દેશના પશ્ચિમ છેડે આવેલા અબડાસા તાલુકામાં જૈન ધર્મમાં જેનો અનેરો મહત્વ આપવામાં આવે છે તેવી મોટી પંચતીર્થી કોઠારા, તેરા, નલિયા, જખાૈ અને સાંધાણ તથા મહાતીર્થ સુથરી આવેલા છે. આ સિવાય અબડાસાના શતાબ્દી વટાવી ચૂકેલા અન્ય પાંચ ગામોના દેરાસરો વાંકુ, વાડાપદ્ધર, પરજાઉ, લાલા અને રાપરગઢવાલીમાં છે, જેને નાની પંચતીર્થી કહેવાય છે.
સમગ્ર વિશ્વમાં કચ્છી દશા ઓસવાલ જૈન સમાજની હાલની વસતી અંદાજે 30 હજારની આસપાસ છે. તો હાલ અબડાસા તાલુકામાં માત્ર 300 આસપાસ રહી છે. સમાજના બાકીના લોકો શિક્ષણ, આરોગ્ય તેમજ ધંધા-રોજગાર માટે દેશ-પરદેશમાં વસવાટ કરે છે. પરંતુ ચાતુર્માસ તથા ધાર્મિક તેમજ સામાજિક પ્રસંગોએ દેશ અને વિદેશમાં વસતા ભાવિકો આરાધના માટે માદરે વતન આવે છે.
આ સાથે ભારતભરમાંથી જૈન ધર્મના ભાવિકો અબડાસાની આ પંચતીર્થીના દર્શનાર્થે અચુક આવે છે. આ પંચતીર્થીના દેરાસરો અતિ પ્રાચીન હોવાની સાથે કલાત્મક છે. જેના કારણે આ ભવ્ય દરાસરોની મહત્વતા વધી જતી હોવાનું રાજેશ લખમશી મોતાએ જણાવ્યું હતું.
નલિયા ખાતે હાલ ચાતુર્માસ માટે બીરાજમાન પૂ. મલયસાગરજી મ.સા. અને મૂનિરાજ રત્નાકર સાગરજી મ.સા.એ પંચતીર્થીનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે નવકાર મંત્રમાં આવેલા પાંચ પદોનું અનેરો મહિમા છે. તેથી પાંચ અંકને શુભ માનવામાં આવે છે. જેથી અતિ પ્રાચીન પાંચ દેરાસરો જે જગ્યાએ નજીકમાં આવેલા હોય તેને પંચતીર્થી કહેવામાં આવે છે.
મૂળનાયક શાંતિનાથજી તથા અન્ય નવ ટૂંકની સ્થાપના વિક્રમ સંવત 1910માં કરવામાં આવી હતી. નવ ટૂંક ધરાવતા આ દેરાસરમાં પ્રવેશતા જ શૈત્રુજ્ય પર્વત ઉપર આવેલા નવટૂંક જેવું દ્રશ્ય આપને જોવા મળે છે. વર્ષો પૂર્વ સાંધાણ ધિકતુ બંદર હતું. જેને આરબો સિદ્ધાન બંદર તરીકે ઓળખતા. ‘તિલક ટૂંક’ તરીકે પણ આ જિનાલય ઓળખાય છે.
મૂળનાયક શાંતિનાથ ભગવાન શ્વેત વર્ણમાં છે. આઠ શિખરવાળા આ ગગનચુંબી દેરાસરનાં શિખરો, રંગમંડપ, તોરણો, સ્તંભો વગેરેની શિલ્પકલા અદ્ભુત છે. અહીંની પ્રતિમાઓની કલા જોવા જેવી છે. વિક્રમ સવંત 1918ના સ્થાપના પામેલા આ જિનાલય શેઠ વેલજી માલુ, શેઠ શિવજી નેણશી તથા કેશવજી નાયક દ્વારા બંધાયેલું છે. આબુમાં આવેલા દેરાણી-જેઠાણીના ગોખલાની આબેહુબ પ્રતિકૃતિ અહીં છે.
મૂળનાયક ચંદ્ર પ્રભુજી તથા શાંતિ નાથજીને અગિયાર દેરીઓ પરોણા મળી તથા અષ્ટાપદજીનું અજોડ બેનમૂન દેરાસર નલિયામાં આવેલું છે. 68 ફૂટની ઊંચાઇ ધરાવતું અષ્ટાપદજીનું દેરાસર કચ્છમાં બીજે ક્યાંય નથી. િક્રમ સવંત 1897ના સ્થાપના પામેલા આ જિનાલય શેઠ નરશી નાથા, શેઠ હરભમ નરશીનાથા તથા શેઠ ભારમલ તેજશી દ્વારા બંધાયું છે.
સ્થાપના વિક્રમ સવંત 1950 કરાઈ છે. મૂળનાયક મહાવીર સ્વામીની સુંદર પ્રતિમા ધરાવતું વિશાળ સંકુલ છે. ઉતુંગ શિખરો દૂરથી જ ભાવિકોમાં શ્રદ્ધા જગાવે છે. આ દેરાસરજીને ‘રન્તટૂંક’ની ઉપમા આપી છે. આ જિનાલય શેઠ ભીમશી રતનશીએ બંધાવેલું છે.
શેઠ ગુર્જર પરસોત્તમ જેઠા તથા મેઘજી ઊડિયા દ્વારા સવંત 1895ના મૂળનાયક ઘૃત્તક્લોલ પાર્શ્વનાથજીના દેરાસરજીનું નિર્માણ થયુ છે. તીર્થના મૂળનાયક ઘૃત્તક્લોલ પાર્શ્વનાથજીની પ્રતિમા ઘણી જ ચમત્કારી ગણાય છે. એક વખત જમણવાર સમયે ઘી ખૂટી પડવાથી શેઠએ પ્રતિમાજીને ઘીના ઠામમાં મૂકી દેતા એ ઠામમાંથી ઘી ખૂટ્યું જ નહીં અને આખું સંઘનું જમણવાર પૂરું થઇ ગયા છતાં પણ એ ઠામ આખું ઘીથી ભરેલું રહ્યું હતું.
અહીં જીરાવલ્લા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાના દર્શન આ પ્રતિમા સંપ્રતિ રાજા દ્વારા પ્રતિષ્ઠિત મનાય છે. આ દેરાસરનું પુન:નિર્માણ વિ. સં. 1915માં થયું હતું. અહીં નવ શિખરોની કલા જોવા જેવી છે. આ જિનાલય શેઠ પાશ્વીર રાયમલ, શિવજી વિશરિયા મોતા તથા હિરજી ડોસાભાઇ દ્વારા વિક્રમ સવંત 1915 માં બંધાયેલું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.