મરંમત શરૂ:ભારે વરસાદથી અબડાસામાં નેશનલ હાઇવે 35 ટકા, રાજ્ય ધોરીમાર્ગ 70 ટકા અને પંચાયતના 50 ટકા માર્ગો ધોવાયા

નલિયા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નલિયાને ભુજથી જોડતો 91 કિ.મી.નો રસ્તો બદતર જોકે, મરંમત શરૂ : ભવાનીપર પાસે પુલિયો બેસી ગયો હતો
  • વિસ્તારની દ્રષ્ટિએ રાજ્યના સૌથી મોટા સરહદી તાલુકામાં મોસમનો 27.68 ઇંચ વરસાદ પડી જતાં રસ્તાની ખસ્તા હાલત

=રાજ્યમાં વિસ્તારની દ્રષ્ટિઅે સાૈથી મોટા ગણાતા પશ્ચિમ કાંઠાના સરહદી અબડાસા તાલુકામાં મોસમનો 27.68 ઇંચ અેટલે કે, 166.75 ટકા વરસાદ ખાબકી જતાં નેશનલ હાઇવે 20થી 35 ટકા, રાજ્ય ધોરીમાર્ગ 65થી 70 ટકા અને પંચાયત હસ્તકના માર્ગ અને મકાન વિભાગના 50 ટકા માર્ગો ધવાઇ ગયા છે. રસ્તાઅોમાં ઠેરઠેર ખાડાના પગલે વાહન ચાલકોને પસાર થવામાં પારાવાર મુશ્કેલી પડી રહી છે.

વધુમાં મોટાભાગના પુલિયા, પાપડીઅો તૂટી જતાં હજુ પણ અનેક નદીઅોમાંથી વહેતા પાણીમાં વાહનો ફસાવાની ઘટનાઅો રોજિંદી બની છે અને યાતાયાત ખોરવાય છે. જેથી ભુજમાં મોદીની મુલાકાતના પગલે તેઅો જયાંથી પસાર થવાના તે માર્ગ ડામર મઢીને નવો બનાવી દેવાયો છે તેમ અબડાસા સહિત સમગ્ર કચ્છમાં યુધ્ધના ધોરણે રસ્તા બનશે કે કેમ તે અેક પ્રશ્ન છે.

જિલ્લા મથક ભુજને જોડતા રાજ્ય સ્ટેટ હાઇવે નલિયાથી ભુજ માર્ગમાં ચોમાસા દરમ્યાન ભવાનીપર પાસે પુલિયો બેસી ગયો હતો. 91 કિ.મી.નો રસ્તો બિસ્માર હાલતમાં છે અને અા વચ્ચે સણોસરાથી રોહા વચ્ચેનો 7 કિ.મી.નો રસ્તો બન્યો જ નથી અને સિંગલપટ્ટી માર્ગ છે, જેના પર ડામર તો દેખાતો જ નથી. જો કે, આ માર્ગની મરંમત શરૂ કરી દેવાઇ છે.

તાલુકાના મહત્વના રાજ્ય ધોરીમાર્ગ પર પણ અનેક ઠેકાણે ખાડા પડી ગયા છે. જખાૈથી બંદર તરફના 3 કિ.મી.નો માર્ગ તો સાવ ધોવાઇ જતાં વાહન ચાલકોને અા રસ્તો પાર કરવામાં 30થી 35 મિનિટ લાગે છે. તેમાંય કાર સહિતના ફોરવ્હીલર વાહનો ચાલી શકે તેમ નથી.

માતાના મઢથી નલિયાને જોડતો રસ્તો માર્ગ અને મકાન વિભાગ અને સ્ટેટ હસ્તકના 45 કિ.મી. રસ્તામાં પેવર ઉખડી ગયા છે. અમુક સ્થળે તો માત્ર મેટલ જ દેખાય છે. અા માર્ગે અાવતી નદીઅો પરની પાપડીઅો તૂટી જતાં વરસાદ દરમ્યાન 10થી 12 દિવસ સુધી અનેક ગામો તાલુકા મથકથી વિખુટા પડી ગયા હતા.

