પાણીની સમસ્યા:અબડાસાના આશીરાવાંઢમાં 15 દિવસથી પાણી ન આવતા લોકો સાથે પશુઓ બેહાલ

નલિયા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગામની 400ની માનવ વસતી સામે એક હજાર પશુઓ
  • સરકારે હાથ અધ્ધર કર્યા ત્યારે પશુધન માટે કંપની દ્વારા બે ટેન્કર પાણી અપાય છે

કચ્છમાં પાણીની સમસ્યા વકરી રહી છે. ખાસ કરીને છેવાડાના વિસ્તારોના ગામોની હાલત કફોડી છે. અબડાસાના આશીરાવાંઢમાં પણ છેલ્લા 15 દિવસથી પાણી ન આવતા લોકોની સાથે ગામના પશુઓ બેહાલ થઇ ગયા છે. ગામની માનવ વસ્તી 350 થી 400 છે તો પશુધન 1 હજાર જેવા છે. દૈનિક પાણીની ખપત 20,000 હજાર લીટર છે, ગામમાં પાણીના બે ટાંકા પણ છે. જેમાં જખૌ જુથ ગ્રામપંચાયત દ્વારા નિયમિત પાણી ન અપાતા સમસ્યા સર્જાઇ રહી છે.

ગ્રામજનો દ્વારા નલિયા પાણી પુરવઠા કચેરીએ રજુઆત કરતા તેમને કહેવામાં આવ્યુ કે ‘તમારી પાણી યોજના જખૌ જુથ ગ્રામ પંચાયત હસ્તક છે, ત્યાં જાઓ અહી નહી’. જખૌ જુથ પંચાયતને રજુઆત કરતા પંચાયત ગ્રામજનોને કહે છે પાણીનો જથ્થો અપુરતો છે તથા તમારી વાંઢની પાઇપલાઇન જુની છે એટલે આશીરાવાંઢ પુરતુ પાણી ફાળવવામાં નથી આવતું.

આશીરાવાંઢના સ્થાનિક રહેવાસી જત ઉમરભાઇ ઇબ્રાહીમ જણાવે છે આમ તો અમારી વાંઢમાં છેલ્લા દોઢ વર્ષથી પાણી સમસ્યા છે. પંદર દિવસે પાણી આવે છે. પશુધન માટે અમારી વાંઢમાં દૈનિક બે ટેન્કર 10,000 લીટર પાણી બાજુમાં આવેલી કંપની દ્વારા આપવામાં આવે છે તે આશિર્વાદ રૂપ છે. બાકી જખૌ જુથ પંચાયત કે પાણી પુરવઠા દ્વારા ટેન્કર વડે પણ પાણી આપવામાં આવતુ નથી.

...તો પાણી સમસ્યાનો કામયી હલ થાય
ગ્રામજનો સ્વતંત્ર પાણી યોજનાથી કનેક્શન મળે તેવું ઇચ્છી રહ્યા છે. મીઠી ડેમથી જખૌ બંદર પર ફિશરીઝ હસ્તક આવતી પાણીની એકસપ્રેસ પાઇપલાઇન પાથરેલી છે. તે પાઇપલાઇન આશીરાવાંઢ ગામની બાજુ માંથી જાય છે. માત્ર એક ફુટ પાઇપ નાખી વાંઢની પાઇપલાઇનમાં કનેક્શન આપવામાં આવે તો પાણીનો નિકાલ કાયમી ધોરણે થઇ જાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...