વિષમ ચોમાસું:છ પશ્ચિમી તાલુકામાં 103 % જ્યારે પૂર્વના 4 તાલુકામાં માત્ર 25 % વરસાદ !

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઉપરથી ચિત્ર એવું ઉપસે કે અતિવૃષ્ટીની નોબત છે પણ પૂર્વ કચ્છમાં તો વાવણી લાયક વરસાદ પણ માંડ થયો છે !
  • પૂર્વ કચ્છમાં વરસાદ લાયક દબાણ ન સર્જાતા અાવું થયું, જોકે હવે મહેર થાય એવી આશા જીવંત

કચ્છનું વાતાવરણ વિષમ છે. હવે ચોમાસું પણ વિષમ બન્યું છે ! અેકબાજુ પશ્ચિમ કચ્છમાં અતિવૃષ્ટીની નોબત અાવી છે. સાત મધ્યમકક્ષાના ડેમો અોગની જતાં હાઇઅલર્ટ પર છે. લખપત, અબડાસા, નખત્રાણા, ભુજ, માંડવી અને મુન્દ્રા અા છ તાલુકામાં 103 ટકા સરેરાશ વરસાદ થઇ ગયો છે. તેનાથી વિપરીત પૂર્વ કચ્છમાં વાવણી લાયક પણ માંડ વરસાદ થયો છે. અંજાર, ગાંધીધામ, રાપર અને ભચાઉમાં માંડ 25 ટકા જેટલો વરસાદ થયો છે.

કચ્છમાં અષાઢી બીજથી વરસાદ ચાલુ છે. ખાસ કરીને પશ્ચિમ કચ્છમાં લોકો વરસાદને ખમૈયા કરવા પ્રાર્થના કરી રહ્યા છે. અબડાસા અને લખપતમાં તો વરસાદના કારણે વ્યાપક નુકસાન થયું છે. માર્ગો ધોવાઇ ગયા છે. જેના કારણે કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. જૂલાઇના પ્રથમ 10 દિવસમાં જ અહીં મોસમનો સરેરાશ વરસાદ પડી ગયો છે. સોમવારે સાંજે 4 વાગ્યા સુધીના અાંકડા પ્રમાણે અબડાસામાં મોસમનો 83.13 ટકા, નખત્રાણામાં 90.91, ભુજમાં 79.56, મુન્દ્રામાં 108.22, માંડવીમાં 111.89 અને લખપતમાં 145.08 ટકા વરસાદ વરસી ગયો છે.

અેટલે કે અા છ તાલુકાની સરેરાશ કાઢવામાં અાવે તો પશ્ચિમ કચ્છમાં 103 ટકા વરસાદ પડી ગયો છે. તેનાથી વિપરીત પૂર્વ કચ્છની સ્થિતિ અગલ છે. અંજારની વાત કરવામાં અાવે તો 36.27, રાપરમાં 19.56, ભચાઉમાં 11.81 અને ગાંધીધામમાં 31.65 ટકા માંડ વરસાદ પડ્યો છે. અામ પૂર્વ કચ્છના અા ચાર તાલુકાની સરેરાશ કાઢવામાં અાવે તો માંડ 25 ટકા જેટલો વરસાદ થાય છે. અેક બાજુ પશ્ચિમ કચ્છમાં 103 ટકા અને બીજીબાજુ પૂર્વ કચ્છમાં માત્ર 25 ટકા વરસાદ ! કચ્છમાં અા વખતે વરસાદની વિચિત્ર સ્થિતિ પેદા થઇ છે. કચ્છ ભારતનો સાૈથી મોટો જિલ્લો છે. ભાૈગોલિક વિસ્તાર વિશાળ હોવાથી વરસાદમાં અા પ્રકારની વિષમતા અાવી શકે છે.

કચ્છમાં ચોમાસુ કઇ બાજુથી પ્રવેશે છે તેના પર અાધાર રાખે છે
નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે કચ્છમાં ચોમાસુ બે બાજુથી પ્રવેશી શકે છે. જો અરબસાગરથી ચોમાસુ બેસે તો પશ્ચિમ કચ્છમાં સારો વરસાદ થાય છે. અને જો સાૈરાષ્ટ્ર- મધ્ય ગુજરાત બાજુથી ચોમાસુ અાવે તો વાગડમાં સારો વરસાદ થાય છે. ચાલુ વર્ષે વરસાદ વાગડમાં પહેલા અાવી ગયું હતું. પણ પશ્ચિમ અને દક્ષિણ કચ્છમાં ચોમાસાનું જોર વધારે રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...