જીયાપરની અનોખી જીદ:ઘરો - ઘર વૃક્ષો વાવી જિલ્લામાં હરિયાળી ક્રાંતિ લાવવા માટે રાહ ચીંધી

નાના અંગિયાએક મહિનો પહેલાલેખક: બાદલ જોષી
  • કૉપી લિંક
  • ભૂકંપ બાદ અસ્તિત્વમાં આવેલા નગરમાં 1500ની માનવ વસતી સામે વૃક્ષો 3 હજાર !

હાલ કચ્છ સહિત રાજ્ય અને દેશમાં ગરમી રેકોર્ડ તોડી રહી છે. વધતી જતી ગરમીને રોકવા એકમાત્ર માર્ગ વૃક્ષો છે. નખત્રાણા તાલુકાના ખોબા જેવડા જીયાપર ગામે અનોખી મુહિમ શરૂ કરી છે. અહીં ઘર - ઘર વૃક્ષ તેમજ શેરીએ શેરીએ વૃક્ષો વાવીને તેમનું જતન કરીને સમગ્ર જિલ્લાને નવી રાહ ચીંધી છે.

વિસ્તારને હરિયાળું બનાવવા મનોમન સંકલ્પ
આજ થી બે દાયકા અગાઉ ધરતીકંપ બાદ બી.એ.પી.એસ.સંસ્થાના પ્રયાસો દ્વારા જીયાપર (નારાયણ નગર) અસ્તિત્વમાં આવ્યું. અને તે સમયે જ આ સમગ્ર વિસ્તારને હરિયાળું અને નંદનવન બનાવવાનું મનોમન સંકલ્પ લેવામાં આવ્યો હતો. માત્ર 1500 જેટલી જ માનવવસ્તી ધરાવતા આ વિસ્તારમાં લીમડા તેમજ અન્ય વૃક્ષો મળીને માનવ વસ્તી કરતા પણ ડબલ એટલે કે 3000 થી પણ વધારે વૃક્ષો વાવીને તેનું જતન કરવામાં આવ્યું છે.

વન વિભાગ વૃક્ષોનું જતન કરવા પ્રયાસો કરે છે
જેના પગલે આ સમગ્ર વિસ્તારમાં હાલ ઘટાદાર વૃક્ષો લહેરાઈ રહ્યા છે. દરેક ઘરના આંગણે, શેરીએ વૃક્ષોની લાંબી હારમાળા જોવા મળી રહી છે. સૂર્યની પ્રખર ગરમી વચ્ચે પણ આ વિસ્તારમાં ઠંડક રહેતી હોવાથી સરેરાશ તાપમાન નીચું રહે છે. જેથી ગરમીની ખાસ અસર થતી નથી. વન વિભાગ દ્વારા વૃક્ષો વાવીને તેમનું જતન કરવા માટે દર વર્ષે પ્રયાસો કરવામાં આવે છે. પણ કોઈ એક આખા ગામના સહિયારા પ્રયાસોથી વૃક્ષોનું જતન કરતું હોય તેવા જૂજ કિસ્સાઓ જોવા મળે છે.

સહિયારા પ્રયાસોના ગામ વનરાજીથી લહેરાઈ રહ્યું છે : સામાજિક અગ્રણી
જીયાપરના સામાજિક અગ્રણી બાબુભાઈ ચોપરાએ જણાવ્યું હતું કે, વૃક્ષોનું જતન અને માવજત માટે ગામના સહિયારા પ્રયાસોના કારણે જીયાપર ગામ કુદરતી સૌંદર્યથી અને વનરાજીથી લહેરાઈ રહ્યું છે. વૃક્ષો પ્રત્યે લોક જાગૃતિ ફેલાય અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને પોતાની નૈતિક ફરજ સમજીને જો આવા કાર્યની ઝુંબેશ હાથ ધરવામાં આવે તો જ સફળતા મળી શકે.

અન્ય સમાચારો પણ છે...