માગ:મોસૂણામાં ગાયોમાં માતા નામના રોગચાળાથી માલધારીઓ ચિંતિત

નખત્રાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દવા અપાય તો પણ ગાય રીબાઇને મરી જતી હોવાથી મૂંઝવણ

નખત્રાણા તાલુકાના મોસૂણા ગામે ગાયોમાં માતા નામનો રોગચાળો ફેલાતાં માલધારીઓ ચિંતિત બન્યા છે. બીમારીની દવા કરાય તો ગાય રીબાઇને મરી જાય છે તેમ કહેતાં પશુ પાલકોનું કહેવું છે.

પશુ પાલન અને દૂધ ઉત્પાદન પર આધારિત ગામની 500 જેટલી ગાયને રોગે ભરડામાં લીધી છે. આ અંગે વિગતો આપતાં પૂર્વ સરપંચ લાખાભાઇ રબારી તેમજ સેવાભાઇ રબારી અને રામાભાઇ રબારીએ કહ્યું હતું કે, દૂધાળી ગાયને બીમારી લાગુ પડતાં દૂધ ઉપ્તાદનની સાથે આર્થિક ઉપાર્જન પર અવળી અસર પડી છે.

રોગ લાગુ પડતાં ગાય ખાવા-પીવાનું બંધ કરી દે છે અને ચોવીસે કલાક ઉભી જ રહે છે. એક-બે વાર પશુ ડોક્ટરને ગામમાં રૂબરૂ બોલાવી દવા કરાવી હતી પણ સારવારના કારણે રોગ વકરે છે અને છેવટે ગાય રીબાઇને મોતને ભેટે છે.

રોગના લક્ષણો વર્ણવતાં માલધારીઓએ જણાવ્યું હતું કે, તાવ આવવાની સાથે મોઢું લાલ થઇ જાય છે અને બેચેન બનેલી ગાયો બેસી પણ શકતી નથી. છેલ્લા એકાદ મહિનાથી આ દશા છે ત્યારે સરકાર પશુ પાલકોને યોગ્ય સહાય પૂરી પાડે તેવી માગ ઉઠી છે.

આ અંગે પશુ ચિકિત્સક ડો. અશ્વિન પટેલનો સંપર્ક સાધતાં તેમણે ગામ લોકોએ આ અંગે જાણ નથી કરી તેમ કહેતાં સ્થાનિકે તપાસ કરાય તો હકીકતની ખબર પડે તેમ કહ્યું હતું. જો રોગચાળો ફેલાયો હોય તે માલધારીઓએ પશુ દવાખાનાનો સંપર્ક કરીને યોગ્ય સલાહ સાથે રસીકરણ સહિતના કેમ્પ માટે આયોજન કરવું જોઇએ. તેમ છતાં ગામની રૂબરૂ મુલાકાત લઇને સ્થિતિનો તાગ મેળવાશે એમ તેમણે ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...