ફરિયાદ:નખત્રાણા તાલુકા પંચાયત પ્રમુખને હવે TDO ગાંઠતા નથી!

નખત્રાણા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુજલામ સુફલામ અને મનરેગાના કામોમાં ભ્રષ્ટાચારનો અાક્ષેપ: પ્રિ-મોન્સુન કામગીરી, પાણી, રસ્તા સહિતના મુદ્દા ચર્ચાયા
  • ​​​​​​​સંકલનની બેઠકમાં અગાઉ પોલીસ બાદ હવે અધિકારી માહિતી ન આપતા હોવાની કરી ફરિયાદ

નખત્રાણામાં મળેલી સંકલન સમિતિની બેઠકમાં પ્રિ-મોન્સુન કામગીરી, પાણી, રસ્તા સહિતના મુદ્દાઅો ચર્ચાયા હતા. તો વળી તાલુકા પંચાયત પ્રમુખે અગાઉની સંકલન બેઠકમાં પોલીસ અને હવે ટીડીઅો માહિતી અાપતા ન હોવાનો તેમજ મનરેગા તથા સુજલામ સુફલામની યોજનાની કામગીરીમાં ભ્રષ્ટાચારનો અાક્ષેપ કર્યો હતો.

ઇન્ચાર્જ નાયબ કલેક્ટર ભરતકુમાર દરજીના અધ્યક્ષસ્થાને મળેલી સંકલન સમિતિની બેઠકમાં કોટડા-બિબ્બરના રોડના કામમાં ગતિ લાવવા, મથલ ડેમના કાચા રસ્તાની મરંમત, બેરૂ-સાંગનારા માર્ગે પડી ગયેલા વીજ પોલ દુર કરવા તેમજ સરકારની વિવિધ સહાય યોજનાઅોનો વધુમાં વધુ લોકો લાભ લે તે માટે પ્રચાર-પ્રસાર કરવા અધ્યક્ષે સૂચન કર્યું હતું. અા તકે તાલુકા પંચાયત પ્રમુખ જયસુખ પટેલે વર્ષ 2020-21માં થયેલા મનરેગાના કરોડો રૂપિયાના કામોની માહિતી અવાર-નવાર માંગવા છતાં ટીડીઅો દ્વારા અપાતી નથી અને મનરેગા તેમજ સુજલામ સુફલામ યોજનાના કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર અાચરાયો હોવાનો અાક્ષેપ તેમણે કર્યો હતો.

તેમણે નખત્રાણા-ભુજ હાઇવે પરના ટોલબુથ દ્વારા નિયમ મુજબના સ્પીડબ્રેકરની ડિઝાઇન બનાવવા, ફુલાય ગેસ્ટહાઉસમાં પંચાયત દ્વારા પાણી અપાતું ન હોવાનું જણાવ્યું હતું. તાલુકા પ્રમુખ પટેલે અગાઉની સંકલન બેઠકમાં પોલીસ દ્વારા માહિતી અપાતી ન હોવાનું જણાવ્યું હતું. બેઠકમાં મામલતદાર બી.જે. દરજી, નાયબ મામલતદાર રાકેશ પટેલ, ટીડીઅો વિનોદ જોષી સહિતનાઅો હાજર રહ્યા હતા.

વાલ્કામાં પાણીચોરીનો પ્રશ્ન હજુ પણ ન ઉકેલાયો
અેટીવીટીના સભ્ય રવિ ગરવાઅે કહ્યું હતું કે, ગત સંકલનમાં વાલ્કાનો પાણી ચોરીનો પ્રશ્ન ચર્ચાયો હતો, પરંતુ અાજદિન સુધીનો તેનો કોઇ ઉકેલ અાવ્યો નથી. અા વિસ્તારની ફેકટરીઅોને ગેરકાયદે પાણી કનેક્શન અપાય છે, તેમ છતાં કોઇ પગલા ન ભરાતાં સ્થાનિક અધિકારીઅોની મીલીભગતનો તેમણે અાક્ષેપ કર્યો હતો. વધુમાં 2017માં તાલુકાના જે લાભાર્થીઅોના મફત પ્લોટ મંજૂર થયા છે તેમને અાજદિન સુધી સનદ અપાઇ નથી, જેમાં મથલના 9 લાભાર્થીઅોનો સમાવેશ થાય છે.

સામૂહિક અારોગ્ય કેન્દ્રમાં પીવાના પાણીની સમસ્યા
નખત્રાણાના સામૂહિક અારોગ્ય કેન્દ્રમાં પીવાનું પાણી અાવતું ન હોઇ તબીબો, દર્દીઅો મુશ્કેલીમાં મૂકાયા છે. અા મામલે ગ્રામપંચાયત દાદ અાપતી નથી. પંચાયતના ઉપસરપંચ ખુદ રોગી કલ્યાણ સમિતિના સભ્ય છે છતાં પણ પીવાના પાણીની સમસ્યા ઉકેલાઇ નથી અને છેલ્લા દોઢેક વર્ષથી રોગી કલ્યાણ સમિતિની બેઠક ન મળી હોવાનો અાક્ષેપ અેટીવીટી સભ્ય દિલીપ નરસંગાણીઅે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...