કચ્છમાં સેવકથી લઇને કલેક્ટર સુધીના અધિકારી, કર્મચારીઅો લોકશાહી મહાપર્વના આયોજનને સફળ બનાવવા માટે ચૂંટણીની કામગીરીમાં જોતરાઇ ગયા છે. ચૂંટણી કામગીરી સુપેરે પાર પાડવા માટે 10,500 કર્મચારીઅોને ફરજના આદેશ આપી દેવાયા છે તો વધારાના 5,500થી વધુ કર્મચારીઅો રિઝર્વ રાખવામાં આવ્યા છે.
10,500 અને િરઝર્વ સહિત કુલ 16 હજારથી વધુ કર્મચારીઅો ચૂંટણી કામગીરી માટે નિયત કરાયા છે. કલેક્ટર દ્વારા જિલ્લામાં 100 ટકા મતદાન થાય તે માટે ચૂંટણીપંચ અને વહીવટી તંત્ર વધી અપીલ કરાઇ છે. મતદારો મત આપ્યા બાદ અને પરિણામો જાહેર થયા બાદ થોડા સમય માટે તે સંબંધે ચર્ચા કરતા હોય છે પરંતુ ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા કર્મચારીઅોની કામગીરી પરિણામ જાહેર થાય ત્યાં સુધી ચાલતી હોય છે.
કલેક્ટર દિલીપકુમાર રાણા, નિવાસી અધિક કલેક્ટર મિતેષ પંડ્યા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી બી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા કક્ષાઅે નાયબ મામલતદારો પી.જી. સોલંકી, પુલીન ટી. ઠાકર, હિતેષ પી. રાજગોર સહિત 7 નાયબ મામલતદાર, 8 કલાર્ક, સિસ્ટમ સુપરવાઇઝર અંકિત ઠક્કર સહિત 15થી વધુ લોકોની ટીમ દ્વારા વિધાનસભાવાર સંબંધિત પ્રાંત અધિકારી અેટલે કે, ચૂંટણી અધિકારીની કચેરી પાસેથી માહિતી એકત્ર કરી રોજેરોજની કામગીરી તે જ દિવસે આટોપવામાં આવી રહી છે. દરરોજ સવારે 9 વાગ્યે કચેરીઅે આવ્યા બાદ જે-દિવસે કામગીરી વધુ હોય છે તે દિવસે રાત્રે 11 વાગ્યા સુધી જાગીને કામગીરી સંપન્ન કરાય છે.
8મી ડિસેમ્બરે ભુજની સરકારી અેન્જિનિયરીંગ કોલેજમાં થશે મત ગણતરી
તા.1-12ના મતદાન પૂર્ણ થયા બાદ મશીનો સંબંધિત રિસિવિંગ સેન્ટરોઅે લઇ જવાશે અને ત્યાંથી રાત્રે ભુજની સરકારી અેન્જિનિયરીંગ કોલેજના સિવિલ અેન્ડ અેપ્લાયડ મિકેનિકલ બિલ્ડિંગ ખાતે લઇ અવાશે અને 24 કલાકે સીસીટીવી કેમેરાથી નિગરાની રાખવામાં આવશે. તા.2-12ના અોબ્ઝર્વરની હાજરીમાં સ્ક્રુટીની કરાશે અને જો કોઇ ઉમેદવારને અમુક બુથ પર નિયત કરતા વધુ મતો મળ્યા હોય તો તે સંબંધેનું સાહિત્ય ચેક કરીને ફરી મતદાનની જરૂર જણાય તો તે દિશામાં કામગીરી કરાશે.
અહીં તા.8-12ના મત ગણતરી થવાની હોઇ તા.2-12 થી મત ગણતરીના દિવસ સુધી અહીં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાશે અને દરરોજ ગેઝેટેડ અધિકારીઅો દ્વારા મશીનોનું ચેકીંગ કરાશે. મત ગણતરીના દિવસે અડધો કલાક પહેલા સ્ટ્રોંગ રૂમ ખુલ્લું મૂકાશે. અહી અંદર, બહાર પોલીસ, સીપીઅેફ, બી.અેસ.અેફ. દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવાશે. અહીં વિધાનસભાવાર અલગ વિભાગો ઉભા કરીને જે-તે વિધાનસભાના કયા ઉમેદવારને કેટલા મતો મળ્યા તેની રજેરજની માહિતી ટીવી મારફતે અપાશે.
બેઠકવાર રિસીવીંગ, ડિસ્પેચીંગ સેન્ટર
અબડાસા મત વિસ્તાર માટે સ્ટેટ રીઝર્વ પોલીસ ફોર્સ, નલિયા-માંડવી નેશનલ હાઇવે પર આવેલા હોથીવાંઢ ખાતે, માંડવીમાં મસ્કા રોડ પર સરકારી વિજ્ઞાન કોલેજ, ભુજમાં અેન્જિનિયરીંગ કોલેજનું ઇલેક્ટ્રોનિક અેન્ડ કોમ્યુનિકેશન બિલ્ડિંગ, અંજારમાં કે.કે.અેમ.અેસ. ગર્લ્સ હાઇસ્કૂલ, ગાંધીધામ બેઠક માટે આદિપુરના મોહનલાલ માનસિંગ વાસવાણી વિદ્યાભવન અને રાપર બેઠક માટે આઇ.ટી.અાઇ. અને સરકારી આર્ટસ અને કોમર્સ કોલેજ, રાપર ખાતે રિસીવીંગ, ડિસ્પેચીંગ સેન્ટર કાર્યરત કરાયા છે.