તેરા-લાખણિયા વચ્ચેની નદીમાં હજુ પણ ફસાય છે વાહનો : પાંચ નદી પરના પુલ માટે ગ્રાન્ટ મંજૂર
નલિયાથી વાયા તેરા થઇને નખત્રાણા તાલુકાના નેત્રા તરફ જતા માર્ગની હાલત પણ બદતર છે. અા માર્ગમાં તેરાથી લાખણિયા વચ્ચેની નદી પરની પાપડીનો અેક છેડો તૂટી ગયો છે. વધુમાં અા નદીમાં હજુ પણ પાણી ચાલુ છે, જેના કારણે વાહનો ફસાઇ જવાના બનાવો રોજિંદા બન્યા છે. વરસાદ દરમ્યાન લાખણિયા, જતવાંઢ, ઉસ્તિયા, બાંડિયા, કુવાપધ્ધર, સુજાપર, નાગિયા સહિત 10થી 15 ગામો 8 દિવસ સુધી તાલુકા મથકથી વિખુટા પડી ગયા હતા.

અા નદી પર મોટો પુલ બને તો જ સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકાય તેમ છે. વધુમાં ઉસ્તિયાથી બાંડિયા રસ્તો બિસ્માર છે, જેનું તાત્કાલિક સમારકામ થાય તો માર્ગ વાહનો ચલાવા લાયક બને તેમ છે. નલિયાથી નેત્રાનો 45 મિનિટનો રસ્તો કાપતાં વાહન ચાલકોને દોઢ કલાક લાગે છે. જો કે, તેરાથી નેત્રા રોડ પર લાખણિયાની નદી, તેરાની નદી તેમજ સિંધોડી, બોહા-કોટડી વચ્ચેની નદી પર 36.90 કરોડના ખર્ચે પુલ બનાવવામાં આવશે. જે માટે ટુંક સમયમાં ટેન્ડર સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

નલિયાથી નારાયણ સરોવર રાજ્ય ધોરીમાર્ગ નબળી ગુણવત્તાના કારણે ક્ષતિગ્રસ્ત
નેશનલ હાઇવેમાં ખાડા હોતા નથી અવું કહેવાય છે પરંતુ નલિયાથી નારાયણ સરોવર તરફના રાજ્ય ધોરીમાર્ગમાં હલકી કક્ષાની સામગ્રી વાપરવામાં અાવતાં અા માર્ગ પણ અનેક ઠેકાણે ક્ષતિગ્રસ્ત બન્યો છે. ઠેરઠેર ખાડાની સાથે ડામર ઉખડી ગયો છે. અા માર્ગે નરેડા ગામની પાપડી તૂટી જતાં નલિયા-નારાયણ સરોવર માર્ગ સળંગ 25 દિવસ સુધી બંધ રહ્યો હતો. અા માર્ગે તંત્ર અને કોન્ટ્રાક્ટરની પોલ પાધરી કરી દીધી છે.
અા ચોમાસે બારા 3 વખત વિખુટું : પાપડી પર નાખેલી મેટલ ધોવાઇ જતાં 80 લાખ પાણીમાં
તેરાથી બારા તરફના માર્ગે બારા ગામની નજીકમાં જ અાવેલી નદી પરની પાપડી ધોવાઇ જતાં અા ચોમાસામાં બારા ગામ 3 વખત વિખુટું પડી ગયું હતું. વધુમાં ચોમાસા દરમ્યાન 80 લાખના ખર્ચે મેટલ નાખી રસ્તો બનાવાયો હતો તે 15 દિવસમાં જ ધોવાઇ ગયો હતો. અા નદી પર પણ પાપડી નહીં પરંતુ મોટો પુલ બનાવવામાં અાવે તો જ અા સમસ્યાનો કાયમી ધોરણે નિકાલ લાવી શકાય તેમ છે.

ગરડા પંથકના ઘરડા રસ્તાઅો પર કરચલી
તાલુકાના ગરડા પંથકના વાયોરથી ફુલાય, ભુવા, વાઘાપધ્ધર માર્ગ પણ ધોવાઇ જતાં વાહન ચાલકોની મુશ્કેલી વધી છે. વાયોર અને ફુલાય વચ્ચે અાવતી નદી પરની પાપડી ધોવાઇ જતાં મસમોટા ખાડા પડી ગયા છે, જેથી વાહન ચાલકોને પારાવાર હાલાકી પડે છે. વાગોઠથી મોહાડી, વાયોરથી ઉકીરનો 7 કિ.મી.નો માર્ગ પણ અત્યંત બદતર થઇ ગયો છે.

નરેડીથી રાતા તળાવનો રસ્તો ખાડાગ્રસ્ત
રાતા તળાવથી નરેડી તરફનો માર્ગ પણ ખાડાગ્રસ્ત બન્યો છે. નરેડી નજીકની નદી પરની પાપડી પણ ધોવાઇ જતાં ચોમાસા દરમ્યાન 10થી 15 ગામોને અસર પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...