નખત્રાણા તાલુકાના બેરૂથી ગોડજીપરને જોડતા માર્ગને ડાયવર્ટ કરીને નવો રસ્તો બનાવવાની પેરવી કરાઇ રહી છે તેવા આક્ષેપો સાથે ગોડજીપર ગામના લોકોએ વિરોધ વ્યક્ત કરીને જો નવો માર્ગ બનશે તો ગાંધી ચીંધ્યા માર્ગે જવાની ચીમકી ઉચ્ચારી છે.
ગ્રામજનોના કહેવા મુજબ 15 વર્ષ જૂનો માર્ગ અનુકૂળ અને સરળ છે. થોડા સમય પહેલાં મેટલ પાથરીને પહોળાઇ વધારાઇ છે. આ રસ્તા પર સ્મશાન અને મોમાઇ માતાજીનું મંદિર આવેલા છે પણ ગામના સરપંચ સર્વે કરાવીને નવો માર્ગ બનાવવાની પેરવીમાં છે. પૂર્વ ઉપસરપંચ વેરશી કમા રબારીએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે, સરપંચ અંગત સ્વાર્થ ખાતર નવો માર્ગ બનાવવાની તરફેણ કરી રહ્યા છે. હાલનો રસ્તો પહોળાઇની દ્રષ્ટિએ યોગ્ય અને ગામલોકો માટે અનુકૂૃળ છે.
નવા રસ્તા માટે જમીન સંપાદનનો પ્રશ્ન ખડો થશે. માર્ગનો ફરીથી સર્વે કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે. રવા વેલા રબારી, હાજા કમા રબારી, નંગા રાણા રબારી, કાંયા વેલા રબારી, હીરા દેવા, કાંયા હીરા, મંગલ કમા રબારી સહિતનાએ ડાયર્ટ કરાયેલા માર્ગનો વિરોધ કરી જરૂર પડ્યે ગાંધી ચીંધ્યા માર્ગે જવાની ચીમકી ઉચ્ચારી હતી.
ગોડજીપર ગામના સરપંચ શંકરભાઈ લિંબાણીએ કહ્યું હતું કે નવા એસ્ટીમેટ મુજબનો રસ્તો સરળ અને સીધો છે. પૂર્વ સરપંચની દરખાસ્ત મુજબ માર્ગ ગામ લોકોની ઉપયોગીતા માટે મંજુર કરાયો છે. આ માટે લોકોને વિશ્વાસમાં લીધા જ છે. જે લોકો આક્ષેપ કરી રહ્યા છે તે પાયા વિહોણા છે તેમે ઉમેર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.