માંડવી તાલુકાના ડોણ ગામ નજીક ગાય આડી ઉતારતાં રિક્ષા રોડની સાઇડ ઉતરીને ઝાડ સાથે ભટકાતાં નખત્રાણાના 40 વર્ષીય યુવકનું ગંભીર ઇજાઓને કારણે મોત થયું હતું. જ્યારે તેમના પત્ની અને બાળકને ઇજા ગ્રસ્ત હાલતમાં માંડવી સરકારી દવાખાનામાં ખસેડાયા હતા. જ્યારે નખત્રાણા તાલુકાના ધાવડા અને દેવપર વચ્ચે કારની ટકકરથી ગંભીર રીતે ઘાયલ થયેલા મોટી વિરાણીના યુવકને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મોડી પહોંચતાં સ્થળ પર જ દમ તોડ્યો હતો. પુત્રના મોતથી પરિવારજનોમાં આક્રંદ છવાઇ ગયો હતો.
પરિવાર દર્શન માટે નખત્રાણાથી રિક્ષામાં માંડવી ગયો હતો
પ્રાપ્ત વિગતો મુજબ નખત્રાણા ખાતે રહેતો પટ્ટણી પરિવાર દર્શન માટે નખત્રાણાથી રિક્ષામાં માંડવી ગયો હતો. બપોરે એકાદ વાગ્યાના અરસામાં પરત ફરી રહ્યો હતો. ત્યારે ડોણ ગામ નજીક માર્ગ વચ્ચે ગાય આડી ઉતરતાં રિક્ષા ચાલકે કાબુ ગુમાવી દેતાં રોડની સાઇડમાં ઉતરી જઇ ઝાડ સાથે રિક્ષા અથડાઇ હતી. જેને કારણે પેસેન્જર ભગવાન ઉર્ફે ભગવાનભાઇ રણછોડભાઇ પટ્ટણી (ઉ.વ.40)ને ગંભીર ઇજાઓ થવાથી સારવાર પૂર્વે જ મોત આંબી ગયું હતું.
ઘાયલોને માંડવીની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા
જ્યારે તેમના પત્ની ભચીબેન ભગવાનભાઇ પટ્ટણીને ગળામાં તેમજ શરીરે ઇજાઓ તેમજ પુત્ર હિતેશને શરીરે ઇજા પહોંચી હતી. ઘાયલોને સારવાર માટે માંડવીની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે અકસ્માત કર્યા બાદ રિક્ષા મુકી ચાલક નાસી ગયો હતો. હતભાગી ભગવાનભાઇના ભાઇ બાબુભાઇ રણછોડભાઇ પટ્ટણી રહે નાગોરે માંડવી પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.
પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી
બીજી તરફ નખત્રાણા તાલુકાના ધાવડા અને દેવપર વચ્ચે કારના ચાલકે બાઈકને અડફેટે લેતાં મોટી વિરાણી ગામના બાઇક ચાલક ભીમજી રામજીભાઇ વણકરને ગંભીર ઇજાઓ થવાને કારણે સ્થળ પર કંમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બનાવને પગલે સ્થળ પર ઉપસ્થિત લોકોએ 108 બોલાવવા પ્રયાસો કર્યા હતા પરંતુ પોણો કલાક સુધી 108 ના આવતા મૃત હાલતમાં રોડ પર પડી રહ્યા હતા નખત્રાણા પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.