અબડાસા તાવના ભરડામાં:નલિયા CHCમાં રોજના 225 દર્દીઓની ઓપીડી, 10 વ્યક્તિઓ તો મેલેરિયાથી સંક્રમિત

નલિયા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચકયું
  • દર્દી સવારથી લાંબી લાઈનમાં ઉભા રહે ત્યારે માંડ આવે છે વારો
  • સરકારીમાં જ બમણા દર્દીઓ થયા, ખાનગી દવાખાનાનો આંકડો અનેક ગણો વધારે

અબડાસા તાલુકામાં ચાલુ વર્ષે સીઝનનો 164 ટકા વરસાદ થયા બાદ હવે પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચકયું હોય તેમ અહીંના સરકારી દવાખાના દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. તાલુકાની મુખ્ય સરકારી હોસ્પિટલમાં જ બમણા દર્દીઓ થયા છે ખાનગી દવાખાનાનો આંકડો હજી પણ બિહામણો હોવાનું સૂત્રો કહી રહ્યા છે.

વરસાદ બાદ દૂષિત પાણી તેમજ નીલી જાડીના કારણે મચ્છરનો ઉપદ્રવ વધી નીકળતા ઝાડા,ઉલટી, મેલેરિયા વાયરલ ઇન્ફેક્શન તેમજ સાદા તાવના રોગોનું પ્રમાણ ઊંચકાયું છે.નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સવારથી જ દર્દીઓની લાઈનો લાગે છે.

અહીં રૂટીન દિવસોમાં 80 થી 100 દર્દીઓ આવતા હોય છે.જેની સામે હાલમાં 200 થી 225 ની ઓપીડી છે જેમાં 80 થી 100 સાદો તાવ,80 દર્દીઓ વાયરલ ઇન્ફેક્શનના અને 8 થી 10 વ્યક્તિઓ મેલેરિયા સંક્રમિત હોય છે તેવું હોસ્પિટલના ડો.દિપક ફુલેરાએ જણાવ્યું હતું.

સરવે અને દવા છંટકાવની કામગીરી કાગળ પર
આરોગ્ય વિભાગ દ્વારા તાજેતરમાં ઘરોઘર સર્વે અને દવા છંટકાવ કરવામાં આવ્યું હોવાનો દાવો કરાયો છે પરંતુ આ કામગીરી માત્ર ફોટો પડાવવા પૂરતી સીમિત રહી ગઇ હોય તેમ ક્યાંય અસરકારક પરિણામ જોવા મળ્યા નથી.ગામડાઓમાં દવાઓનો છંટકાવ પણ નથી થયો અને ફોગિંગ પણ કરવામાં નથી આવ્યું. માત્ર ફોટો પડાવી કાગળ પર કામગીરીનું ચિત્ર રજૂ કરી દેવાયું છે.

ચાર ડોક્ટરના મહેકમ સામે માત્ર એક જ તબીબ
નલિયા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ચાર ડોક્ટરના મહેકમની સામે માત્ર એક જ ડોક્ટર હાજર હોઇ તેઓ 24 કલાક સેવા આપી રહ્યા છે. જોગવાઈ પ્રમાણે અહીં અધિક્ષક, સર્જન,ગાયનેક સહિતના ડોક્ટર હોવા જોઈએ.પરંતુ છેલ્લા દસેક વર્ષથી આ જગ્યાઓ ખાલી પડી છે તેમજ કોન્ટ્રાક્ટ બેઝ પર જે હંગામી ડોક્ટરો નીમવામાં આવ્યા તેઓ માત્ર આઠ કે દસ દિવસ નોકરી કરીને તાલુકામાંથી બદલી કરાવી ગયા હોઇ તાલુકા કક્ષાની એકમાત્ર હોસ્પિટલમાં ડોક્ટરની ઘટ જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...