બેદરકાર તંત્ર:અબડાસાના 6 ગામ વનતંત્ર દ્વારા સ્મશાનમાં અપાતી સગડીની રાહમાં

નલિયા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યોજનામાં અગ્નિદાહ માટે લોખંડની સગડી નિ:શુલ્ક અપાય છે

અગ્નિદાહમાં લાકડાનો વપરાશ ઓછો થાય અને પર્યવારણને પણ જફા ન પહોંચે તે હેતુથી વન વિભાગ દ્વારા અમલી યોજના મુજબ સ્મશાનમાં લોખંડની સગડી વિના મૂલ્યે આપવામાં આવે છે. અબડાસા તાલુકાના અનેક ગામોના સ્મશાનમાં આવી સગડી ન હોતાં બળતણમાં લાકડાની વધુ જરૂર રહે છે. પંથકના છ ગામે આવી સગડી મેળવવા વન વિભાગને અરજી કરી છે અને સુવિધા મળે તેની રાહ જોવાઇ રહી છે. તાલુકાના સિંધોડી, કોઠારા, આરીખાણા, મોટી બેર, મોટી વરંડી, મોથાળાના સ્મશાનગૃહમાં એક-એક અને કોઠારામાં બે મળીને સાત સગડી ફાળવવા માટે વન વિભાગને છેલ્લા કેટલાક સમયથી કરાયેલી અરજી પડતર પડી છે.

આ અંગે સિંધોડીના સરપંચ ગોપાલ એમ. ગઢવીએ જણાવ્યું હતું કે, વર્ષ 2021માં ગ્રામ પંચાયત દ્વારા અરજી કરાઇ છે પણ હજુ સુધી સગડી મળી નથી પરિણામે અંતિમ સંસ્કારમાં લાકડાની ખપત વધુ રહે છે અને અગવડ પણ અનુભવાય છે. લાકડા વધુ બળતાં હોવાથી સરવાળે પર્યાવરણને નુક્સાન થાય છે તેમ તેમણે ઉમેર્યું હતું.સામાજિક વનીકરણના આરએફઓ બી. એન. દેસાઇને આ બાબતે પૂછતાં તેમણે કહ્યું હતું કે, સગડીની મંજૂરી ઉપલી કક્ષાએથી આવે છે અને લક્ષ્યાંક તેમજ અગ્રતા પ્રમાણે ગ્રામ પંચાયતને આપવામાં આવે છે. વન વિભાગની યોજના મુજબ સ્મશાનમાં વનીકરણ અને વન કુટિર પણ બનાવી દેવાય છે તેમ ઉમેર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી દ્વારા પણ સ્મશાનના કામ માટે ગ્રામ પંચાયત અને પાલિકાને એક હજાર રૂપિયાની યોજનાકીય સહાય આપવામાં આવે છેગેસ આધારિત કે ઇલેક્ટ્રિક સ્મશાનગૃહ હોય તેવા શહેરોમાં લાકડાની જરૂર રહેતી નથી. કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં અગ્નિદાહ માટે છાણાનો ઉપયોગ કરાય છે પણ તેની મોટા જથ્થામાં ખપત રહે છે. લાકડા સાથે અગ્નિસંસ્કાર કરાતો હોય તેવા સ્મશાનમાં વિના મૂલ્યે સગડી આપવા વન વિભાગ દ્વારા અમલી બનાવાયેલી યોજના સરાહનીય છે પણ કચ્છના અનેક ગામો તેના લાભથી વંચિત છે.

અન્ય સમાચારો પણ છે...