વિરોધ:લોક સુનાવણીમાં રાયધણજર, કોઠારામાં ખનિજ ઉત્ખનનનો વિરોધ

નલિયા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાયરો નદીના વહેણ બદલાતાં ભેદીથી કોઠારા વચ્ચેની વાડીઓને નુકસાન
  • ખનિજ ઉત્ખનન બાદ થયેલા મસમોટા ખાડા પૂરાતા ન હોવાની રાવ

અબડાસા તાલુકાના કોઠારા અને રાયધણજરમાં ખનિજ ઉત્ખનન અંગે લીઝ માટેની લોક સુનાવણીમાં ઉપસ્થિત લોકોs ખનિજ ઉત્ખનનનો વિરોધ કર્યો હતો અને ખનિજ કાઢ્યા બાદ થતાં મસમોટા ખાડા પૂરાતા ન હોવાનો સૂર ઉઠ્યો હતો. રાયધણજરમાં પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જૈતાવત અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષ ટી.સી. બારમેડાની ઉપસ્થિતિમાં યોજાયેલી બેન્ટોનાઇટ માઇન લીઝ અંગેની લોક સુનાવણીમાં ગ્રામજનોએ ખનિજ ઉત્ખનનનો ઉગ્ર વિરોધ કર્યો હતો.

ગામમાં અગાઉ જેમને લીઝ મંજૂર કરાઇ હતી, તે અન્યોને વેચાણ આપી દેવાઇ છે. વધુમાં લીઝ ધારકો દ્વારા કોઇ જ સામાજિક જવાબદારી નિભાવવામાં આવતી નથી કે, ગામમાં ડીએમએફ હેઠળની ગ્રાન્ટ ફાળવાતી નથી. લીઝની જગયાએ ગામના તળાવો આવેલા છે અને લોકો તથા પશુઓ પાણી પીવે છે.

બપોર બાદ કોઠારામાં યોજાયેલી લોક સુનાવણીમાં નાયરો નદીમાંથી રેતી ઉપાડવા મુદ્દે ઉગ્ર રજુઆત કરાઇ હતી. ગ્રામપંચાયતે આ મુદ્દે જાણ કરાઇ નથી કે, ગ્રામજનોને પણ આ મુદ્દે જાણ ન હોવાના આક્ષેપ કરાયા હતા. વધુમાં લીઝ ચાલુ થશે ગ્રામજનો સાથે મળીને લડત આપશે તેવી ચિમકી પણ ઉચ્ચારી હતી.

આ અંગે પ્રાંત અધિકારી જૈતાવતનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, નાયરો નદીના પાણી ભેદીથી લઇને કોઠારા સુધીની વાડીઓમાં જતા હોઇ નુકસાની થતી હોવાની રાવના પગલે તેમણે જાતે નદીની મુલાકાત લીધી હતી અને નદીના પાણી વાડીઓમાં જતા હોવાની વાત સાચી હોવાનું જણાવ્યું હતું. આ સમસ્યા માનવ સર્જિત છે કે, કુદરતી તેની તપાસ કરવા માટે તેઅો દ્વારા ખાણ ખનિજ ખાતા અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પત્ર લખી જાણ કરાશે.

લોક સુનાવણી અંગે કોઠારામાં અગાઉથી જાણ ન કરાઇ
ગામના ચેતન રાવલે જણાવ્યું હતું કે, લોક સુનાવણી અંગે લોકોને અગાઉથી જાણ કરાઇ ન હતી. ગામથી બહાર નદીની બાજુમાં મંડપ બાંધેલો હોઇ લોકોને ખબર પડી હતી કે, આજે લોક સુનાવણી છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, આ લોક સુનાવણીમાં બહારથી માણસો બોલાવીને ખુરશીઓ ભરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...