યાતાયાત ઠપ્પ:ભુજ-નલિયા હાઇવે પર ભવાનીપર પાસે પુલમાં ગાબડું

નલિયા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસથી માર્ગ બંધ છતાં ડાયવર્ઝન ન કઢાતાં વાહન ચાલકોને ફેરો

અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયાને જિલ્લા મથક ભુજથી જોડતા હાઇવે પર ભવાનીપર પાસે ચોમાસામાં બેસી ગયેલા પુલિયામાં ફરી ગાબડું પડી ગયું છે, જેને બે દિવસ થવા છતાં પણ તંત્ર દ્વારા ડાયવર્ઝન કાઢવામાં ન અાવતાં યાતાયાત ખોરવાયો છે અને વાહન ચાલકોને મસમોટો ફેરો પડે છે.

સ્ટેટ હાઇવે અોથોરિટી હસ્તકના માર્ગ પર ભવાનીપર ગુરૂકૂળ પાસેનો પુલ ગત ચોમાસામાં ભારે વરસાદ બાદ બેસી ગયો હતો. ભુજ-નલિયા માર્ગ પર રાત-દિવસ ભારેખમ વાહનોની સતત અવર-જવર રહે છે, જેથી ફરી અા પુલમાં ગાબડું પડતાં યાતાયાત ખોરવાયો છે.

અધુરામાં પૂરું પુલિયામાં ગાબડું પડ્યાને બે દિવસ થઇ ગયા છે છતાં પણ તંત્ર દ્વારા ડાયવર્ઝન કાઢવામાં અાવ્યું નથી, જેના કારણે ભુજથી નલિયા તરફ જતા વાહન ચાલકો છેક ભવાનીપર પહોચી ગયા બાદ ખબર પડે કે, રસ્તો બંધ છે, જેથી ત્યાંથી પરત મોથાળા ચોકડીઅે અાવી ત્યાંથી કનકપર થઇને કોઠારા તરફના માર્ગે 30થી 35 કિ.મી.નો ફેરો ખાવો પડે છે.

તો વળી નલિયાથી તેરા થઇને ભુજ અાવતા વાહન ચાલકોને પણ ભવાનીપર અાવ્યા બાદ પરત બેરાચિયા, રવા, ધનાવાડા ચોકડીઅેથી મોથાળા થઇને ભુજ જવું પડે છે. અા માર્ગ પરથી સિમેન્ટ પરિવહન કરતી દૈનિક 300થી 400 મોટી ટ્રકો તેમજ અેસ.ટી. બસ સહિત સતત વાહનોની અવર-જવર રહે છે, જેથી સત્વરે પુલિયાની બાજુમાંથી પાકો ડાયવર્ઝન કાઢવામાં અાવે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...