લમ્પીથી પશુપાલકો પાયમાલ:પશ્ચિમ કચ્છના માલધારીની વસતીવાળા ગામોમાં જઇ ભાસ્કરે મેળવ્યો ચિતાર

નખત્રાણા11 દિવસ પહેલાલેખક: લખન દેસાઈ
  • કૉપી લિંક
  • ગૌવંશના ચર્મરોગે માલધારીઓના ચહેરા પર ચીતરેલી ચિંતાની લકીરો લાંબા સમય સુધી ભૂંસાય તેવી નથી

કચ્છમાં ત્રણ મહિના પહેલા ગૌવંશના ઢોરોમાં જ્યાં પહેલ વહેલો ચર્મરોગ શરૂ થયો એ નખત્રાણા આઐસપાસના પશુપાલકની મુખ્ય વસતી ધરાવતા ચાર ગામની તથા અબડાસાના નલિયા અને તાલુકાના ત્રણ ગામડાની ‘ભાસ્કરે’ મંગળવારે મુલાકાત લીધી ત્યારે ગાયોના ભાંભરડા અને માલધારીઓના હલકારાથી ધબકતા રહેતા આ ગામડાં ક્ષુબ્ધ બનેલા વર્તાયા. પશુધન સાથે સીમાડા ખુંદતા રહેતા ખડતલ માલધારીઓના કપાળ પર ચિંતાની લકીરો જોવા મળી કેમકે દુધાળા ઢોર જ તેમનું જીવન છે. ભરત પોષણ મુખ્ય આધાર છે.

નખત્રાણાનું ગંગોણ, મોસુણા, નારણપર, વ્યાર ગામ હોય કે ગુજરાતના સૌથી ઠંડા મથકની ઉપમા ધરાવતા નલિયા અને લાલા, બુડિયા, વાંકુ ગામ અહીં ગૌવંશની ખુવારી તો થઇ જ છે પણ ઢોરોના દુધનું ઉત્પાદન અને સરવાળે વેંચાણ ઘટી જતાં માલધારીઓની આવકને મોટો ફટકો પડ્યો છે. પશુપાલકોએ કહ્યું કે અમારા વિસ્તારમાં લમ્પીનું સંક્રમણ હવે ઘટ્યું છે પણ ત્રણ માસ સુધી થયેલા આક્રમણે અમારા જીવનમાં લાંબાગાળાની અસરો સર્જી છે.

નલિયા ગામ બહાર ખુલ્લામાં સડે છે મૃતદેહો
નલિયામાં 2500થી 3000 જેટલું પશુધન છે. 80 દિવસમાં સોથી સવાસો પશુના લમ્પીથી મોત થયાં. લટાર મારી ત્યારે ગામ બહાર ગૌવંશના શબ ખુલ્લામાં પડેલા જોવા મળ્યા. ખાડા ખોદીને મૃતદેહો દાટવાની તસ્દી ન લેવાતાં જોખમી સ્થિતિ સર્જાઇ છે. સીમાડો ગંધાઇ રહ્યો છે. ગામમાં રખડતા ઢોરો માટે આઇસોલેશન વોર્ડ (વાડો) બનાવાયો છે. ત્યાં હજુ 20થી 25 ગાયોમાં લમ્પી વાયરસની અસર છે, એ પણ બીજીમાં ચેપ ફેલાવાનો ભય છે.

અબડાસામાં પશુ તબીબ 2 : ખાનગી ચિકિત્સકની ફી ઉંચી
‘અબડાસાના જ લાલા, બુડિયા, વાંકુ જેવા માલધારીની વસતીવાળા ગામોમાં ગાયોમાં મૃત્યુ તો 60થી 70 છે પણ લમ્પીનો ફેલાવો વધુ હોવાથી એક તરફ દૂધની ઉપજ 80 ટકા ઘટી છે તો બીજી બાજુ આખા તાલુકામાં સરકારી પશુ તબીબ માત્ર 2 હોવાથી મુશ્કેલી છે, ખાનગી ચિકીત્સકો એક વિઝીટના રૂા. 700થી 800 લે છે જે પશુપાલકોને પોષાય તેમ નથી પરિણામે સારવારના અભાવે પણ વાયરસ પ્રસરી રહ્યો છે.

5 ભાઇઓની 200 ગાયોને ચેપ લાગ્યો: 45 મરી ગઇ
‘ગંગોણના કાનાભાઇ રબારીએ કહ્યું અમે 5 ભાઇઅોની 200 ગાય હતી, બધીને ચેપ લાગ્યો, 45 મરણને શરણ થઇ. ડેરીમાં રોજ 200 લીટર દૂધ આપતા, હવે માંડ માંડ 40થી 45 લીટર ભરી શકીએ છીએઆ સમય ખુબ કપરો છે. બચી ગઇ એ ગાયો હવે સ્વસ્થ થઇ છે પણ ગોઝારો લમ્પી આજીવીકાને બુરી અસર કરી ગયો છે.

દુધાળા ઢોર જ ભોગ બન્યા, અમને અસર હજુ 1 વર્ષ ચાલશે
‘મોસુણા ગામમાં 500 ગાય હતી. 60થી 70 મૃત્યુ પામી, દુધ આપતી અને વીયાયેલી ગૌમાતાઓ જ મરણ પામતાં દૂધના વેંચાણ પર મોટી અસર પડી છે. વંકાભાઇ રબારીના કહેવા પ્રમાણે ગામના માલધારી ડેરીમાં દૂધ ભરાવતા હતા, લમ્પીના પાપે આજીવીકાને મોટો ફટકો પડ્યો છે. આ અસર હજુ એક વર્ષ ચાલશે.

લાલા ગામમાં એક ઘર એવું નહીં જ્યાં ઢોર બિમાર ન પડ્યા હોય
‘માલધારી આમદ સંગારના જણાવ્યા પ્રમાણે લાલા ગામમાં કોઇ ઘર એવું નથી જ્યાં પશુમાં બિમારી ન હોય. બિમાર ઢોર દૂધ આપતા નથી. પશુપાલકોની હાલત કફોડી બની છે. સરકાર રસીકરણ વધારે અને જલ્દી સહાય આપે તો કંઇક રાહત મળે.

અન્ય સમાચારો પણ છે...