બર માસના ત્રિમાસિક હિસાબો ઉપરાંત ગત વર્ષનું રિવાઈઝડ બજેટ પણ મૂકવામાં અાવશે, જેમાં 1 અબજ 6 કરોડ 78 લાખ 99 હજાર 976 રૂપિયાના અંદાજપત્રમાં 2023ની 31મી માર્ચે 29 કરોડ 64 લાખ 3 હજાર 653 રૂપિયા બંધ સિલક બતાવાઈ છે. જેને અા વખતે 2023/24ના બજેટમાં ઉઘડતી સિલક બતાવવાની તકેદારી રખાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દિવ્ય ભાસ્કરે બજેટમાં અે વિસંગતતા મુદ્દે ટિકા ટિપ્પણીઅો કરી હતી. જે બાદ ધ્યાન રખાયું છે. પરંતુ, સવાલ અે છે કે, સ્થાનિક ભંડોળ હિસાબની કચેરીમાં અે મુદ્દે ક્વેરીઅો કેમ નીકળતી નહીં હોય. ખાટલે મોટી ખોટ તો અે છે કે, વિપક્ષ દ્વારા પૂરતો અભ્યાસ કરવામાં જ નથી અાવતો. જોકે, અા વખતે વિપક્ષીનેતા કાસમ સમા સહિતનાઅે અભ્યાસ બાદ ભૂલો કાઢવા વ્યાયામ અાદર્યો છે. પરંતુ, કેટલા સફળ થાય છે અે જોવાનું રહ્યું.
નોંધનીય છે કે, નગરપાલિકા દ્વારા શહેર સુખાકારીના વિવિધ કામો કરવામાં આવતા હોય છે જે માટે બજેટ ફાળવણી પણ કરાય છે. આગામી ચોમાસામાં પાણી નિકાલ થતા રસ્તા અને ગટર સુધારણાના કામો વ્યવસ્થિત થાય તે પણ જરૂરિયાત રહેશે.
કટ, કોપી, પેસ્ટની ભૂલો યથાવત
અેપ્રિલ 2023થી માર્ચ 2024ના બજેટમાં ઉઘડતી સિલક કે અોપનિંગ બેલેન્સ બતાવવાને બદલે 2023ની 1લી અેપ્રિલની અંદાજિત પુરાંત બતાવી દેવાઈ છે. અેટલે કે ગત રિવાઈઝડ બજેટની બંધ સિલકની કટ, કોપી, પેસ્ટની ભૂલો યથાવત રખાઈ છે. જોકે, દિવ્ય ભાસ્કરની અા ટિકા ટિપ્પણીઅો બાદ બજેટ વાંચન બૂકમાં સુધારો કરી લેવાય તો નવાઈ નહીં.
સેવા ચાર્જ અને મિલકત વેરાની અાવક 25.04 કરોડ!
ભુજ નગરપાલિકા દ્વારા પાણી, ગટર, સફાઈ, દિવાબત્તી સેવા ચાર્જ ઉપરાંત મિલકત વેરો, દુકાનભાડું, વ્યવસાય વેરો, લગ્ન નોંધણી ચાર્જ સહિતની કુલ 25 કરોડ 4 લાખ 60 હજાર રૂપિયા અાવક બતાવાઈ છે. જોકે, અા વખતે લક્ષ્યાંક માત્ર 20 કરોડ રૂપિયા રખાયો છે અને દર વર્ષ માંડ દસેક કરોડ રૂપિયા સુધી વસુલાત થતી હોય છે. વધુ વસુલાત આવે એ માટે અભિયાન ચલાવાતું હોય છે.
જેમાં કેટલાક અંગે સફળતા મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.