મન્ડે પોઝિટિવ:નખત્રાણા માર્ગ-મકાન વિભાગ(પંચાયત)ની કચેરીમાં ‘વહીવટ’ કે ભલામણ વગર અરજદારોના કામ થઇ જાય છે ફટાફટ !

નખત્રાણા3 મહિનો પહેલાલેખક: સી.કે. પટેલ
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • લોકો સરકારી ઓફિસોના ધક્કા ખાઇ-ખાઇને થાકી જતા હોય છે ત્યારે...
  • ખાનગી મકાનોના નકશાની તાંત્રિક ચકાસણી પણ હોંશેહોંશે કરી આપે છે !: સાચું કામ હોય તો ટેબલ ઉપર 24 કલાકથી વધારે સમય ફાઇલ રહેતી નથી

માનવામાં ન આવે તેવી હકીકત છે પણ આજકાલ નખત્રાણા તાલુકાની પ્રજાને સરકારી વહીવટ અંગે તાજુબ્બી થઇ રહી છે કે શું એક સરકારી કચેરીનો અરજદારો સાથેનો વ્યવહાર આટલો બધો સારો હોઇ શકે ?સામાન્ય રીતે પ્રજા પોતાના કાયદેસરના કામ માટે પણ સરકારી કચેરીના ઠેબા ખાઇ ખાઇને થાકી જાય તેવો માહોલ પ્રવર્તી રહ્યો છે ત્યારે કોઇપણ પ્રકારના વહેવાર કે ભલામણ વગર ઝડપથી થઇ રહેલા કામ જોઇ અરજદારો સાનંદાશ્ચર્ય અનુભવી રહ્યા છે.

લોકોના અચંબા વચ્ચે આવા કામ રૂટીન વર્ક ઝડપથી પતે છે
વાત નખત્રાણામાં આવેલી પંચાયત માર્ગ-મકાન પેટા વિભાગ(પંચાયત)ની નાયબ કાર્યપાલક ઇજનેર કચેરીની છે. ગ્રામ્ય વિસ્તારોમાં બાંધકામ મંજૂરી માટેના સરકારના નવા નિયમ મુજબ બાંધકામ મંજૂરીમાં નકશાની તાંત્રિક ચકાસણી કરવાના પ્રકરણમાં તાલુકા પંચાયત તરફથી કચેરીએ આવે છે પણ લોકોના અચંબા વચ્ચે આ કચેરીમાં આવા કામ રૂટીન વર્ક તરીકે જ ઝડપથી પતી જાય છે !

વધારાની કામગીરી પણ આ કચેરીનો સ્ટાફ હોંશે હોંશે કરે છે
આ કચેરી પાસે પંચાયતના માર્ગ-મકાનના ઘણા કામો અને આનુસંગિક કામનું ભારણ પણ ખુબ મોટું છે છતાં ખાનગી મકાનોના નકશાની તાંત્રિક ચકાસણી કરવાની વધારાની કામગીરી પણ આ કચેરીનો સ્ટાફ હોંશે હોંશે કરી રહ્યો છે. કચેરીના નાયબ કાર્યપાલક ઇજનેર એમ.એ. ટોપીવાળાથી માંડી નીચેનો સ્ટાફ પણ એટલો જ ઉત્સાહી છે. ટોપીવાળાની ટેબલ પર 24 કલાકથી વધારે સમય ફાઇલ રહેતી નથી ! શરત માત્ર એટલી જ કે કામ સાચું હોવું જોઇએ.

કર્મયોગી સેવકોના એકલ-દોકલ કિસ્સા પ્રજાની આંતરડી ઠારે છે
આજે જ્યારે સમગ્ર સરકારી તંત્રમાં ચોતરફ અરજદારોને ધક્કા ખવડાવવાની વૃત્તિ અને વહીવટ કર્યા વગર ફાઇલ આગળ ન ધપાવવાની માનસિકતા ફેલાયેલી છે ત્યારે રણમાં મીઠી વીરડી જેવો આ કિસ્સો સાવ તળીયે ગયેલી સરકારી વહીવટની પ્રતિષ્ઠા બચાવવા માટે નમૂનારૂપ છે ! સરકારી તંત્રમાં આવા કર્મયોગી સેવકોના એકલ-દોકલ કિસ્સા પણ પ્રજાની આંતરડી ઠારી રહ્યા છે.

સપનાનું ઘર બનાવનારના આશીર્વાદથી મોટું પુણ્ય શું હોય ?!
મેં મારા સ્ટાફને સ્પષ્ટ કહી દીધું છે કે, લોકો પોતાની હયાતીમાં માંડ એકવાર ઘર કે મકાન બનાવતા હોય છે ત્યારે તેમનું કામ ઝડપથી પુરૂં કરી તેમના આશીર્વાદ મેળવવાથી મોટું પુણ્યનું કામ બીજું કંઇ જ નથી. - એમ.એ. ટોપીવાલા, ના.કા.ઇ. પંચાયત માર્ગ અને મકાન પે.વિ. નખત્રાણા

બધાના કામ રૂટીનમાં જ સરળતાથી પતી જાય છે
અમારે ઘણી વખત પ્રજાના અટવાયેલા કામ માટે સરકારી કચેરીઓમાં ભલામણના ફોન કરવા પડતા હોય છે પણ નખત્રાણાની ના.કા.ઇ. (પંચાયત)ની કચેરીને આવો ફોન કરવાની ક્યારેય જરૂર પડતી નથી !બધા લોકોના કામ રૂટીનમાં જ સરળતાથી અને ઝડપથી પતી જાય છે. - દિલીપભાઇ નરસિંગાણી- પ્રમુખ, નખત્રાણા તાલુકા ભાજપ

અન્ય સમાચારો પણ છે...