વિશ્વ પર્યાવરણ દિવસ:જખૌના દરિયા વચાળે વિશિષ્ટ ટાપુ ‘ખિદરત’, હાલ અછત વચ્ચે ટાપુ પર ઘાસચારો મોજુદ; માલધારીઓ ભેંસોને લઇ જાય છે

નલિયા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ક્લાઇમેટ ચેન્જ અને ઔદ્યોગિક ક્ષેત્રે વિકસતા કચ્છમાં વધુમાં વધુ વૃક્ષો વાવવાની સાથે પર્યાવરણનું રક્ષણ કરવું અનિવાર્ય

અબડાસા તાલુકામાં હાલે ઘાસ-ચારો અને પાણીની અછતનો માલધારીઓ સામનો કરી રહ્યા છે તેની સાથે પશુઓની હાલત પણ કફોડી બની છે. મહામૂલા પશુધનને બચાવવાનો પડકાર ઉભો થતાં પશુ પાલકો જખૌના દરિયા વચાળે આવેલા ખિદરત ટાપુ પર ભેંસ સહિના અબોલ જીવોને ચરાવવા લઇ જવા માટે મજબૂર બન્યા છે.

ચોમેર પાણીથી ઘેરાયેલા આ ટાપુ પર ચેરિયા તેમજ ઘાસ ઉગે છે તેની સાથે કેટલીક વનસ્પતિઓ પણ જોવા મળે છે. ઘાસ ચારાની અછતનો સામનો કરતા અશિરાવાંઢ તેમજ આસપાસના નાના ગામોના માલધારીઓ ભેંસ સહિતના પશુઓ ચારિયાણ માટે આ ટાપુ પર લાવે છે. ખારાઇ ઊંટની જેમ જ ભેંસો પણ પાણીમાં તરીને ટાપુ પર પહોંચે છે તો માલધારીઓ નાની હોડીમાં કે પાણી ઓછું હોય ત્યાં ચાલીને ટાપુ પર જઇને ઢોર ચરાવે છે. દિવસ દરમિયાન ભૂંગા બનાવીને હંગામી વસવાટ કરે છે અને સાંજે ભેંસોને લઇને પરત ફરે છે.

દૈનિક 250 જેટલી ભેંસ ટાપુ પર સવારે ચરવા આવે છે અને સાંજે પાણીમાં તરતી પરત ફરે છે. આમ માલધારીઓ મોંઘેરા માલને બચાવવા સંઘર્ષમય જીવન સાથે પરિવારનું ગુજરાન ચલાવે છે. મોટા ભાગે પશુ પાલકો ઉનાળા દરમિયાન ચારિયાણ અને પાણીની સમસ્યાનો સામનો કરતો જોવા મળે છે ત્યારે સરકાર દ્વારા ગૌચર અને સરકારી પડતર જમીનો પર ઘાસ ચારો ઉગાડે અને પાણીની વ્યવસ્થા ઉભી કરે તેવી લાગણી માલધારીઓમાં પ્રવર્તી રહી છે. ઉલ્લેખનીય છે કે, ચારથી પાંચ કિલો મીટરનો ઘેરાવો ધરાવતા આ ટાપુ પાસે બિન વારસુ ચરસના પેકેટો પણ મળી આવ્યા છે.

ચમત્કાર : સાગરના ખારા પાણી વચ્ચે ટાપુમાં ખાડો ખોદતાં જ મળે છે મીઠું પાણી
ચારે બાજુ સાગરના ખારા પાણીથી ઘેરાયેલા ખિદરત ટાપુ પર આવતા માલધારીઓ આઠ-દસ ફૂટ જેટલો ખાડો ખોદે ત્યાં મીઠું પાણી નીકળે છે. વીરડી સમાન આ પાણીનો ઉપયોગ પોતાના અને પશુઓ માટે કરે છે. આ ઉપરાંત અહીં વૃક્ષો પર મોટા પ્રમાણમાં મધપૂડા થતા હોવાથી મધ ઉતારતા વ્યસાયીઓની પણ અલૌકિક નજારો ધરાવતા ટાપુ પર અવર જવર રહે છે.

અન્ય સમાચારો પણ છે...