સવાલોની ચર્ચા:નખત્રાણા તાલુકામાં 108 કરતાં દારૂ વહેલો પહોંચે છે : સંકલનમાં પૂછાયા સળગતા પ્રશ્નો

નખત્રાણા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તળાવ, ડેમોની કેનાલની સફાઇ, રસ્તા , આંગણવાડી, બોર રિચાર્જિંગ સહિતના સવાલો ચર્ચાયા

નખત્રાણા પ્રાંત કચેરીઅે મળેલી સંકલન સમિતિની બેઠકમાં તાલુકામાં વધતા જતા દારૂના દુષણ ઉપરાંત તળાવ, ડેમોની કેનાલની સફાઇ, બોર રિચાર્જિંગ સહિતના પ્રશ્નો ચર્ચાયા હતા. પ્રાંત અધિકારી મેહુલકુમાર બરાસરાના અધ્યક્ષસ્થાને નખત્રણા તાલુકા સંકલન સહ ફરિયાદ નિવારણની બેઠક મળી હતી.

બેઠકમાં નખત્રાણા તાલુકાના ડેમો, કેનાલની સફાઈ સત્વરે કરવા, મંજુર આંગણવાડી કેન્દ્રોની કામગીરી તાકીદે પૂર્ણ કરવા, જરૂરિયાત મુજબ નવા ગામતળની દરખાસ્ત કરવા, અટલ ભુજલ યોજના હેઠળ બોર રિચાર્જિંગની કામગીરી કરવા, નખત્રાણાને મળેલા પાલિકાના દરજ્જા મુદ્દે વિવિધ સેવાઓ સત્વરે શરૂ કરવા, પાણી પુરવઠા દ્વારા મંજૂર પાઇપલાઇનના કામોમાં ઝડપ લાવવા રજૂઅાત કરાઇ હતી.

ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ અમુક ગામોમાં લો વોલ્ટેજની ભારે સમસ્યા છે, જેથી મોટા ટ્રાન્સફોર્મર મુકવા, જુના થાંભલા, જર્જરીત વાયર બદલવા, દબાણમાં રહેતા ગરીબોની લાઈટ માટેની અરજી સ્વીકારવી તેમજ દાખલા આપવામાં થતો વિલંબ નિવારવા, મજુર વિકાસકામો, કોમ્યુનિટી હોલ સત્વરે શરૂ કરવા, રોડના સાઈડના ખાડા તેમજ જાડી કટીંગની કામગીરી પૂર્ણ કરવા જણાવ્યું હતું.

તાલુકા પંચાયત પ્રમુખ જયસુખ પટેલે નખત્રણાથી ભુજ હાઇવે પર પડેલા ખાડાઓ અને બાવળોના કારણે અવારનવાર અકસ્માત સર્જાય છે માટે સત્વરે ખાડા પૂરવામાં આવે અને જાડી કટીંગ, નખત્રાણાની ટ્રાફિક સમસ્યા નિવારવા, મંજૂર 100 વાર પ્લોટની ફાળવણી માટે લેન્ડ કચેરીની મીટીંગ યોજવા, ધાવડા-વિથોણ માર્ગનું સમારકામ કરવા રજૂઅાત કરી હતી.

એટીવીટી સભ્ય રવિ ગરવાએ કહ્યું હતું કે, નખત્રાણા સહિત તાલુકામાં દારૂનું દુષણ બહુ વધી ગયું છે અને દારૂ લોકોને 108 ઇમરજન્સી સેવાથી પણ વધુ ઝડપે અને સરળતાથી મળી રહે છે. તાલુકાનો યુવાધન દારૂના ખપ્પરમાં હોમાય તે પહેલા બદી પર લગામ કરવા જણાવ્યું હતું. નખત્રણા બસ સ્ટેશનમાં બનતી 4 દુકાનો 20 ફૂટ લાંબી બને છે જે એસટી બસને અડચણરૂપ થશે.

મથલમાં 2018માં 11 પ્લોટ મફત ફાળવાયા હતા, જેની સનદ અપાઈ છે પણ કબજો હજુ સુધી મળ્યો નથી. બેઠકમાં તાલુકા પંચાયત સદસ્ય લીલાબેન મહેશ્વરી, ટીડીઅો ઠક્કર, મામલતદાર એફ.ડી. ચૌધરી, પી.આઈ. ઠુંમર, સીડીપીઓ ચૌધરી, પાણી પુરવઠા, એસ.ટી., સિંચાઇ સહિત વિવિધ વિભાગોના અધિકારીઅો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...