આયોજન:મહિલાઓની પરેડ સાથે નખત્રાણામાં બે દિવસીય‘સતોડિયું’ ખેલ મહોત્સવનો આરંભ

નખત્રાણા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિસરાતી જતી દેશી રમતને પુનર્જીવિત કરવાનો સ્તુત્ય પ્રયાસ
  • કડવા પાટીદાર મહિલા સંઘના રજત જયંતિ વર્ષની ઉજવણી નિમિતે કરાયું આયોજન

નાનપણમાં સતોડિયું તો ઘણા બધા રમ્યા હશે ! સાત નાના ઠીકરાં એક પર એક મૂકીને પછી બે ટીમ પાડીને દડાથી સતોડિયું તોડવાની આ વિસરાતી જતી દેશી રમતને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કચ્છ કડવા પાટીદાર સમાજની મહિલા પાંખે કર્યો છે અને તેને સુંદર પ્રતિસાદ પણ સાંપડ્યો છે.

કડવા પાટીદાર મહિલા સંઘના રજત જયંતિ વર્ષની ઉજવણી નિમિતે પશ્ચિમ કચ્છ ઝોન મહિલા સમાજ દ્વારા પાટીદાર વિદ્યાર્થી ભવન નખત્રાણા ખાતે બુધવારથી બે દિવસના ‘સતોડિયું’ ખેલ મહોત્સવનો આરંભ થયો હતો. ભારતભરમાંથી આવેલી 20 સતોડિયા મહિલા ટીમની રંગારંભ પરેડ બાદ મહિલા સંઘના હોદેદારો અને સમાજના અગ્રણીઓએ મહોત્સવને ખુલ્લો મૂક્યો હતો.

કોમ્પ્યુટર અને મોબાઇલના આજના આધુનિક યુગમાં દેશી રમતો વિસરાઇ રહી છે. સતોડીયું, ગિલ્લી દંડા જેવી રમતો તો લગભગ લુપ્ત થઇ ગઇ છે, ત્યારે કચ્છ કડવા પાટીદાર મહિલા સંઘે એક સમયે આપણી ઓળખ બની રહેલી આવી દેશી રમતોને પુનર્જીવિત કરવાનું બીડું ઝપડી, આજના યુવાન યુવતીઓને તે રમતો તરફ દોરવા માટેના સક્રિય પ્રયાસો હાથ ધરી એક ઉમદા પહેલ કરી છે.

ઉદઘાટન મહોત્સવમાં મહિલા સંઘના પ્રમુખ જશોદાબેન નાકરાણી, મહામંત્રી રમીલાબેન રવાણી, મંત્રી અનુરાધાબેન સેંઘાણી,ઉર્મિલાબેન ડાયાણી, ઉપપ્રમુખ ગંગાબેન રામાણી, કેન્દ્રીય સમાજના મહામંત્રી પુરસોતમ ભગત, ઉપપ્રમુખ રાજેશભાઇ દિવાણી, મંત્રી વિનોદ ભગત, પ્રવિણભાઇ ધનાણી, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન જયાબેન ચોપડા, ઝોન પ્રમુખ રતનશીભાઇ ભીમાણી, ડો. શાંતિલાલ સેંઘાણી, ઉમિયા માતાજી વાંઢાય સંસ્થાના મંત્રી બાબુભાઇ ચોપડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શાંતિલાલ નાકરાણી અને નયનાબેન પોકારે કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, વડોદરામાં ગયા મહિને ‘સતોડીયું’ની રાષ્ટ્રીય સ્પર્ધાનું પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં 20 રાજ્યોની 34 ટીમોએ ભાગ લીધો હતો. આઇપીએલની જેમ પીપીએલ જેવી મોટી લીગ યોજવા ફેડરેશન વિચારણા કરી રહ્યું હોવાની માહિતી પણ પીટ્ટુ (સતોડીયું) ફેડરેશન ઓફ ગુજરાતના પ્રમુખ ગોપી તલાટીએ જણાવ્યું હતું.

ગુજરાત બહારની ટીમો પણ ભાગ લેવા આવી
સતોડીયા ખેલ મહોત્સવમાં કચ્છ અને સાબરકાંઠા ઉપરાંત છેક ગોવા, મુંબઇ, ઇન્દોર અને જલગાંવથી પણ મહિલા ખેલાડીઓની ટીમ આવી છે. આ રમત નિહાળવા માટે જ્ઞાતિની મહિલાઓ અને સભ્યો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ‘સતોડિયું’ જોઇને ઘણા લોકોને પોતે બાળપણમાં રમેલી આવી રમતો યાદ આવી ગઇ હતી અને તેના સંસ્મરણો વગોળ્યા હતા ! આજના વિડીયોગેમ પ્રેમી બાળકોમાં ગીલ્લી દંડા, ભમરડા, ઉભી ખો, લંગડી જેવી રમતો સાવ વિલુપ્ત થયેલી જોવા મળે છે તેને પુન:જીવિત કરવાની જરૂર છે.

વડાપ્રધાને સતોડિયુંનો ઉલ્લેખ મનકી બાતમાં કર્યો હતો
સતોડીયાની આ રમતનો ઉલ્લેખ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા થોડા સમય પહેલાં તેમના ‘મન કી બાત’ કાર્યક્રમમાં પણ કરવામાં આવ્યો હતો, જે બાદ આ રમત માટેના રાષ્ટ્રીય કક્ષાના ફેડરેશન દ્વારા આ દેશી રમત સાથે વધુમાં વધુ યુવાનોને જોડવા માટે પ્રયાસો કરી આ રમતને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ આપવાના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...