{ 19 અપક્ષ સહિત 55 ઉમેદવારો આખરી થતાં રાજકોટમાં બેલેટ પેપર છપાવવા ગતિવિધિ
તા.17-11ના ઉમેદવારોએ નામાંકનપત્રો પરત ખેંચી લેતાં 19 અપક્ષ સહિત 55 ઉમેદવારો મેદાનમાં છે. અા સાથે જે-તે બેઠક પર રહેલા આખરી ઉમેદવારો ગુરૂવારે નક્કી થઇ જતાં ચિત્ર સ્પષ્ટ થઇ ગયું અને ગુરૂવારના બપોરના 3 વાગ્યા બાદ સંબંધિત પ્રાંત અધિકારીઅો અેટલે કે,આરઓના માર્ગદર્શન હેઠળ અન્ય અિધકારી, કર્મચારીઓ સંબંધિત બેઠકવાર આખરી થયેલા ઉમેદવારો મુજબ બેલેટ પેપર છપાવવા માટે રાજકોટ પહોંચી ગયા છે.
{ ઇવીઅેમ, વીવીપેટ તૈયાર કરવા વિધાનસભા દીઠ આવશે 2-2 અેન્જિનિયરો
ઉમેદવારો આખરી થયા બાદ માન્ય રાજકીય પક્ષો, ઉમેદવારો, અોબ્ઝર્વરની હાજરીમાં બીજા રેન્ડમાઇઝેશન બાદ ઇવીઅેમ, વીવીપેટ મશીનો તૈયાર કરાતા હોય છે. અા વખતે પણ વિધાનસભાની બેઠક દીઠ બેલ કંપનીના 2-2 અેન્જિનિયરો આવશે. ઇવીઅેમ, વીવીપેટ મશીન તૈયાર કરવાની કામગીરી જે-તે બેઠકમાં નિયત કરાયેલા સ્ટ્રોંગ રૂમ ખાતે જ કરાશે.
{ 30મીઅે સંબંધિત સ્ટ્રોંગ રૂમ ખાતેથી સવારે થશે ઇવીઅેમ, વીવીપેટની ફાળવણી
વર્તમાન સમયે સંબંધિત વિધાનસભા બેઠકના સ્ટ્રોંગરૂમમાં ઇવીઅેમ, વીવીપેટ રાખવામાં આવ્યા છે અને મતદાનના આગલા દિવસે અેટલે કે, તા.30-11ના સવારે પ્રિસાઇડીંગ અોફિસરોને ઇવીઅેમ, વીવીપેટની ફાળવણી કરાશે અને તેઅો તે જ દિવસે સંબંધિત મતદાન મથકોઅે પહોંચી થશે. બીજા દિવસે અેટલે કે, મતદાનના દિવસે સવારે સૌપ્રથમ અેજન્ટોની હાજરીમાં મોકપોલ કરાશે. રીઝર્વ મશીનો ઝોનલને અપાશે, જેઅો કયાંય પણ મશીનોમાં ખોટીપો સર્જાય તો તાત્કાલિક જીપીઅેસ વાહન મારફતે અન્ય મશીનો પૂરા પાડશે.
વેબ કાસ્ટિંગ માટે કલેક્ટર કચેરીઅે ગોઠવાશે 15 ટીવી
સૌપ્રથમ વખત જિલ્લાના 50 ટકા મતદાન મથકોઅે કેમેરા લગાવીને વેબ કાસ્ટિંગ કરાશે. અા કામગીરીના નિરીક્ષણ માટે જિલ્લા કક્ષાઅે કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં કન્ટ્રોલ રૂમ ઉભું કરાશે, જેમાં 15 ટીવી ગોઠવવામાં આવશે. જે ટીવીઅો મારફતે મતદાનની કામગીરી પર બાજ નજર રાખવામાં આવશે અને કયા મતદારે કોને મત આપ્યો છે તે વિગત વેબ કાસ્ટિંગથી લીક ન થાય તેની પણ પૂરતી તકેદારી રાખવામાં આવશે. મતદાનના દિવસે સવારે 5 વાગ્યે નિયત કરાયેલા કર્મચારીઅો કન્ટ્રોલ રૂમમાં આવી જશે.
દર બે કલાકે મળશે મતદાનના આંકડા
નિયત બુથ પરથી ઝોનલ અોફિસરો મતદાનના આંકડા મેળવી તેઅો આર.અો.ને મોકલશે અનેઆર.અો. દ્વારા જિલ્લા કક્ષાઅે વિગત મોકલાવાશે. અા રીતે દર બે કલાકે મતદાન કેટલા ટકા થયું તેની માહિતી અપાશે.
ઉમેદવારોના ખર્ચ પર રખાશે નજર
કલેક્ટર કચેરીમાં મધ્યાહ્ન ભોજન યોજનાના નાયબ કલેક્ટરની કચેરીઅે ઉમેદવારો દ્વારા કરાતા ખર્ચ પર નજર રાખવા માટે 3 નાયબ મામલતદાર અને 3 કલાર્કની ટીમ કાર્યરત કરાઇ છે અને અા ટીમ દ્વારા સંબંધિત ઉમેદવારો પાસેથી આખરી ખર્ચ હિસાબો માંગશે.
વ્યાજબી કારણ રજૂ કરનારા કર્મીને ફરજમાંથી મુક્તિ
ચૂંટણી માટે 10,500 કર્મચારીઓના ફરજના આદેશ કરાયા છે પરંતુ તે પૈકી કોઇ કર્મી વ્યાજબી કારણ રજૂ કરશે તો મુક્તિ અપાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.