નખત્રાણા પંથકમાં ચાલુ સાલે પણ લાલ ચટક દાડમનું પુષ્કળ ઉત્પાદન થયું છે. છેક દિલ્હી, બંગાળ અને દુબઈ સુધી વેપારીઓ દાડમ પહોંચાડે છે. વર્ષમાં બે વખત માફક વાતાવરણ હોતા તાલુકાભરમાં દાડમ વિપુલ પ્રમાણમાં થાય છે. દિલ્હી, બેંગ્લોર, મહારાષ્ટ્ર તેમજ ભુજથી દાડમ ખરીદવા વેપારીઓ આવે છે. દૈનિક દસ ટન જેટલા દાડમનો વેપાર થાય છે.
આ વખતે પણ 65 હજાર ટન જેટલો માલ ઉતર્યો છે જેનું પેકિંગ કરીને નિકાસ કરાય છે.જિલ્લા બાગાયત અધિકારી એમ. એસ. પરસાણિયાના જણાવ્યા અનુસાર કચ્છમાં 19,500 હેક્ટરમાં બે લાખ ટન દાડમનું સારું ઉત્પાદન થયું છે, જેમાં નખત્રાણા અવ્વલ છે અને 5 હજાર હેક્ટરમાં 65 હજાર ટન દાડમનો ફાલ આવ્યો છે.ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં કટીંગ કરી દાડમનો ફાલ લગાવવામાં આવે છે જે ફેબ્રુઆરી મહિનામાં ઉતરે છે તેમજ માર્ચ મહિનામાં ફાલ લગાવ્યા બાદ જુલાઈ ઓગસ્ટ મહિનામાં માલ ઉતરે છે. દાડમના ગ્રેડિંગ માટે યુપી, ઝારખંડ, ઓરીસાથી મજૂરો બોલાવાય છે.
વર્ષમાં બે વખત દાડમનો ફાલ ઉતરતો હોવાથી વેપારીઓ પણ દાડમની ખેતી તરફ વળ્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી દાડમની ખેતી કરતા જીજ્ઞેશ ધોળુએ કહ્યું કે, તેમણે અરલ સીમમા 25 એકરમાં તેમજ કોટડા જડોદર ખાતે પણ વાડીમાં દાડમનો પાક લીધો હતો.
નખત્રાણાથી જાડાય તરફના વાડી માલિક નિલેશ લીંબાણીએ જણાવ્યું હતું કે, કાચો માલ ઉતારી રાખીએ છીએ અને વેપારીઓ પેકિંગ કરી બેંગ્લોર, ચેન્નઈ, કોઈમ્બતુર, મદુરાઈ, પટના, કાઠમંડુ, કેરાલા અને વિદેશમાં છેક દુબઈ સુધી દાડમ લઈ જાય છે. પાક લેવામાં ખાસ તકેદારી રાખવી પડે છે. વધુ તાપ થાય કે ઝાકળ હોય તો ફૂલ ખરી પડે છે જેના રક્ષણ માટે વૃક્ષ પર વોટર પ્રુફ થેલીઓ ઓઢડવી પડે છે. આ ઉપરાંત માવઠા અને વરસાદનું જોખમ પણ ઝળુંબતું રહે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.