કચ્છ કલેક્ટરે બુધવારના અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા, સરહદી સિંધોડી અને ઘોરાડ અભયારણ્યની મુલાકાત લીધી હતી. નલિયાના મુખ્ય તળાવને ઉંડું કરી તેની માટી 25 વર્ષથી બંધ બગીચામાં નાખી તંત્ર અને સ્વૈચ્છિ સંસ્થા આ પાર્કને વિકસાવશે. નલિયામાં તળાવ ઊંડા કરવાની કામગીરી ચાલી રહી છે, જેની મુલાકાતે આવેલા કલેકટર પ્રવીણા ડી.કે., પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવત, સિંચાઇ વિભાગના નાયબ ઈજનેર આર.કે. પરમારે કામની માહિતી મેળવી હતી.
પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે, નલિયામાં જખુભાઇ પાર્ક છેલ્લા 25 વર્ષથી બંધ હાલતમાં છે અને તેમાં કોઇ સુવિધા નથી અને તે નીચાણવાળા વિસ્તારમાં હોઇ તેમાં ચોમાસા દરમ્યાન પાણી ભરાય છે, જેથી તળાવ ઉંડા કરવાની કામગીરી દરમ્યાન તેની માટી અા બગીચામાં નાખી પૂરાણ કરાશે. ત્યારબાદ અેટીવીટીની ગ્રાન્ટમાંથી બગીચાની ફરતે દિવાલ બનાવાશે અને ગામની સ્વૈચ્છિક સંસ્થાએ આ બગીચામાં રમત-ગમતના સાધનો સહિતની વ્યવસ્થા ઉભી કરવાની તૈયારી બતાવી છે.
કલેક્ટરે નલિયાના તળાવની અંદરનો કચરો, ગંદકી હટાવવા ગ્રામપંચાયતને તાકીદ કરી હતી. કલેકટરે સિંધોડી દરિયાકાંઠાની પણ મુલાકાત લઇ દરિયાઇ સુરક્ષાની સમીક્ષા કરી હતી અને ગામના પાણી, વીજળી સહિતના પ્રશ્નો સાંભળ્યા હતા. મોટી સિંધોડીમાં સરપંચ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા માટે ચાલતા પુસ્તકાલયની સરાહના કરી હતી.
ઉપરાંત ઘોરાડ અભયારણ્યની મુલાકાત દરમ્યાન વિચરતા માદા ઘોરાડના સંરક્ષણ માટે તાકીદ કરી હતી. સિંધોડીની બેઠકમાં મામલતદાર એન. એલ. ડામોર, તાલુકા વિકાસ અધિકારી શૈલેષ ભટ્ટ, જખૌ મરીન પીઆઈ ડી.એસ ઈશરાણી, કાનજી ગઢવી વગેરે હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.