મહાકાય માછલી:પિંગલેશ્વર-આરીખાણા વચ્ચેના સાગર તટે 40 ફૂટ લાંબી માછલી તણાઇ આવી

નલિયા25 દિવસ પહેલા
  • કૉપી લિંક

અબડાસા તાલુકાના પિંગલેશ્વર અને આરીખાણા વચ્ચે આવેલા દરિયા કાંઠે 40થી 45 ફૂટ લાંબી માછલી તણાઇ આવી હતી. ત્રણ-ચાર દિવસ પહેલાં મૃતદેહ તણાઇને આવ્યો હોવાથી ઓળખ મુશ્કેલ બની હતી પણ મહાકાય માછલી બ્લૂ વ્હેલ કે હંપબેક પ્રજાતિની હોવાની સંભાવના જાણકારોએ વ્યક્ત કરી હતી.

માછલીના જડબાનો તેમજ પાછળ પૂ઼ંછડીનો ભાગ દરિયાઇ મોજાની થપાટોના કારણે છૂટો પડી ગયો હતો. મહાકાય માછલીનો મૃતદેહ જોઇને ગ્રામજનો પણ અચંબિત થયા હતા. બે વર્ષ પહેલાં સિંઘોડી પાસે આવેલા સાગર તટે પણ આવી જ મહાકાય મૃત માછલી તણાઇને આવી હતી. આ અંગે રેન્જ ફોરેસ્ટ ઓફિસર કનકસિંહ રાઠોડનો સંપર્ક સાધતાં તેમણે કહ્યું હતું કે, બ્લૂવ્હેલ જેવી જણાતી માછલીનો મૃતદેહ કોહવાઇ ગયો છે. સ્થળ પર પહોંચેલી વન વિભાગની ટીમે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

કચ્છમાં મરિન મ્યૂઝિયમ બનાવવાની આવશ્યક્તા
કચ્છના સાગરકાંઠે અવાર નવાર મૃત જળચર તણાઇને આવે છે. મહાકાય માછલી, ચાર-પાંચ ફૂટ મોટા દરિયાઇ કાચબા તેમજ અવનવી દરિયાઇ સૃષ્ટિના જીવ સાગર તટે આવતા હોય છે. મહાકાય મૃતદેહના અવશેષો સાચવવા અને લોકોને આ બાબતે જાણકારી મળે તે હેતુથી મરિન મ્યૂઝિયમ બનાવાય તેવું સુચન કેટલાક જાગૃત લોકોએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...