બાળકોના આરોગ્ય સાથે ચેડાં:નલિયાના છાત્રાલયમાં 5 છાત્રાને ખોરાકી ઝેરની અસર

નલિયા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સવારે નાસ્તો કર્યા બાદ તબિયત લથડતાં આરોગ્ય કેન્દ્રમાં ખસેડાઇ

અબડાસાના મુખ્ય મથક નલિયામાં કસ્તુરબા ગાંધી બાલિકા છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતી 5 વિદ્યાર્થિનીને સવારનો નાસ્તો લીધા બાદ ખોરાકી ઝેરની અસર થતાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાઇ હતી. બનાવના પગલે તાલુકાનો શિક્ષણ વિભાગ દોડતો થયો હતો અને ઢાંક પિછોડો કરવાના પ્રયાસો કરાયા હતા. સવારે છાત્રાલયમાં નાસ્તો-દૂધ લઇને બાજુમાં જ આવેલી મોડેલ સ્કૂલમાં અભ્યાસ માટે ગયેલી 5 છાત્રાએ ચક્કર આવવા સાથે પેટમાં ગરબડ હોવાની ફરિયાદ કરતાં તાત્કાલિક 108 એમ્બ્યૂલન્સને બોલાવી નગરના આરોગ્ય કેન્દ્રમાં લઇ જવાઇ હતી.

ફરજ પરના તબીબ ડો. દુરેલાએ જણાવ્યું હતું કે, સવારના 10.30ના અરસામાં પાંચ દીકરીને લાવવામાં આવી હતી. દુષિત ખોરાક, પાણી કે દૂધ પીવાના કારણે અથવા તો તેમણે સવારે નાસ્તમાં લીધેલા દાળિયા કે સિંગદાણાને કારણે ખોરાકી ઝેરની અસર હોઇ શકે. તમામ વિદ્યાર્થિનીને પ્રાથમિક સારવાર આપીને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઇ હતી તેમ તેમણે ઉમેર્યું હતું.

બીઆરસી કો-ઓર્ડિનેટરે કર્યો લૂલો બચાવ
સવારે નાસ્તો લીધા બાદ છાત્રાઓની તબિયત બગડવાનું કારણ પૂછતાં તાલુકા બીઆરસી કો-ઓર્ડિનેટર લખધિરસિંહ જાડેજાએ લૂલો બચાવ કરતાં ગરમીના કારણે છોકરીઓ બીમાર પડી હોવાની સંભાવના દર્શાવી હતી. બનાવ સવારે બન્યો હોવાથી ગરમીની અસર કેવી રીતે હોય તે વાત ગળે ઉતરે તેમ નથી.

મુન્દ્રાની શારદા મંદિર શાળામાં કાંકરા-કીડા વાળો ખોરાક પીરસાતાં વાલીઓનો હોબાળો

આંગણવાડી કેન્દ્રોમાં લોલમલોલ, અનાજની ગુણવતા જળવાતી ન હોવાની રાવ
મુન્દ્રા તાલુકાના આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને આપવામાં આવતા અનાજની ગુણવતા જળવાતી ન હોવાની અસંખ્ય ફરિયાદો વચ્ચે શારદા મંદિર શાળામાં નાના ભૂલકાંઓ ને પીરસવા માટે વપરાશમાં લેવાયેલા અનાજમાં કીડા અને કાંકરા નજર આવતા હોબાળો મચી ગયો હતો

.એક તબક્કે શાળામાં એકત્રિત થયેલા વાલીઓએ સંચાલકોને ઠપકો આપ્યા બાદ સમાધાનકારી વલણ અપનાવતાં સમગ્ર મામલો દબાઈ ગયો હતો. ભીડભંજન મહાદેવ રોડ પર પીજીવીસીએલ કચેરી નજીક આવેલી કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત શારદા મંદિર પ્રાથમિક શાળામા રાજ્ય સરકારની આંગણવાડી યોજના હેઠળ બાળકોના શારીરિક વિકાસ માટે પોષણક્ષમ આહાર પીરસવામ આવતો હોવાનું ઓન રેકોર્ડ દર્શાવામાં આવે છે.પરંતુ ત્યાં વિતરણ કરવામાં આવતા રાંધેલા ખોરાકમાં કીટાણું તથા કાંકરા સ્પષ્ટપણે નજર આવતાં હોવાની ફરિયાદ બાળકોએ તેમના વાલીઓ સમક્ષ કરતાં તેમનું ટોળું શાળાએ પહોંચ્યું હતું

રસોડામાં જાંચ કરતાં અનાજમાં જંતુ તથા રેતી કાંકરી નરી આંખે જોવા મળી હતી. બનાવના પગલે વાલીઓ રોષે ભરાયા હતા.ત્યારે સ્થળ પર પહોંચેલી દિવ્ય ભાસ્કરની ટીમને શાળાના આચાર્ય ચંદ્રિકાબેન પટેલે 178 બાળકો ભણતા હોવા બાબતથી માહિતગાર કરી છેલ્લા બે દિવસથી કીટાણુયુક્ત અનાજની રાવ આવતી હોવાની કબૂલાત આપી હતી.

આંગણવાડી સંચાલિકા ત્યાં હાજર ન હતા પરંતુ તેમણે રોજમદાર તરીકે રાખેલા મીનાબેન નામક મહિલા વિતરણ વ્યવસ્થા સાંભળતા હતા.તેમણે દરોજ બાળકોને ત્રણ કિલો અનાજની વાનગી પિરસવાનો આદેશ હોવાનું કહી તેમાં ફક્ત ત્રણ ચમચી તેલ નો વપરાશ કરવા જણાવાયું હોવા પર ભાર મુક્યો હતો.જયારે કતારમા ઉભેલા બાળકોએ તેમને આપવામાં આવતા ભાત અને શાકમાં છેલ્લા ઘણા સમયથી ઇયળો નીકળતી હોવાનો ખુલાસો કર્યો હતો. આમ રાજ્યસરકારની આંગણવાડી યોજના માં ચાલતા ભ્રષ્ટાચારની ફરી એક જગ્યાએ પોલ ખુલી હતી અને તંત્ર ઉંઘતું ઝડપાયું હતું.

અન્ય સમાચારો પણ છે...