ભારતીય કિસાન સંઘના નેતૃત્વમાં તા. 19/12ના દેશભરના 550 જેટલા જિલ્લાના ખેડૂતો તેમની વિવિધ માગણીઓ માટે દિલ્હીના રામલીલા મેદાનમાં ‘કિસાન ગર્જના રેલી’માં ઉમટશે તેમાં સરહદી કચ્છ જિલ્લાના કિસાનો પણ ભાગ લેશે. ખર્ચ આધારિત પાકના લાભકારી ભાવ આપવા, કૃષિ ઇન્પૂટ્સ પર જીએસટી નાબૂદ કરવા, પીએમ કિસાન નિધિની રકમ વધારવા અને સિંચાઇનું પાણી દરેક ખેતર સુધી પહોંચાડવાની મુખ્ય માગણી સાથે આ રેલી યોજાશે. ભારતીય કિસાન સંઘના જિલ્લા પ્રમુખ શિવજી બરાડિયાએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં કહ્યું હતું કે, પાકની વધતી જતી ઉપ્તાદન કિંમત અને ખર્ચ કરતાં ઓછા પાકના વેચાણને કારણે ખેડૂતો પર વધતું દેવું ચિંતાનો વિષય છે.
ભારતીય કિસાન સંઘ ખેડૂતોને વળતર આધારિત ભાવ આપવા સતત પ્રયત્નશીલ છે અને સરકાર પર દબાણ લાવવા આ વિરાટ રેલીનું આયોજન કરાયું છે. કચ્છના દરેક તાલુકામાંથી કિસાનો ભાગ લે તે માટે ગ્રામ સમિતિઓ જહેમત ઉઠાવી રહી છે તેમ નખત્રાણા તાલુકા કિસાન સંઘના પ્રમુખ પ્રાણલાલ પટેલે જણાવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે કિસાનો દ્વારા અવારનવાર સરકાર સામે બાયો ચડાવવામાં આવી રહી છે. વિવિધ માંગણીઓને લઇને દિલ્હીમાં ખેડૂતો દ્વારા પ્રદર્શનો પણ કરવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.