કચ્છની સંવેદનશીલ સરહદે કોટેશ્વરથી જખૌ સુધીની દરિયાઇ પટ્ટીમાં સુરક્ષા એજન્સીઓને લાંબા સમયથી બિનવારસુ હાલતમાં મળી રહેલા કેફી દ્રવ્યોના પેકેટોએ આશ્ચર્ય તો સર્જયું છે પણ સુરક્ષાની દ્રષ્ટીએ આ વિસ્તાર વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે ત્યારે સરકારે આ દરિયાઇ પટ્ટીની સુરક્ષા માટે ગંભીર પગલાં ભરવાની જરૂર છે.
કચ્છની દરિયાઇ અને જમીન સરહદના વ્યુહાત્મક મહત્વને ધ્યાનમાં લઇને જ સરહદી લખપત-અબડાસા તાલુકામાં નારાયણ સરોવર, વાયોર,કોઠારા,જખૌ અને નરા પોલીસ સ્ટેશન ખાસ સરહદી સુરક્ષા માટે શરૂ કરવામાં આવેલ છે.
આ વિસ્તારમાં બીજા કોઇ મોટા ક્રાઇમ નથી ત્યારે આ પોલીસ સ્ટેશનના સ્ટાફને સંવેદનશીલ સીમા વિસ્તારની દેખરેખની વિશેષ તાલીમ આપવાની જરૂર છે. પણ થાય છે એવું કે, મોટા ભાગના પોલીસ કર્મચારીઓને સજા માટે આ સેન્ટર પર મોકલવામાં આવતા હોવાનું કહેવાય છે.
સુરક્ષા એજન્સીઓને જ કેફીદ્રવ્યના પેકેટ મળી આવે છ, સ્થાનિકોને કેમ મળતા નથી ? તે પણ સવાલ છે અગાઉ સ્થાનિકને મળેલુ ડ્રગ્સનું પેકેટ પોલીસને સોંપવાના બદલે તેનું વેચાણ કરી આર્થિક ફાયદો રળવાનો પ્રયાસ કરનાર શખ્સ દબોચાઈ ગયો હતો જે પણ હકીકત છે.
દરિયામાં ગયેલો સામાન 15 થી 20 દિવસમાં પરત આવે
કચ્છની સીમાને લગતા અરબી સમુદ્રમાં ખુલ્લા દરિયામાં કોઇ વાહન તૂટી જાય તો તેનો માલ-સામાન 15-20 દિવસ બાદ તણાતો-તણાતો પીપરથી છછી સુધીના દરિયાકાંઠે આવે છે આ વિસ્તારની ભૌગોલિક રચના અને પવનની દિશાને કારણે આવું બનતું હોવાનું સ્થાનિકના અનુભવી માછીમારોનું કહેવું છે.
ઘૂસણખોરો કે દાણચોરોને આવવું સામાન્ય બાબત
જખૌમાં માછીમારીની સીઝનમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રમાંથી પણ મોટી સંખ્યામાં બારાતુ માછીમારો આવે છે તો વાયોર વિસ્તારમાં મહાકાય સીમેન્ટ કંપનીઓને કારણે રાત-દિવસ સરહદી પટ્ટીમાં વાહનવ્યવહાર ચાલુ હોય છે આમાં ગમે તે સ્વાંગમાં ઘૂસણખોરો કે દાણચોરો આસાનીથી પોતાનું કામ પાર પાડી શકે છે.
એક સમય એવો હતો કે,અજાણ્યા શખ્સની હિલચાલ પણ લોકોની નજરે આવી જતી, આજે....
વિશાળ વિસ્તાર ધરાવતા કચ્છના દરિયા કાંઠે એક વખત ઉતરી ગયા બાદ અહીંથી ગમે ત્યાં આસાનીથી પહોંચી શકાય છે એક સમય એવો હતો, લખપત-અબડાસાના દરિયાઇ વિસ્તારમાં સાંજ પછી કોઇ અજાણ્યો શખ્સ કે વાહન નીકળતું તો તરત જ દરેકના ધ્યાનમાં આવી જતું પણ આ વિસ્તારમાં રાત-દિવસ ચાલતી ઔદ્યોગિક પ્રવૃતિ અને વાહનવ્યવહારને કારણે અજાણ્યા શંકાસ્પદ લોકોની ઓળખ હવે મુશ્કેલ બની ગઇ છે.
કાળા કાચ વાળા વાહનોની અવરજવર વધી ગઇ
કચ્છના સરહદી વિસ્તારોમાં ખાનગી વાહનોમાં કાળા રંગના કાચ લગાવવાનું પ્રમાણ આજકાલ શંકાસ્પદ રીતે વધી ગયેલું જોવા મળે છે તે અંગે ગુપ્તચર તંત્રે ઉડી તપાસ કરી આવા વાહનચાલકો સામે ધોંસ બોલાવવી જરૂરી છે. ગાડીમાં કાળા કાચ લગાવવા એ ગુન્હો બનતો હોવા છતાં સરહદી વિસ્તારમાં પોલીસ તંત્ર આવી પ્રવૃતિઓ કેમ ચાલવા દે છે તે મોટો પ્રશ્ન છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.