ગામો પાણીમાં ગરકાવ:અબડાસામાં સોમવારની રાત્રિથી લઇને મંગળવાર સુધી 2થી 7 ઇંચ ખાબક્યો

નલિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

અબડાસા તાલુકાના 166 ગામોમાં સોમવારની રાત્રિથી લઇને મંગળવારના દિવસ દરમ્યાન વરસેલા વરસાદથી વધુ 2થી 7 ઇંચ વરસાદ પડી ગયો હતો, જેના કારણે તાલુકાના કોઠારા, માનપુરા, ભાનાડા, વાંકુ, વાડાપધ્ધર સહિતના ગામો પાણીમાં ગરકાવ થયા હતા.

બીટીયારી
બીટીયારી

માં 7 ઇંચ જેટલો વરસાદ વરસી જતાં કોઠારાનો માનપુરા વિસ્તાર પાણીમાં ગરકાવ થયો હતો. કોઠારાની નદી પણ બે કાંઠે વહી નીકળી હતી. કોઠારાનું પોલીસ સ્ટેશન તળાવમાં ફેરવાયું હતું. કોઠારાની ચારેબાજુ પાણી ભરાઇ જતાં કોઠારાથી સણોસરા, ગઠવાડા, નલિયા, ભાનાડા તરફના રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. મંગવાણા પાસે 7થી 8 ઇંચ પાણી પડી જતાં ભુજ-નલિયા માર્ગ બંધ થયો હતો. તાલુકાના સિંધોડી અને લાલા ગામ બેટમાં ફેરવાયા હોવાનું આમદ સંગારે જણાવ્યું હતું.

લાલા
લાલા

ગરડા પંથકમાં મોહાડી લીમડી વાંઢ ગામની નદી આવી જતાં રસ્તો બંધ થયો હોવાનું અલી કેરે જણાવ્યું હતુ. તાલુકાના નાગોર, નાનાવાડા, ખિરસરા વિંઝાણ, છછી, લઠેડી, ગોયલા, મોખરા, અૈડા, મોકરશીવાંઢ, ભદ્રાવાંઢ, બાલાચોડ, લાખણિયા, તેરા વગેરે ગામોની નોદીઅોમાં વરસાદી પાણી જોશભેર વહી નીકળતાં ગામના રસ્તા બંધ થયા હતા. નખત્રાણાથી બિટ્ટા માર્ગ સતત બીજા દિવસે બંધ રહ્યો હતો. તાલુકા મથક નલિયામાં 3 ઇંચ વરસાદથી ગામના ત્રણેય તળાવ અોગની ગયા હતા.

વરસાદનું જોર વધ્યું તો સુથરી બેટમાં ફેરવાશે
છેવાડાના સુથરીમાં ભારે વરસાદથી ગામની શેરીઓમાંથી જોશભેર પાણી વહી નીકળ્યા હતા અને ગામના 3 મકાનોને નુકસાન થયું હતું. જો વરસાદનો જોર હજુ વધશે તો ગામ બેટમાં ફેરવાશે અેમ સરપંચ રહીમ મંધરાએ જણાવ્યું હતું.

નાગોરને તારાજીથી બચાવવા તંત્રની ત્વરીત કામગીરી
ભારે વરસાદના પગલે ઉપરવાસથી આવતું પાણી ગામમાં ફરી વળે તેવી સ્થિતિ સર્જાતાં તત્કાલ પાણીનો પ્રવાહ અન્યત્ર વાળવાની કામગીરી કરાઇ હતી અને ગામના 500 નાગરીકોને તારાજીથી બચાવી લેવાયા હતા. તાલુકા વિકાસ અધિકારી એસ.સી.ભટ્ટે જણાવ્યું હતું કે, અબડાસા તાલુકાના ગઢવાડા ગામે છેલ્લા સાત દિવસથી સતત વરસતા વરસાદના કારણે ઉપરવાસથી ખૂબ જ પાણીનો પ્રવાહ આવી રહ્યો હતો. આ પાણીનો પ્રવાહ આગળ જતાં 500 નાગરિકોની વસતી ધરાવતા અને નીચાણવાળા વિસ્તારમાં વસેલા નાગોર ગામ તરફ વળે છે, જેના કારણે ગામમાં પાણી ભરાઇ જવાના લીધે તારાજી થાય તેવી સંભાવના સર્જાતા ગામના સરપંચ હલીમાબાઇ મામદ,સીધીક અબ્દુલા હિંગોરા તેમજ તલાટીશ્રી દ્વારા તત્કાલ સ્થળ પર ધસી જઇને ગામ અગ્રણીઓની મદદથી જેસીબી અને ટ્રેકટર વડે ચાલુ વરસાદે રસ્તાનું સમારકામ કરીને પાણીના પ્રવાહને નાગોર તરફ જતો રોકીને બીટીયારી તરફ વાળવામાં આવ્યો હતો.

બીએસએફની ટીમે બોટથી નદી પાર કરી બારા ગામે આપ્યું રાશન અને દવાઓ
અબડાસાનું બારા દર વર્ષે વરસાદી સીઝનમાં વિખુટું પડી જાય છે. ગામ નજીક આવેલી નદી પર પુલ બાંધવામાં ન આવતાં દર વર્ષે આ સ્થિતિ રહે છે. છેલ્લા 8 દિવસથી પડી રહેલા વરસાદના પગલે ગામમાં લોકો પાસે હવે રાશન ખુટ્યું છે ત્યારે બીએસએફની ટુકડીએ મંગળવારે બોટ મારફતે નદી પાર કરીને લોકોને રાશન પહોંચતું કર્યું હતું.

વાડાપધ્ધર વાડી વિસ્તારમાં ફસાયેલા 6 વ્યક્તિઓનું મરીન કમાન્ડો દ્વારા રેસ્ક્યુ
વાડી વિસ્તારમાં 6 વ્યક્તિઓ નદીમાં જોશભેર વહેતા પાણીના કારણે ફસાયેલા હોવાની જાણ થતાં જ વહીવટી તંત્રે હોથીવાંઢ મરીન કમાન્ડોના સહયોગથી બચાવ કામગીરી હાથ ધરી હતી અને તમામને નદીના વહેણમાંથી બચાવીને સલામત સ્થળે ખસેડાયા હોવાનું પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જૈતાવતે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...