વિવિધ સેવાકાર્યો:આઝાદીની પ્રથમ ચળવળમાં શહીદી વહોરનારા ખોંભડી મોટીના વિઠ્ઠલદાસને વિરાંજલી અર્પણ કરાઇ

નખત્રાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહીદની પુણ્યતિથિએ મેડિકલ કેમ્પ સહિત વિવિધ સેવાકાર્યો યોજાયા

મુંબઈમાં ખોંભડી મોટીના અમર શહીદ વીર વિઠ્ઠલદાસ ચંદન આઝાદીની પ્રથમ ચળવળમાં તા.19/5/1930ના શહાદત વ્હોરી વિરગતિ પામ્યા હતા. જેમના માટે નખત્રાણા તાલુકા રઘુવંશી સોશ્યલ ગ્રુપ દ્વારા વિરાંજલીનું આયોજન કર્યું હતું. રાજેશભાઈ પલણે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીજીના ઈ.સ.1930ના સવિનય કાનુનભંગ ચળવળમાં કાયદો તોડવાના આદેશના પગલે તા.18/5/1930ના મુંબઈ મહાસતાની રેલીમાં વીર વિઠ્ઠલદાસે આગેવાની લીધી હતી.

રેલી દરમ્યાન તેમના પર અંગ્રેજ સરકારે નિર્મમતાપૂર્વક અત્યાચાર ગુજાર્યો હતો. ગંભીર પીડાગ્રસ્ત હોવા છતાં 18 વર્ષના આ નવયુવકે આઝાદ મેદાનમાં યોજાયેલી જાહેરસભામાં ઇન્કલાબ ઝિંદાબાદના નારા સાથે પોતાના પ્રાણની આહુતિ આપવા તત્પરતા વ્યક્ત કરી હતી અને તા.19/5ના કચ્છના અંગ્રેજોના અમાનુષી લાઠીચાર્જના કારણે માત્ર 18ની વયે શહાદત વ્હોરી હતી.

તેમની સ્મશાન યાત્રા પ્રત્યેક્ષ જોનારાઓના કહેવા પ્રમાણે સ્વતંત્રતા સંગ્રામના ઈતિહાસમાં લોકમાન્ય તિલકજીની યાદ અપાવે તેવી મુંબઈમાં આ બીજી શહીદની અંતિમ યાત્રા હતી. મુંબઈ મહાનગરપાલિકાએ મસ્જીદ બંદર વળગાડી ખાતે તેમની યાદ માં વી.વી.ચંદન માર્ગનું નામકરણ કર્યું છે. શહીદ વિઠ્ઠલદાસના માદરે વતન ખોંભડી મોટી મધ્યે તેમના બેન નિર્મળાબેનના હસ્તે તેમની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું.

આ પ્રસંગે સ્મારક મધ્યે વીર વિઠ્ઠલદાસની પ્રતિમાની પૂજા તેમજ પુષ્પાંજલિ અર્પણ કરાઇ હતી. વિધિ અશ્વિનભાઈ શાસ્ત્રીએ કરી હતી. સ્વાગત પ્રવચન મનસુખભાઈ પટેલ અને દીપ પ્રાગટ્ય ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, તા.પં.ના ઉપપ્રમુખ સંધ્યાબેન પલણ, દક્ષાબેન બારું, ખોંભડીના સરપંચ ધર્મિષ્ઠાબેનબેન કાપડી, ઉપસરપંચ કાંતાબેન ભગત, દિલીપસિંહ જાડેજા, મીનાબેન પલણ, રંજનબેન પલણના હસ્તે કરાયું હતું. ખોંભડી મોટી અને નાની, રસલીયા, રામપરમાં ગાયોને લીલા ઘાસનું નીરણ અને પક્ષીઓ માટે ચકલીઘર અને પાણીના કુંડાનું વિતરણ કરાયું હતું.

આયુર્વેદિક અને હોમિયોપેથી મેડીકલ કેમ્પમાં વૈધ મનીષભાઈ ત્રિવેદી અને કિશનગીરી, ડો.શ્વેતાબેન સેલોટે 117 દર્દીઓની સારવાર કરી હતી. સંચાલન રમેશભાઈ રાજદે અને આભારવિધિ ચંદ્રકાંત સચદેએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...