ભુજ નગરપાલિકાઅે ટેન્કર મારફતે મફત પાણી વિતરણ બંધ કર્યા બાદ અાવકમાં 11 ગણો ધરખમ વધારો થઈ ગયો છે. માર્ચ માસમાં 25 હજાર 900 રૂપિયા અાવક હતી. જે અેપ્રિલમાં વધીને 2 લાખ 92 હજાર 640 ઉપર પહોંચી ગઈ છે. જોકે, પ્રત્યેક ટેન્કરે 100 રૂપિયાને બદલે 200 રૂપિયા લેવાનું શરૂ કર્યું છે. અે પણ અેક પરિબળ છે. પરંતુ, ખર્ચમાં પણ ધરખમ ઘટાડો જોવા મળ્યો છે, જેથી શાસક પક્ષે લીધેલો નિર્ણય સરેરાશ પ્રજાહિતમાં ઉચિત સિદ્ધ થયો છે.
ભુજ નગરપાલિકાની વોટર ટેન્કર સપ્લાય બ્રાન્ચ નોંધણી કરાવનારા નાગરિકો પાસેથી માર્ચ મહિના સુધી પ્રત્યેક ટેન્કરે 100 રૂપિયા વસુલતી હતી અને બીજી બાજુ નગરસેવકો મફત ટેન્કર મેળવતા હતા, જેમાં કરુણા અે હતી કે, 100 રૂપિયા ખર્ચનારાને 15 દિવસ સુધી ટેન્કર મારફતે પાણી મળતું ન હતું અને નગરસેવકો મફતમાં વર્ધી નોંધાવ્યા સાથે ટેન્કર લઈ જતા હતા. અેમાંય કેટલાક કટકીખોર કર્મચારીઅો બારોબાર પાણી વેંચી અાવક ખિસ્સામાં પધરાવતા હતા.
જે દરમિયાન અેપ્રિલ માસના પ્રારંભ મફત વોટર ટેન્કર મેળવવા શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે જામેલી હોડ ચરમસીમાઅે પહોંચી ગઈ હતી, જેથી નગરપતિ ઘનશ્યામ અાર. ઠક્કર, ઉપપ્રમુખ રેશ્માબેન ઝવેરી અને કારોબારી ચેરમેન જગત વ્યાસે અન્ય પદાધિકારીઅો અને નગરસેવકોને વિશ્વાસમાં લઈને ટેન્કર મારફતે મફત પાણી વિતરણ સેવા બંધ કરવાનો નિર્ણય લીધો હતો. જેના સારા પરિણામ અેક મહિનામાં જ મળવા લાગ્યા છે.
વોટર ટેન્કર સપ્લાય બ્રાન્ચના હેડ દક્ષેષ ભટ્ટે જણાવ્યું હતું કે, માર્ચ માસમાં વોટર ટેન્કર સપ્લાય બ્રાન્ચને ડિઝલનો ખર્ચ 3 લાખ 37 હજાર 800 રૂપિયા અાવ્યો હતો. જે અેપ્રિલમાં 47 હજાર 800 રૂપિયા ઘટી ગયો અને 2 લાખ 90 હજાર રૂપિયા જ ખર્ચ થયો છે. જ્યારે માર્ચ માસમાં માત્ર 25 હજાર 900 રૂપિયા અાવક થઈ હતી. જે અેપ્રિલ માસમાં 2 લાખ 66 હજાર 740 રૂપિયાના વધારા સાથે 2 લાખ 92 હજાર 640 રૂપિયા થઈ ગઈ છે. અામ, નહીં નફો, નહીં નુકસાનના ધોરણે કામ કરતી વોટર ટેન્કર સપ્લાય બ્રાન્ચને મોટા ખોટા ખર્ચમાંથી બચાવી શકાઈ છે.
ભુજ નગરપાલિકાની વોટર ટેન્કર બ્રાંચના 9 શંકાસ્પદ કર્મચારીઅોને છૂટા કરાયા
બ્રાન્ચ હેડ દક્ષેષ ભટ્ટે સીસી ટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા બાદ નગરપતિ પાસે શંકાસ્પદ કર્મચારીઅોની નામની યાદી રાખી હતી, જેથી નગરપતિઅે સંસ્થાને નુકશાન કરતા કર્મચારીઅોને છૂટા કરવાની છૂટ અાપી હતી. જે બાદ 9 જેટલા શંકાસ્પદ કર્મચારીઅોને છૂટા કરી દેવાય છે. જોકે, કેટલાકને દુખે છે પેટ અને કૂટે છે માથું જેવા તાલ સાથે બ્રાન્ચ હેડ ખટકવા લાગ્યા છે અને અેમની બદલીની માંગણી કરી રહ્યા છે. જોકે, પરિણામ જોઈઅે તો બ્રાન્ચ હેડની કામગીરી નુકસાનીમાંથી બચાવનારી નિવડી છે.
વર્ધી ઘટી છતા અાવક વધી અને ખર્ચ ઘટ્યા
નગરસેવકોની ભલામણથી ટેન્કર મારફતે મફત પાણી વિતરણ થતું ત્યારે દૈનિક 100થી 125 વર્ધી નોંધાતી હતી. જેનો ડિઝલ ખર્ચ 3.37 લાખ રૂપિયા અાવતો હતો અને અાવક માત્ર 25900 રૂપિયા જ થતી હતી. જ્યારે મફત વિતરણ બંધ કર્યા બાદ ખર્ચ ડિઝલનો ખર્ચ ઘટીને 2.90 લાખ થઈ ગયો છે અને અાવક વધીને 2.92 લાખ રૂપિયા થઈ ગઈ છે.
પૈસા ખર્ચીને વર્ધી નોંધાવનારાને 48 કલાકમાં વિતરણ
માર્ચ માસ સુધી પૈસા ખર્ચીને વર્ધી નોંધાવનારાને માંડ 15 દિવસે પાણી મળતું હતું અને નગરસેવકોની ભલામણથી મફતમાં વર્ધી નોંધાવ્યા સાથે પાણી પહોંચી જતું હતું. હવે પૈસા ખર્ચીને વર્ધી નોંધાવનારાને 48 કલાકની અંદર પાણી પહોંચી જાય છે. જે પણ પ્રજાના ફાયદામાં રહ્યું છે.
સપ્તાહમાં અેક દિવસને બદલે દરરોજ નોંધણી
માર્ચ માસ સુધી પૈસા ખર્ચીને વર્ધી નોંધાવનારાને સપ્તાહમાં અેક દિવસ અને તે પણ સવારે 10.30થી બપોરે 2 વાગ્યા સુધી જ વર્ધી નોંધાવવા મળતી હતી. જેને બદલે હવે દરરોજ વર્ધી નોંધવામાં અાવે છે. અામ, સરેરાશ પ્રજાને જ રાહત થઈ છે.
બ્રાન્ચ હેડને પણ ટેન્કર વર્દી નોંધાવવાના પૈસા ખર્ચવા પડે છે
બુધવારે વોટર ટેન્કર સપ્લાય બ્રાન્ચમાં જાત તપાસ કરતા માલૂમ પડ્યું કે, બ્રાન્ચ હેડે પૈસા ખર્ચીને વર્ધી નોંધાવ્યાની રસીદો જોવા મળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.