લમ્પીવાયરસનો પગપેસારો:ગાયોમાં દૂધ ઉત્પાદન અડધું થયું, દૂધની ફેરી કરતા ફેરિયાઓ ઘટયા, ડેરીઓમાં પણ દૂધ ઓછું આવતા વિતરકો મુશ્કેલીમાં મુકાયા

નખત્રાણા3 મહિનો પહેલાલેખક: લખન દેસાઈ
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કચ્છમાં છેલ્લા એક માસથી માલધારીઓની આજીવિકા પર અસર : બીમારીમાં સપડાયા બાદ ગાય દૂધ આપવાનું બંધ કરે છે
  • રોગચાળો ડામવા અસરકારક પગલાં ભરવા આવશ્યક

છેલ્લા એક મહિનાથી પશ્ચિમ કચ્છના ખાસ કરીને નખત્રાણા,લખપત અને અબડાસા પંથકમાં એક બાદ એક ગામોમાં લમ્પીવાયરસનો પગપેસારો થઈ રહ્યો છે.ગાયોમા આ રોગ ફેલાય છે અને તેની અસરકારક દવા શોધવામાં અને જરૂરિયાતના સમયે રસી આપવામાં તંત્ર સાવ વામણું પુરવાર થયું છે જેના કારણે મોટીસંખ્યામાં ગાયોના મોત થયા છે પણ સરકારી વિભાગો દ્વારા કોવિડની પરિસ્થિતિની જેમ પોતાની પોલ પાધરી ન થઈ જાય એ માટે ઢાંકપીછોડો પણ કરવામા આવી રહ્યો છે.આ વચ્ચે ગાયોના દૂધ ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થવા પામ્યો છે.

ગૌવંશમાં પણ ચેપી રોગે માજા મુકી​​​​​
કચ્છમાં સરકારી આંકડા મુજબ 20 લાખ કરતા વધારે પશુધન છે. જેમ કોરોના મહામારીએ માનવ જાતિને સંકટની પરિસ્થિતિમાં મુક્યા હતા તેવી જ રીતે છેલ્લા થોડા સમયથી ગૌવંશમાં પણ ચેપી રોગે માજા મુકી છે. તાવથી શરૂઆત થઈ શરીર પર મોટા મોટા ફોડલા ઉપસ્યા બાદ અંતે ગાયોના કરુણ મોત લમ્પી સ્કિન ડીસીઝના કારણે થઈ થયા છે.લખપત તાલુકાના કૈયારી ખાતે ગાયોમાં આ રોગે દેખાવો દીધો હતો અને જોત જોતામાં સમગ્ર કચ્છમાં તે ફેલાઈ ગયો છે.

આ રોગના કારણે ગાયોના મોતની સંખ્યામાં વધારો
શરૂઆતમાં ગાયોમાં તાવ અને અશક્તિ જેવી સ્થિતિ સર્જાઈ રહી હતી પણ ધીમે ધીમે આ રોગના કારણે ગાયોના મોતની સંખ્યામાં વધારો થવા લાગ્યો છે.ગાયોના રસીકરણ માટે રૂ. 10 લાખની ફાળવણી પણ કરાઈ હતી. પણ રોગ નવો હોવાના કારણે હજુ સુધી તેની યોગ્ય રસી શોધાઈ નથી.બીમારીના કારણે ગાયો બીમાર પડતા દૂધ આપવાનું પણ બંધ કરે છે જેથી વાછરડાને પણ દૂધ મળતું નથી.દૂધની આવકમાં 50 ટકા ઘટાડો થઈ જતા માલધારીઓની આજીવિકા પર અસર પડી છે.

ગ્રામીણ વિસ્તારોની ડેરીઓમાં દૂધ ઓછું આવવા લાગ્યું
બીમારીમાં સપડાયા બાદ ઘણી ગાયો મોતને ભેટી ગઈ છે અને જે બચી છે તે વસૂકી જાય છે જેથી આવક ઘટી ગઈ છે માંડવી વિસ્તારમાં પણ દૂધની આવકમાં ત્રણથી ચાર ગણો ઘટાડો નોંધાયો છે.ઉત્પાદન ઘટી જતાં દૂધની ફેરી કરતા ફેરિયાઓ પણ ઘટયા છે સાથે જ ગ્રામીણ વિસ્તારોની ડેરીઓમાં પણ દૂધ ઓછું આવવા લાગ્યું છે જેથી વિતરકોની રોજી પર સીધી અસર પડી છે.સરકારે ઝડપથી આ બીમારીમાંથી ગાયો બહાર આવે અને પરિસ્થિતિ પૂર્વવત થાય એ દિશામાં પગલાં ભરવા જોઈએ.

સરહદ ડેરીમાં પણ દૈનિક 60 હજારમાંથી 45 હજાર લિટર ગાયનું દૂધ જ આવે છે
સામાન્ય રીતે ઘણા માલધારીઓ ગાયનું દૂધ છૂટક પણ વેંચતા હોય છે ડેરીમાં દૈનિક અંદાજીત 3 લાખ લીટર દૂધની આવક છે જેમાં 2.40 લાખ લીટર ભેંસનું જ્યારે 60 હજાર લીટર ગાયનું દૂધ આવે છે પણ હાલની સ્થિતિમાં 15 થી 20 ટકા ઉત્પાદન ઘટી ગયું હોવાથી માત્ર 45 હજાર લીટર દૂધ જ આવી રહ્યું છે > વલમજી હુંબલ,ચેરમેન સરહદ ડેરી

દૂધની આવક બંધ થઇ જતાં સરકારે વળતર આપવું જોઈએ
ગામડાઓમાંથી ગાયના દૂધની આવક સંદતર બંધ થઈ ગઈ છે,જે વિક્રેતા અગાઉ 50 લીટર દૂધ જમા કરાવતા તેઓ હવે માન્ડ 15 થી 20 લીટર દૂધ ભરાવે છે જેથી સરકારે હવે વળતર આપવું જોઇએ > વેલાભાઈ રબારી,રામદેવ દૂધ કેન્દ્ર

ગ્રાહકને દૂધ આપવાની ના પાડવી પડે તેવી પરિસ્થિતિ સર્જાઇ છે
દરરોજ ગાયનું દૂધ લેવા માટે ઘરાક આવે છે પણ 200 લીટરના બદલે માત્ર 40 થી 50 લીટર આવક થઈ ગઈ છે.જેથી ઘરાકને પણ ના કહેવી પડે છે.દૂધની આવક ઘટી જતાં માલધારીઓને ભારે વિકટ સ્થિતિનો સામનો કરવો પડે છે > સોમાભાઈ રબારી,ખીમજ દૂધ કેન્દ્ર

અગાઉ 200 લિટર મળતંુ હવે ઘટીને 60 લિટર દૂધ ઉત્પાદન થાય છે
અમારા 5 ભાઈઓની કુલ 45 ગાયો આ બીમારીથી મોતને ભેટી છે.અગાઉ 200 થી 250 લિટર દૂધ અમે ભરાવતા પણ હવે ગાયો મૃત્યુ પામી હોઈ માંડ 60 થી 65 લિટર દૂધ આવે છે જેની સીધી અસર આજીવિકા પર થઈ છે > કાનાભાઈ રબારી, ગંગોણ

અન્ય સમાચારો પણ છે...