ક્રાઇમ:અબડાસાના સાંધવ વાડી વિસ્તારમાં છેડતીની શંકાએ યુવકને થડ સાથે બાંધી ક્રૂરતાપૂર્વક માર મારીને નિર્મમ હત્યા નિપજાવાઇ

નલિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મહિલા સહિત ચાર આરોપીઓ સામે કોઠારા પોલીસમાં ફરિયાદ:
  • પખવાડિયામાં પશ્ચિમ કચ્છમાં હત્યાનો ચોથો બનાવ સામે આવ્યો

પશ્ચિમ કચ્છમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ દિનપ્રતિદિન કાબુ બહાર જઇ રહી છે ત્યારે પખવાડિયાના ટૂંકાગાળામાં પશ્ચિમ કચ્છમાં હત્યાનો ચોથો બનાવ સામે આવ્યો છે જેમાં અબડાસા તાલુકાના સાંધવ વાડી વિસ્તારમાં છેડતીની શંકા રાખીને યુવાનની ક્રૂરતાથી નિર્મમ હત્યા કરવામાં આવતા આ વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ છે. વિધાનસભાની ચૂંટણી પૂર્વે પશ્ચિમ કચ્છમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડ્યા હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. દિવાળીના દિવસે ભુજના વાલ્મીકિનગરમાં જૂની અદાવતે યુવાનનું ઢીમ ઢાળી દેવામાં આવ્યું હતું તો લાભપાંચમના અબડાસા તાલુકાના વાગોઠ ગામે બે સગાભાઈઓની હત્યા કરાઈ હતી.

બે દિવસ પૂર્વે મુન્દ્રા તાલુકાના કુંદરોડી ગામે સામાન્ય બાબતે યુવાનનું ઢીમ ઢાળી દેવાયુ હતુ ને હવે અબડાસા તાલુકાના સાંધવ વાડી વિસ્તારમાં ક્રૂરતાથી યુવકની કરપીણ હત્યા કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. જેમાં યુવાનને ઝાડ સાથે બાંધીને ચાર આરોપીઓએ લોખંડના પાઇપ અને ધોકા ફટકારતા ગંભીર ઇજાઓના કારણે યુવાન ત્યાં જ ઢળી પડતા પ્રાણ પંખેરું ઉડી ગયા હતા.કોઠારા પોલીસ સ્ટેશનમાંથી જાણવા મળતી વિગતો મુજબ સાંધવ વાડી વિસ્તારમાં કશ્મીરસિંઘ જગશીરસિંઘ સરદારની વાડીએ આ બનાવ બન્યો હતો.

ફરિયાદી અંગ્રેજસિંઘ ભજનસિંઘ જાટ નામના 60 વર્ષીય ખેડૂતે જણાવ્યું કે આરોપીઓએ તેમના સગા ભાઇ 32 વર્ષીય જર્નલસિંઘ ભજનસિંઘ જાટ પર છેડતીની શંકા રાખી બોલાચાલી કરી તેને વાડીએ લઇ ગયા હતા જ્યાં તેના હાથપગને રસ્સી વડે બાંધી દઇ બાવળના ઝાડના થડમાં ભાઇને બાંધી દેવાયો હતો બાદમાં આરોપીઓ લખવીરસિંઘ જગશીરસિંઘ સરદાર, કશ્મીરસિંઘ જગશીરસિંઘ સરદાર, નવદીપ કૌર કશ્મીરસિંઘ સરદાર અને મહેતાબસિંઘ જગશીરસિંઘ સરદારવાળાએ લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે ભાઇને શરીરના ભાગે તેમજ માથાના ભાગે ફટકા મારી ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચાડી મોત નીપજાવ્યું હતું તેમજ ફરિયાદીને પણ મારી નાખવાની ધમકીઓ આપી હતી જેથી કોઠારા પોલીસ સ્ટેશનમાં ચારેય આરોપીઓ સામે ફરિયાદ થતાં પીએસઆઇ વાય.પી. જાડેજાએ આગળની તપાસ હાથ ધરી છે. આ બનાવે વાડી વિસ્તારમાં ભારે ચકચાર મચાવી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...