લોક અદાલત યોજાઇ:રાષ્ટ્રીય લોક અદાલતમાં કચ્છના તમામ 10 તાલુકામાં 11,093 કેસોનો નિકાલ થયો

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમાધાન લાયક 854, સ્પે. મેજિ. સીટિંગના 1383 તેમજ પ્રી-લીટીગેશનના 8856 કેસોનો ઉકેલ

કચ્છ જિલ્લાના 10 તાલુકાની કોર્ટોમાં શનિવારે લોક અદાલત યોજાઇ હતી. જેમાં સમાધાન કરી શકાય તેવા ફોજદારી કેસો, નજીવા ગુનાના કેસો, દીવાની દાવાઓ જેવા કે લેણી રકમના દાવા, દરખાસ્તો, સમાધાનની શક્યતા જણાઈ આવે તેવા બીજા દવાઓ, લગ્ન વિષયક તકરારના કેસો, મોટર અકસ્માત વળતરની અરજીઓ અને લોક અદાલતમાં મૂકી શકાય તેવા કેસો શોધી તેની પ્રક્રિયા અગાઉથી હાથ ધરવામાં આવી હતી.

ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના મુખ્ય સંરક્ષક જસ્ટિસ અરવિંદ કુમાર તથા ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના કારોબારી અધ્યક્ષ સોનિયા ગોકાણીના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ભુજ દ્વારા રાષ્ટ્રીય લોક અદાલત યોજવામાં આવી હતી.

સમાધાન દ્વારા અથવા તો ન્યૂનતમ પેનલ્ટી વસૂલી અને જે કેસનો નિકાલ થઈ શકે તેવા વિવિધ ક્ષેત્રના કેસોનો નિકાલ કરવા માટે જિલ્લાની તમામ અદાલતના ન્યાયાધીશ, તમામ તાલુકા બાર એસોસિએશનના હોદ્દેદારો, સભ્યો, પેનલ એડવોકેટ, જિલ્લા સરકારી વકીલ, મદદની સરકારી વકીલ, અદાલતના તમામ કર્મચારીઓ, વીજકંપની, બેંકના અધિકારીઓ, ઇન્સ્યોરન્સ કંપનીના અધિકારીઓ, પૂર્વ અને પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક તેમજ સંલગ્ન કર્મચારીઓના સહકારથી સમગ્ર જિલ્લાના કુલ 11,093 કેસોનો આ રાષ્ટ્રીય લોક અદાલતમાં નિકાલ કરવામાં આવ્યો છે. મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, કચ્છ-ભુજના અધ્યક્ષ એચ.એસ.મૂલીયાની રાહબરી હેઠળ જિલ્લાના મુખ્ય મથક ભુજ, ફેમિલી કોર્ટ, લેબર કોર્ટ તેમજ 10 તાલુકાઓની તમામ અદાલતમાં સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...