આવેદન:મોસૂણાની સીમમાં પવનચક્કી નાખવા ન દેવા ગ્રામજનો એકજૂટ

નખત્રાણા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નખત્રાણાના નાયબ કલેક્ટર અને મામલતદારને આપ્યું આવેદન

નખત્રાણા પંથકમાં મોટી સંખ્યામાં ઉભી કરાયેલી પવનચક્કીઓના કારણે પર્યવારની સાથે વન્ય જીવોને નુક્સાન થવાની વ્યાપક ફરિયાદી ઉઠી છે ત્યારે તાલુકાના મોસૂણા ગામના સીમાડામાં હવે એકપણ પવનચક્કી ઉભી ન કરવા એકજૂટ થયેલા ગ્રામજનોએ નખત્રાણાના નાયબ કલેક્ટર અને મામલતદારને આવેદન પાઠવી યોગ્ય પગલાં ભરવાની માગ કરી હતી. આ અંગે કરાયેલી રજૂઆતમાં જણાવાયું હતું કે, નારાણપર રોહા અને મોસૂણા ગામના લોકો ખેતી અને પશુ પાલનના વ્યવસાય પર નિર્ભર છે તો કેટલાક છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવે છે.

મોસૂણાના સીમાડામાં રાષ્ટ્રય પક્ષી મોર તેમજ હરણ સહિતના પ્રાણીઓનું આશ્રય સ્થાન છે. દેશી બાવળ, ખોયડો, હેરમો અને ગુગળ જેવી વન્ય સંપદા ધરાવતા આ સીમ વિસ્તારમાં ભેંસ, બકરી, ઊંટ સહિતના પશુઓ ચારિયાણ કરે છે. અગાઉ ગામમાં 15થી 20 પવનચક્કીના આગમનથી હજારોની સંખ્યમાં વૃક્ષોનો સોથ વાળી નખાયો છે તેની સામે જવાબદાર કંપની દ્વારા એકપણ વૃક્ષ ઉગાડાયું નથી. નારાણપર રોહા અને મોસૂણાના સીમાડામાં અદાણી કંપની દ્વારા ફરી નવી પવનચક્કીઓ ઉભી કરાઇ રહી છે જેના કારણે વન વગડો બચશે નહી અને પશુઓ ભૂખે મરે તેમ હોવાથી માલધારીઓને હિજરત કરવાનો વારો આવશે.

અગાઉ આવેલી પવનચક્કીઓના કારણે 70થી 80 મોર મોતના મુખમાં ધકેલાયા છે. કપાયેલા વૃક્ષોની ખરાઇ કરી સંબંધિત કંપનીઓ સામે સખત પગલા ભરવા અને હવે આવનારી પવનચક્કીઓ સામે રોક લગાવવા આવેદનમાં માગ કરાઇ હતી. મોસૂણા નારાણપરના સરપંચ રામજી વીસા બડિયા, પૂર્વ સરપંચ જલા દેવરા રબારી, લાખા સાજણ રબારી, રામા હભુ રબારી, વંકા રબારી, રાણા રબારી, રવા રબારી સહિતના ગ્રામજનો રજૂઆતમાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...