સૈદ્ધાંતિક મંજૂરી:આખરે નખત્રાણાને મળ્યો કચ્છની આઠમી નગર પાલિકાનો દરજ્જો

નખત્રાણા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચ્છના પ્રભારી મંત્રીએ નખત્રાણા ખાતેના કાર્યક્રમમાં કરી જાહેરાત

કચ્છ જિલ્લાની મોટામાં મોટી નખત્રાણા ગ્રામ પંચાયતને કચ્છની આઠમી નગરપાલિકાનો દરજ્જો આપવાની સૈદ્ધાંતિક મંજૂરીની જાહેરાત રાજ્યના પ્રભારી મંત્રી કીર્તિસિંહ વાઘેલાએ નખત્રાણા ખાતે કરતાં કાર્યક્રમમાં ઉપસ્થિત વેપારી અગ્રણીઓ, વિવિધ સંસ્થાઓ તેમજ નગરજનો ખુશી સાથે વધાવી લીધી હતી.

ગામના વિકાસમાં ખૂટતી કડીઓની નગરપાલિકા ના દરજજાથી પૂર્તતા થવાની સાથે નગરનો વિકાસ થશે. ગટર, પાણી, રસ્તા તેમજ પાયાની સવલતોના પ્રશ્નો પણ ઉકેલાશે એવું પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું. ટૂંક સમયમાં નખત્રાણા બાયપાસ નો મુદ્દો પણ ઉકેલી આપવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું. જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઇ પટેલે કહ્યું હતું કે, ભાજપ સરકારે આપેલો કોલ હવે પૂર્ણ થયો છે. અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા પોતાના પાંચ પ્રશ્નો લઈને કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા જે તે સમયે ભાજપ સરકાર દ્વારા પાંચ પ્રશ્નો પુરા કરવાની ખાતરી મળી હતી

જેમાંથી એપીએમસી, કોલેજને સરકારી ગ્રાન્ટ તેમજ હવે નગરપાલિકાનો મુદ્દો પણ ઉકેલાઈ જતા ધારાસભ્યે સરકારનો આભાર માન્યો હતો. દરમિયાન ગુજરાત સરકારના નિર્ણયને આવકારતા સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે નખત્રાણા તાલુકાનો વિસ્તાર ખુબજ મોટો છે, લખપત અને અબડાસા તાલુકાનાં ઘણા બધા ગામડાઓનું ખરીદી કેન્દ્ર છે, નગરપાલિકાનો દરજ્જો મળે તે માટે મારા તરફથી પણ રજૂઆતો કરવામાં આવી હતી જે પૂર્ણ થતાં રાજ્ય સરકારનો આભાર માનું છું

આ પ્રસંગે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મુકેશ ચંદે, જિલ્લા પંચાયત સદસ્ય જયાબેન ચોપડા, નયનાબેન પટેલ, રાજેન્દ્રસિંહ જાડેજા, કરસનજી જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ જયસુખ પટેલ, ઉપપ્રમુખ સંધ્યાબેન પલણ, દિલીપ નરસિંગાણી, હરિસિંહ રાઠોડ, ચંદનસિંહ રાઠોડ, રવિ ગરવા, વેલાભાઈ રબારી, લાખાભાઈ રબારી, કરણભાઈ રબારી તેમજ વિવિધ સમાજો અને સમિતિના પ્રમુખો, સરપંચ સંગઠન, ચેમ્બર ઓફ કોમર્સ, વેપારી મંડળ, ગ્રામ વિકાસ મંડળ, મહિલા મંડળ સહિતની ટીમો હાજર રહી હતી.

વિવિધ માળખાકીય સુવિધાઓ મળશે
નખત્રાણાને સુધરાઇનો દરજ્જો મળતા જે ગ્રામ પંચાયતના સમય દરમિયાન નથી થયું તે આગામી સમયમાં થશે વેપારીઓના પ્રશ્નો ઉકેલાશે તો બજારો સુશોભિત બનશે. વિવિધ માળખાકીય સુવિધા ઉપલબ્ધ થશે, કામો ત્વરિત થશે નખત્રાણા માટે આગામી સમય સુવર્ણ કાળ હશે હશે અને ખરા અર્થમાં બારડોલી બનશે તેમ વેપારી અગ્રણી હેમેન્દ્ર કંસારાએ કહ્યું હતું. હવે ગામ નગર મટી શહેર બનશે અને સોળે કળાએ વિકાસ થશે તેવો પ્રતિભાવ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બાબુલાલ ધાનાણીએ આપ્યો હતો.

નગર માટે સુવર્ણ દિવસ ઉગ્યો
નખત્રાણા માટે નગરપાલિકાની મંજૂરી એ સુવર્ણ દિવસ ઉગ્યો હોવાનું ગણાય. સુધરાઇ બનવાથી અનેક ખૂટતી કડી ઉકેલાઈ જશે. વર્ષોની માંગ સંતોષાઇ છે ત્યારે હવે ગટર, પાણી, રસ્તા જેવી પાયાની સવલતો અને તેને લગતી સમસ્યાઓ ઉકેલાશે ગ્રાન્ટો આવતી થશે નગર નગર મટી શહેરી વિકાસ તરફ દોટ મુકશે. તે ગ્રામ વિકાસ મંડળના ટ્રસ્ટી લાલજી રામાણીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...